Charchapatra

રેડિયો સિલોન નું હિન્દી પ્રસારણ હજુ પણ ચાલુ છે

તારીખ ૧૧ મે, ૨૦૨૩ નાં ગુજરાતમિત્ર નાં ચર્ચાપત્ર વિભાગ માં શ્રી ભાર્ગવ પંડ્યા નું ચર્ચાપત્ર રજૂ થયું તેમાં રેડિયો સિલોન વિષે જાણે તે ભૂતકાળ ની વાત હોય તે રીતે તેને યાદ કર્યું છે, તો તેમને જણાવવાનું કે રેડિયો સિલોન નું હિન્દી પ્રસારણ આજની તારીખે પણ , અલબત્ત ઘટાડેલા સમય માટે , એટલે કે ફક્ત સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી ભારતીય સમય પ્રમાણે ચાલુ જ છે અને તેનો પુરાણી ફિલ્મો નાં ગીતો નો કાર્યક્રમ વર્ષો જૂનાં સમય એટલે કે ૭.૩૦ થી ૮.૦૦ ચાલુ જ છે. જે ૨૫ મીટર શોર્ટવેવ પર સવારે ૬.૩૦ થી ૭.૩૦ સુધી બંધ રહે છે પણ મોબાઈલ એપ્લિકેશન અને ઇન્ટરનેટ પર સળંગ આવે છે અને આ કાર્યક્રમ માં દર પહેલી તારીખે કિશોર કુમાર નું પહેલી તારીખ નું ગીત હજુ પણ આવે છે.

જેમાં ફક્ત ૧ જાન્યુઆરી નાં દિવસે બીજુ આવે છે અને પહેલું ગીત ફિલ્મ સમ્રાટ નું સબ કો મુબારક નયા સાલ આવે છે અને કાર્યક્રમ નું અંતિમ ગીત સ્વર્ગીય કે એલ સાયગલ સાહેબ નું જ આવે છે અને જો પૂરો કાર્યક્રમ કોઈ અન્ય કલાકાર ને જન્મ દિન , કે સ્મૃતિ દિન તરીકે સમર્પિત હોય તો પણ તે ૭.૫૫ પર બંધ કરી અંતિમ ગીત તો પ્રણાલી મુજબ જ રજૂ થાય છે. આ ચર્ચાપત્રી હજુ આજે પણ તેનો સક્રિય શ્રોતા છે (અને સુરત નાં અને બહારનાં પણ આ સ્ટેશન નાં અન્ય શ્રોતાઓ મને ત્યાંથી જ ઓળખીને મને શોધતા આવ્યા છે અને મિત્ર બન્યા છે. )
નાનપુરા સુરત. પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જજોની બઢતી – બદલી અને સ્ટે
મેરીટના ધોરણે બઢતી – બદલી કરવાના કાયદાનો ભંગ થયાની કાયદાશાસ્ત્રી દ્વારા સુપ્રિમકોર્ટમાં અરજી કરવામાં આવી અને ગુજરાતનાં ૬૮ ન્યાયાધીશોની બદલી અને બઢતી પર સુપ્રિમકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો. એટલું જ નહીં આ જજોને પોતાના મૂળ સ્થાને ફરજ બજાવવાનો આદેશ પણ કરવામાં આવ્યો. જેની પ્રતિક્રિયામાં કેટલાક જજોએ એવું જણાવ્યું કે આ એક અપમાનજનક બાબત છે. આ ઘટના આમ તો સામાન્ય માણસોને પ્રત્યક્ષ રીતે એટલી લાગતી વળગતી નથી. પરંતુ આ ઘટનાએ ગુજરાત અને દેશના ન્યાયતંત્રમાં ખૂબ મોટી હલચલ મચાવી દીધી છે. મેરિટના ધારા ધોરણોનો ભંગ  થયો છે કે નહીં તે તો સુપ્રિમકોર્ટ નક્કી કરશે. પરંતુ થયો હોય તો શા માટે, કોના દ્વારા, કેવી રીતે, કોને ફાયદો – નુકશાન થયું હશે? જો ન્યાયતંત્રમાં આવું થઈ શકે તો શું અન્ય તંત્રોમાં આવું ન બન્યું હોય (!),જે બહાર ન આવ્યું હોય ? આવા અનેક ગંભીર અને વિચારણીય પ્રશ્નો છે.  આ તો કાયદાશાસ્ત્રીઓ એટલે સુપ્રિમકોર્ટના દરવાજા ખખડાવી શક્યા. જેઓ અદાલત કે ઉપલી અદાલતમાં ન જઈ શકે તેમણે અન્યાય સહન કરવો જ રહ્યો. જો ન્યાયતંત્રમાં આવું બની શકે તો સામાન્ય માણસો  ન્યાય મેળવવા માટે અદાલત પર કેટલો વિશ્વાસ મૂકી શકે એ વિચારણીય બાબત બને છે. સુપ્રિમકોર્ટના આદેશના અસરગ્રસ્ત જજોએ પોતાના કાર્યકાળ દરમ્યાન આવા સ્ટે ઓર્ડર આપ્યા હશે ત્યારે જજોને પોતાના મૂળ સ્થાને ફરજ બજાવવાના આદેશને તેમણે અપમાન ગણાવ્યું એ કેટલી ઉચિત (!) બાબત ગણી શકાય.
સુરત     મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top