દમણ : સંઘપ્રદેશ દમણમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડી સ્પા સંચાલક એક મહિલાની ધરપકડ કરી છે. જ્યારે સ્પા સેન્ટરમાંથી 5 મહિલાને પોલીસે ઉગારી લીધી હતી.
મંગળવારે પોલીસને ગુપ્ત રાહે એક બાતમી મળી હતી કે, નાની દમણ તીનબત્તી વિસ્તારમાં આવેલી સલમાન હોટલના પહેલા માળે ખુશી નામનું એક સ્પા આવેલું છે. જેમાં સ્પાની આડમાં મહિલાઓ પાસે અનૈતિક ધંધો કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમી મળતા દમણ પોલીસે ટીમ બનાવી સ્પામાં ડમી ગ્રાહક મોકલાવ્યો હતો.
જે બાદ સ્પામાં અનૈતિક કાર્ય ચાલતું હોવાનું સાચું સાબિત થતાં પોલીસની ટીમે સ્પા સેન્ટર પર છાપો માર્યો હતો. જ્યાં સ્પા સેન્ટરની અંદરથી 5 જેટલી મહિલા મળી આવી હતી. જ્યારે કાઉન્ટર પર બેઠેલી મહિલા પાસેથી પોલીસે જે ડમી ગ્રાહક મોકલ્યો હતો, તેણે જે રૂપિયા આપ્યા હતા.
તે રૂપિયા મહિલા પાસેથી મળી આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ખુશી સ્પા સેન્ટરનું સંચાલન કરનારી વાપીમાં રહેતી મહિલા ઉષા સિંહની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. જ્યારે અનૈતિક પ્રવૃત્તિમાં ધકેલાયેલી 5 પીડિત મહિલાને પોલીસે બચાવી લીધી હતી. પોલીસે સ્થળ પરથી 2 મોબાઇલ ફોન પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દમણમાં ચાલતા અન્ય સ્પા સેન્ટર પર દરોડો પાડવા જરૂરી
પોલીસ દ્વારા ખુશી સ્પા પર દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાને ઉજાગર કરી તેની સંચાલિકાની ધરપકડ કરી છે. પરંતુ દમણમાં વિવિધ વિસ્તારોમાં ગલીખૂંચે ખુલી ગયેલા સ્પા સેન્ટર, હોટલો અને ગેસ્ટ હાઉસમાં પર પણ જો પોલીસ સમયાંતરે દરોડા પાડે તો મોટા અનૈતિક ચાલતા ગોરખધંધાઓ બહાર આવી શકે તેમ છે.
પ્રશાસક પ્રફુલ પટેલના અથાગ પ્રયાસથી દમણ પર્યટન ક્ષેત્રે આજે સમગ્ર દેશભરમાં જાણીતું બની ગયું હોઈ અને અહીં દેશ વિદેશથી પર્યટકો પ્રદેશની સહેલગાહે આવતા હોય ત્યારે આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવનાર લોકો પર્યટન સ્થળ દમણની છબીને ખરડે એ પહેલા તેમને અટકાવી જેલભેગા કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.
