Business

હવે પેટ્રોલ-ડીઝલથી ચાલતી જૂની કાર ઈલેક્ટ્રીક વ્હીકલ તરીકે અપડેટ કરી શકાશે

નવી દિલ્હી (New Delhi) : છેલ્લાં એકાદ-બે વર્ષથી દેશમાં ઈલેક્ટ્રીક (Electric Vehicles) ટુ-વ્હીલર અને કારનો ક્રેઝ વધ્યો છે. પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) સહિતના ઈંધણોની કિંમત ખૂબ વધી હોય વાહનચાલકોને હવે વાહનો ચલાવવા મોંઘા પડી રહ્યાં છે, તેથી ખૂબ જ ઝડપથી લોકો ઈલેક્ટ્રીક વ્હીકલ્સ પર ડાયવર્ટ (Divert) થઈ રહ્યાં છે. બજારમાં ખૂબ મોટી સંખ્યામાં ઈલેક્ટ્રીક ટુ વ્હીલ્સ અને કાર વેચાઈ રહી છે. ઈંધણના ભાવ વધતા પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર લેનારા પસ્તાઈ રહ્યાં છે, ત્યારે આવા લોકો માટે દિલ્હીમાં એક પોલિસી બહાર પડવા જઈ રહી છે, તે અંતર્ગત જૂની કારને પણ ઈલેક્ટ્રીકમાં કન્વર્ટ કરી શકાશે. શું છે આ પોલિસી તે જાણીએ.

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અને પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતને કારણે હવે લોકોનો ઈલેક્ટ્રિક વાહનો તરફનો ઝોક ઝડપથી વધી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના લોકો માટે રાહતના સમાચાર છે. કારણ કે દિલ્હીની કેજરીવાલ સરકાર એક નવી યોજના લાવવા જઈ રહી છે, જેના હેઠળ દિલ્હીમાં લોકો હવે તેમના જૂના વાહનોને ઈલેક્ટ્રિક વાહનો તરીકે અપડેટ કરી શકશે.

નવી સ્કીમને લઈને દિલ્હી સરકાર ટૂંક સમયમાં રિટ્રોફિટમેન્ટ સર્વિસ (Retro Fitment Service) શરૂ કરવા જઈ રહી છે. આ વ્યવસ્થા બાદ દિલ્હીના તે લોકોને ફાયદો થશે, જેઓ પ્રતિબંધને કારણે પોતાના ડીઝલ વાહનોનો ઉપયોગ કરી શકતા નથી. વાહન ઈલેક્ટ્રિક થયા બાદ વાહનની લાઈફ વધુ 5 વર્ષ વધી જશે. વાસ્તવમાં, હાલમાં દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. જૂનમાં જ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ વાહન માલિકોને તેમના વાહનોને રિટ્રોફિટમેન્ટ દ્વારા ઇલેક્ટ્રિક કરાવવાનો આદેશ જારી કર્યો હતો. દિલ્હીના પરિવહન વિભાગ દ્વારા NICના સહયોગથી એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા જૂના વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં કન્વર્ટ કરતી કંપનીઓ વિશેની માહિતી સહિત ખર્ચ અને નોંધણી વિશેની માહિતી પણ ઉપલબ્ધ થશે.

ઇલેક્ટ્રિક વાહનોની રિટ્રોફિટમેન્ટ સેવાઓ માટે પણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. આમાં, ડીઝલ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં કન્વર્ટ કરવા માટે પહેલા રેટ્રોફિટમેન્ટના મોડ્યુલને પોર્ટલમાં ઓનલાઈન અપડેટ કરવામાં આવશે. આ પછી, લોકો રેટ્રોફિટમેન્ટ સેન્ટર દ્વારા તેમના જૂના ડીઝલ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવી શકશે. તેમના ડીઝલ વાહનમાં ઇલેક્ટ્રિક વ્હિકલ કીટ લગાવવા માટે, લોકોએ પહેલા દિલ્હી સરકાર દ્વારા અધિકૃત રેટ્રો ફિટમેન્ટ સેન્ટરની મુલાકાત લેવી પડશે. કેન્દ્ર દ્વારા ડીઝલ કારમાં લગાવવામાં આવનારી કીટ અંગેની માહિતી વાહન પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. જેની ચકાસણી સંબંધિત વિસ્તારના આરટીઓ અધિકારી કરશે. આ દરમિયાન લોકોએ પણ તેમના વાહનને આરટીઓ કચેરીએ લઈ જવાનું રહેશે.

Most Popular

To Top