SURAT

એવું શું થયું કે આખા દક્ષિણ ગુજરાતમાં પાવર સપ્લાય ડિસ્ટર્બ થયો?, જાણો..

સુરતઃ હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં કાળઝાળ ગરમીના વર્તારા સાથે ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલ જાહેર કર્યા છે, ત્યારે બીજી તરફ આજે સુરત શહેર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભરબપોરે પાવર કટ થયો હતો. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં પાવર કટ થયો હતો.

ખાનગી વીજ કંપની અને ડીજીવીસીએલ બંનેના વિસ્તારોમાં પાવર સપ્લાય અટકી ગયો હતો, જેના લીધે કોઈ મોટી ઘટના બની હોવાની આશંકાએ લોકો ગભરાયા હતા. લોકો ખાનગી વીજ કંપનીના ઓફિસે પહોંચી ગયા હતા. ડીજીવીસીએલના અધિકારીઓના ફોન રણકવા લાગ્યા હતા. જોકે, થોડી મિનિટોમાં પાવર સપ્લાય પૂર્વવત્ત થઈ જતા લોકોએ રાહત અનુભવી હતી. જોકે, મહત્ત્વની વાત એ છે કે એવું શું થયું જેના લીધે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાવર કટ થયો.

પાવર કટનું કારણ શું?
ગેટકો અને એલએમયુ તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ દોઢસો કિલોમીટર દૂર આવેલા જાંબુઆમાં 400 kV આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટો ખલેલ પહોંચી હતી. ઓછા વોલ્ટેજનો પ્રશ્ન ઉભો થયો હતો. પાવર ફ્લ્ચ્યુએટ થવા લાગ્યો હતો. આ કારણે SLDC તેને ઉકેલવા માટે પગલાં લઈ રહી છે. દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સિસ્ટમમાં વોલ્ટેજ ચકાસણી કરી સ્ટેબલ થઈ શકે છે.

ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થયા જેના કારણે 500 મેગાવોટનું ઉત્પાદન ઘટ્યું હતું. ડીજીવીસીએલની માંગ 5200 મેગાવોટથી ઘટીને 700 મેગાવોટ થઈ ગઈ. હાલમાં ડીજીવીસીએલનો ભાર 700 થી વધીને 1040 મેગાવોટ થયો છે જે હજુ પણ સ્થિર નથી. ડીજીવીસીએલ હેઠળના વિવિધ એસએસ પર શૂન્ય પાવર લોડ ઘટાડવા અને સિસ્ટમને અંધારામાં જતી અટકાવવા માટે કાર્યરત એસપીએસને કારણે છે.

શું કહ્યું ડીજીવીસીએલના એમડીએ?
ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ કહ્યું કે, 400 કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ટ્રીપ થઈ હતી. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર (જાંબુઆ)માં તે રિસ્ટોર કરવા પ્રયાસ ચાલી રહ્યાં છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સમસ્યા છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં પાવર કટ થયો હતો.

ફ્રિજ-ટીવી બંધ રાખવાના મેસેજ ફરતા થયા
વારંવાર પાવરનો સપ્લાય વધઘટ થતો હોવાના લીધે લોકો ગભરાયા હતા અને સોશિયલ મીડિયામાં ટીવી, ફ્રિજ સહિતની ઈલેક્ટ્રોનિક આઈટમો બંધ રાખવાના મેસેજ ફરતા થયા હતા.

ટ્રેનો અટકી ગઈ, સુમુલમાં જનરેટર ચાલુ કરવું પડ્યું
અચાનક વીજ પુરવઠો કટ થતા જનજીવન થંભી ગયું હતું. લોકો ઘર-ઓફિસમાં પરસેવે રેબઝેબ થવા લાગ્યા હતા. બીજી તરફ પાવર સપ્લાય અટકી જતા રેલ વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો. સુમલ ડેરીનો પ્લાન્ટ પણ બંધ થયો હતો. પ્લાન્ટ શરૂ કરવા જનરેટર ચાલુ કરવા પડ્યા હતા.

Most Popular

To Top