સુરત: સુરતમાં હાલમાં ઓટો રિક્ષાની સંખ્યા અંદાજે 70,000 જેટલી છે. શહેરમાં ટ્રાફિક ન્યૂસન્સન ગણાતા ઓટો રિક્ષાચાલકો માટે આખા શહેરમાં હવે પાર્કિંગ પ્લેસ ઉભા કરવામાં આવશે. આ પાર્કિંગ સ્પોટ નિયત કરવાની કામગીરી હાલમાં સુરત પોલીસ અને મનપા કરી રહી છે.
- રિક્ષાચાલકો માટે શહેરમાં હવે પાર્કિંગ પેલેસ ઊભા કરાશે
- રસ્તાની વચ્ચે વચ ઉભા રહેનારા રિક્ષાચાલકો પાસેથી આકરી પેનલ્ટી વસૂલાશે
પોલીસ કમિશનર ગેહલોતે જણાવ્યું કે જો પાર્કિંગ સ્પોટની બહાર રિક્ષા ગમે તેમ ઉભી હશે તો આકરી કાર્યવાહી કરવામા આવશે. દરમિયાન આવતા થોડા દિવસોમાં હેલ્મેટ બાદ હવે રિક્ષાચાલકો સામે પોલીસ આકરી કાર્યવાહી શરૂ કરશે. તેમાં ગમે તેમ લાઉડ સ્પીકરથી મોટા અવાજે ગીતો વગાડનારા તથા ગમે તેમ રિક્ષા હાંકનારાઓનો પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢશે.
જો મુખ્ય માર્ગો પર મુસાફરી લેવા માટે રસ્તાની વચ્ચે વચ કે પછી ચાર રસ્તા પર ઉભેલા દેખાયા તો પોલીસ આકરી પેનલ્ટી લેવા માટે અભિયાન છેડવામા આવશે. તેમાં સ્ટેશન વિસ્તાર, રિંગ રોડ, ભાગળ, પરવત પાટિયા કે પછી લિંબાયત, ઉધના, સચિન માર્ગ પર રિક્ષાચાલકોનો આતંક હોવાની વાત છે. પોલીસ હવે આ રિક્ષાચાલકોને શોધી શોધીને ઠેકાણે પાડવાના મૂડમાં છે. આ ઉપરાંત રિક્ષાચાલકો સામે જરૂરી જણાયું તો ક્રિમિનલ કેસ પણ દાખલ કરવામા આવશે.
ડમ્પરચાલકો જો શહેરમાં દેખાયા તો માલિક જેલમાં જશે
આવતા સપ્તાહમાં પોલીસ ડમ્પરચાલકો સામે પણ આકરી કાર્યવાહી શરૂ કરશે. તેમાં જો નિયત ટાઇમની બહાર શહેરમાં ડમ્પર દેખાયા તો સીધા ડમ્પરના માલિક સામે ગુનો દાખલ કરવામા આવશે. તેમાં જે રીતે શહેરમા પ્રતિબંધિત સમયમાં ઘૂસીને લોકોની જાનમાલને ડમ્પરચાલકો નુકસાન કરી રહ્યા છે. ત્યારે લાયસન્સ વગરના કે પછી કાયદાની એસી તેસી કરનારા ડ્રાઇવર ઉપરાંત જે તે ટ્રાન્સપોર્ટના માલિક સામે ફોજદારી ગુનો દાખલ કરાશે.
