Gujarat

દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી: જિલ્લાઓમાં N.D.R.F અને S.D.R.Fની ટીમ એલર્ટ

ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) તથા ગાંધીનગરમાં (Gandhinagar) સતત અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.૨૪મી જૂનથી ૨૬મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનર દ્વારા નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાં એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમોને વરસાદની આગાહી મુજબ એલર્ટ રહેવા આદેશ કરાયો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 4 ટકા વરસાદ પડ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. અમદાવાદમાં મંગવારે ગરમીનો પારો 41 ડિ.સે. તથા ગાંધીનગરમાં 39 ડિ.સે., સુધી પહોંચી ગયો હતો. જેના પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો 3 ટકા વરસાદ અને પૂર્વ – મધ્ય ગુજરાતમાં 2.8 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સરેરાશ 5.49 ટકા વરસાદ નોંધાયો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 4.12 ટકા વરસાદ નોંધાયો છે.

ચાલું વર્ષે અંદાજીત ૧૦,૨૪,૪૨૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત ૧૦,૨૪,૪૨૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૦/૦૬/૨૦૨૨ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૬,૮૯,૪૭૨ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૧.૮૭ ટકા વધુ વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૪૯,૯૭૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૪૪.૮૯ ટકા છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૮,૨૪૧ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૩.૭૨ ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઇ છે.

Most Popular

To Top