વિશ્વમાં જો આજની તારીખે માનવજાતનું સૌથી મોટું કોઈ દુશ્મન હોય તો તે પ્રદૂષણની વધતી માત્રા છે. તેમાં પણ ભારત જેવા દેશોમાં તો મામલો અતિ ગંભીર છે. તાજેતરમાં વિશ્વભરમાં પ્રદૂષણ પર સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની IQAir દ્વારા પ્રકાશિત વર્લ્ડ એર ક્વોલિટી ટેકનોલોજી રિપોર્ટ 2024માં વિશ્વના ટોચના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારનતા 13 શહેરોનો સમાવેશ કરાયો છે.
જ્યારે વિશ્વના 10 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના 6 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદૂષણને કારણે માનવીના સરેરાશ આયુષ્યમાં મોટો ઘટાડો થાય છે. ચોક્કસપણે અગાઉના વર્ષોની સરખામણીમાં ભારતનો પ્રદૂષણના મામલે સુધારો થયો છે પરંતુ હજુ પણ ભારતમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર જ છે. વર્ષ 2023માં ભારત પ્રદૂષણના મામલે વિશ્વમાં 3જા ક્રમે હતું.
જ્યારે 2024માં ભારત વિશ્વમાં પ્રદૂષણના મામલે પાંચમા સ્થાને પહોંચ્યું છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતમાં PM 2.5ની સાંદ્રતા 2023માં 54.4 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતી. જે 2024માં 7 ટકા ઘટીને સરેરાશ 50.6 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થઈ છે. ભારતમાં પ્રદૂષણની માત્રા એ હાલના તબક્કે પણ ચિંતાજનક જ છે અને સરકારે આ મામલે ખરેખર ગંભીર થવાની જરૂરીયાત છે.
વિશ્વના પ્રદૂષિત 20 શહેરમાં ભારતના 13 શહેર બુર્નીહાટ, દિલ્હી, મુલ્લાનપુર (પંજાબ), ફરીદાબાદ, લોની, નવી દિલ્હી, ગુડગાંવ, ગ્રેટર નોઈડા, ભીંવડીં, મુઝફ્ફરનગર, હનુમાન ગઢ અને નોઈડાનો સમાવેશ થાય છે. જેમાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ઉંચું રહેવા પામ્યું છે. દિલ્હીમાં વાર્ષિક સરેરાશ PM 2.5 સાંદ્રતા પ્રતિ ઘન મીટર 91.6 માઈક્રો ગ્રામ હતી. જે 2023માં 92.7 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર સુધી પહોંચી ગઈ હતી.
ભારતમાં સરેરાશ 35 ટકા જેટલા શહેરોમાં વાર્ષિક PM 2.5 સાંદ્રતાનું સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થાની 5 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટરની મર્યાદા કરતાં 10 ગણું વધારે જોવા મળ્યું છે. જે બતાવે છે કે ભારતમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર બાબત છે અને તેને કારણે માનવના આયુષ્યમાં સરેરાશ 5.2 વર્ષ જેટલો ઘટાડો થઈ રહ્યો છે. વાહનોમાંથી નીકળતો ધૂમાડો, ઉદ્યોગોમાંથી બહાર નીકળતો ઝેરી ધુમાડો, લાકડા કે પાકના કચરાને બાળવાને કારણે વાયુ પ્રદૂષણ વધે છે. જે માનવજાત માટે જોખમકારક છે. અગાઉ આ અંગે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં બતાવવામાં આવ્યું હતું કે, ભારતમાં 2009થી 2019 દરમિયાન દર વર્ષે 1.5 મિલિયન જેટલા લોકો PM 2.5 પ્રદૂષણના લાંબા ગાળના સંપર્કમાં આવે છે.
PM2.5 એ 2.5 માઈક્રોન કરતા નાના વાયુ પ્રદૂષણના કણો છે અને તે ફેંફસા કે લોહીના પ્રવાહમાં ભળી જાય છે. જેને કારણે શ્વાસ લેવાની તકલીફની સાથે સાથે હ્રદય રોગ અને કેન્સર પણ થઈ શકે છે. ખુદ વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ અધિકારીઓ કહી રહ્યા છે કે ભારતમાં પ્રદૂષણને કાબુમાં લેવા માટેના પગલાઓનો અભાવ છે. ભારતમાં લાકડાને બાળવાથી ઊભા થતાં પ્રદૂષણને કાબુમાં લેવું હોય તો એલપીજી સિલીન્ડરની સાથે સાથે પાઈપથી ગેસ આપવો જોઈએ. સાથે સાથે જે કાર દ્વારા ઝેરી ધૂમાડો બહાર કાઢવામાં આવતો હોય તે કારને શોધીને દંડ કરવો જોઈએ.
જેને જેને કારણે વાયુ પ્રદૂષણ વધતું હોય તેને બંધ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ. આજના સમયમાં પ્રદૂષણનો મામલો ભારત જેવા દેશ માટે સૌથી અઘરો છે. ભારત વિકાસશીલ દેશ છે અને તેને કારણે આગામી દિવસોમાં નવા ઉદ્યોગોની સાથે સાથે વિકાસના નવા પ્રોજેક્ટો પણ તૈયાર થશે. આ સંજોગોમાં ભારત સરકારે સ્વચ્છતાની જેમ પ્રદૂષણને નિવારવા માટે પણ દેશમાં ઝુંબેશ શરૂ કરવાની જરૂરીયાત છે તે નક્કી છે.
