વોર્ડ નં. 11 અને 18માં હાઈવોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસના પ્રમુખનો ફોન સ્વીચ ઓફ આવતા તર્ક-વિતર્ક, અનેક ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આક્ષેપ
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની બેઠકો પર બિનહરીફ જીત મેળવવા અથવા વિપક્ષને નબળો પાડવા માટે ‘સામ-દામ-દંડ અને ભેદ’ની રણનીતિ અપનાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસના મજબૂત ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે લેવામાં આવેલા આક્રમક વલણને કારણે રાજકીય આલમમાં ફાળ પડી છે.
શહેરના વોર્ડ નંબર 11 માં સૌથી મોટો વિવાદ સર્જાયો છે. અહીં ભાજપના ઉમેદવાર, જેઓ મૂળ જન્મજાત કોંગ્રેસી છે અને પોતાની જમીનો બચાવવા ભાજપમાં જોડાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેમની સામે કોંગ્રેસના કનુભાઈ પ્રજાપતિ મેદાનમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કનુભાઈને ફોર્મ પરત ખેંચાવવા માટે પ્રજાપતિ સમાજના જ કેટલાક અગ્રણીઓ દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું છે. વાત એટલી હદે વણસી છે કે કનુભાઈનો પરિવાર હાલ ગુમ હોવાનું કહેવાય છે અને તેમના પુત્રે દબાણવશ આપઘાત કરવાની ધમકી આપી હોવાની વિગતો પણ વહેતી થઈ છે. ભાજપનો પ્લાન અહીં નવા ચહેરા વિષ્ણુને બિનહરીફ જીતાડી અન્ય ઉમેદવારોનો ભાર હળવો કરવાનો હોવાનું મનાય છે. આ ઉપરાંત, આ જ વોર્ડના મહિલા ઉમેદવાર બીનાબેન ચાવડા પણ હાલ સંપર્ક વિહોણા હોવાથી અનેક આશંકાઓ સેવાઈ રહી છે.
માત્ર વોર્ડ 11 જ નહીં, પરંતુ વોર્ડ નંબર 18 માં પણ કોંગ્રેસની પેનલને તોડવાના પ્રયાસો તેજ થયા છે. કોંગ્રેસના બે મહિલા ઉમેદવારો કિન્નરી પંચાલ અને ભાવિકા પટેલ પર ફોર્મ પરત ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ સંગઠન સ્તરે કોઈ જ રક્ષણ મળતું હોય તેવું જણાતું નથી. આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીનો વારંવાર સંપર્ક કરવા છતાં તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. શહેર પ્રમુખની આ ભેદી ચુપકીદી અને ગેરહાજરીને કારણે કાર્યકરોમાં પણ ફફડાટ છે. શું પ્રમુખ પોતે પણ કોઈ દબાણ હેઠળ છે ? તેવા પ્રશ્નો કાર્યકરોમાં પૂછાઈ રહ્યા છે.