રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત થાય તેવા પ્રયાસો વચ્ચે હુમલાની ઘટના સામે આવી છે. રશિયાએ યુક્રેનના ઓડેસા પોર્ટ પાસે ઘઉં લોડ કરતા એક જહાજ પર મિસાઈલ એટેક કર્યો છે. આ હુમલામાં 4 વિદેશી નાગરિકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. યુક્રેને કહ્યું કે હુમલો સંપૂર્ણપણે એવા જહાજ પર કરાયો છે, જેનું યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી.
ગઈકાલે જ રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેન દ્વારા મોસ્કો પર મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. એજન્સીઓ અનુસાર યુક્રેને વહેલી સવારે રશિયન રાજધાની પર હુમલો કર્યો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો. હુમલાને કારણે બે એરપોર્ટ પણ બંધ કરવા પડ્યા હતા.
હવે રશિયાએ ગઈકાલે સાંજે જ ઓડેસા પર હુમલો કર્યો છે. ઓડેસા ઓબ્લાસ્ટ લશ્કરી વહીવટના વડા ઓલેહ કૈપરએ જણાવ્યું હતું કે હુમલો 11 માર્ચની સાંજે થયો હતો. અને રશિયાએ હુમલો કરવા માટે બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો.
ગઈકાલે સાંજે (11 માર્ચ) રશિયાએ ઓડેસા બંદર પર હુમલો કર્યો. એક બેલિસ્ટિક મિસાઈલે બાર્બાડોસ-ધ્વજવંદન જહાજ એમજે પિનારને નુકસાન પહોંચાડ્યું. દુઃખદ રીતે ચાર સીરિયન નાગરિકો માર્યા ગયા. સૌથી નાનો ભોગ બનનાર 18 વર્ષનો હતો અને સૌથી મોટો 24 વર્ષનો હતો, ઓલેહ કૈપરે જણાવ્યું.
ઓડેસા ઓબ્લાસ્ટ લશ્કરી વહીવટના વડાએ જણાવ્યું હતું કે જહાજ ઘઉં ભરી રહ્યું હતું જે અલ્જેરિયામાં નિકાસ થવાનું હતું. અને આ સંપૂર્ણપણે બિન-લશ્કરી જહાજ હતું. તેમણે કહ્યું કે હુમલામાં બીજા જહાજ અને એક ગોદામને નુકસાન થયું છે. 11 માર્ચે મોસ્કોમાં વહેલી સવારે થયેલા હુમલામાં ઘણી ઇમારતોમાં આગ લાગી હતી.
રશિયન મેયરે દાવો કર્યો હતો કે યુક્રેને એક સાથે મોસ્કો તરફ અનેક ડ્રોન છોડ્યા હતા. મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે શહેર તરફ આગળ વધતા ઓછામાં ઓછા 60 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે તણાવનો તાજેતરનો તબક્કો ત્યારે શરૂ થયો જ્યારે સાઉદી અરેબિયામાં બંને દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ માટે વાતચીત થઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેન રશિયા સાથે 30 દિવસ માટે યુદ્ધવિરામ માટે સંમત થયું છે.
તેમણે આશા વ્યક્ત કરી કે મોસ્કો પણ આનો સકારાત્મક પ્રતિભાવ આપશે. મંગળવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુએસ પ્રતિનિધિઓ સાથેની વાતચીત બાદ કિવ દ્વારા મોસ્કો સાથે 30 દિવસના યુદ્ધવિરામ સ્વીકારવા તૈયાર હોવાનું કહેવા પછી ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે.
