Charchapatra

શસ્ત્રોના સોદાગર સંજય ભંડારીના કેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની મુસીબત વધી ગઈ છે

હથિયારોના વેપારી અને ભાગેડુ સંજય ભંડારીને કારણે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. વાસ્તવમાં ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સંજય ભંડારી, સીસી થમ્પી અને સુમિત ચઢ્ઢા વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીની આ ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટ દાખલ કરતી વખતે ઇડીએ જણાવ્યું હતું કે ફરાર હથિયાર ડીલર સંજય ભંડારી માટે કામ કરનાર સીસી થમ્પી કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના સહયોગી હતા. સંજય ભંડારી વિદેશી વાહનોનો ડીલર હોવાનું કહેવાય છે. સંજય ભંડારી અગાઉ વિદેશથી લક્ઝરી કાર ભારતમાં લાવતો હતો અને મોટા લોકોને વેચતો હતો. આ વ્યવસાય દરમિયાન જ તેનો રાજકીય લોકો સાથે પરિચય થયો હતો. બાદમાં તેણે હથિયારોની દલાલી શરૂ કરી હતી. સંજય ભંડારીએ હથિયારોના વ્યવસાય માટે એક કંપની પણ બનાવી હતી, જેને ઓફસેટ ઈન્ડિયા સોલ્યુશન્સ નામ આપવામાં આવ્યું હતું. આ કંપની પાસે એક જ કામ હતું. તે દરેક શસ્ત્રપ્રદર્શનમાં ભાગ લેતી હતી.

સંજય ભંડારીને વર્ષ ૨૦૨૦માં ઇડીની વિશેષ અદાલતે ભાગેડુ જાહેર કર્યો હતો. હકીકતમાં તા.૧ જૂન, ૨૦૨૦ ના રોજ ઇડીએ સંજય ભંડારીની ત્રણ કંપનીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જે બાદ જ તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. એજન્સીએ અત્યાર સુધી સંજય ભંડારીની ૨૬.૫૫ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સંજય ભંડારીનો રોબર્ટ વાડ્રા સાથે શું સંબંધ છે? તે બાબતમાં ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યું છે. રોબર્ટ વાડ્રાની કંપનીએ ભંડારીની કંપની સાથે પણ વાત કરી હોવાનો આક્ષેપ ભાજપે અનેક વાર કર્યો છે. નવેમ્બરમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જેમાંથી કોર્ટે ૨૨ ડિસેમ્બરે સંજ્ઞાન લીધું હતું. તેમાં ઇડીએ એવો પણ દાવો કર્યો છે કે રોબર્ટ વાડ્રાને સેન્ટ્રલ લંડનમાં સંજય ભંડારીનો ફ્લેટ મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે સી.સી. થમ્પી રોબર્ટ વાડ્રાનો નજીકનો સહયોગી છે. ઇડીની તાજેતરની ચાર્જશીટમાં પહેલી વખત પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ પણ તેમની મુશ્કેલી વધારી શકે છે.

ભારતની રાજધાની નવી દિલ્હીમાં સંરક્ષણ સોદાના દલાલોનો કોઇ તોટો નથી. કોઇ પણ વિદેશી કંપની ભારતને શસ્ત્રસરંજામ વેચવા માગતી હોય તો તેણે અભિષેક વર્મા કે સંજય ભંડારી જેવા વચેટિયાની સહાય લેવી જ પડે છે. સંજય ભંડારી માત્ર કોંગ્રેસના જ નહીં, પણ દેશના તમામ મુખ્ય પક્ષોના રાજકારણીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. થોડા સમય પહેલાં દિલ્હીમાં વસતાં રાજકારણીઓ માટે મોંઘી વિદેશી કારો ડ્યૂટી ભર્યા વિના આયાત કરવામાં સંજય ભંડારીનું નામ ચમક્યું હતું.

ત્યાર બાદ સંરક્ષણ મંત્રાલયમાંથી કેટલીક મહત્ત્વની ફાઇલો ગુમ થઇ તેમાં પણ સંજય ભંડારીનો હાથ હોવાનું જણાયું હતું. રાજકીય પક્ષોને ચેક દ્વારા જે માતબર ડોનેશનો આપવામાં આવે છે તેમાં પણ કાળાં નાણાંને ધોળા કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. સંજય ભંડારી આ કૌભાંડમાં પણ સંડોવાયેલો છે. થોડા સમય પહેલાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સંજય ભંડારીના ૧૮ ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ દરોડા સંજય ભંડારીની કંપનીમાં પકડાયેલી ૩૮ કરોડ રૂપિયાની ખોટી એન્ટ્રીની તપાસ કરવા માટે પાડ્યા હતા, પણ તેમાં અનાયાસે સંજય ભંડારીએ લંડનમાં રોબર્ટ વાડ્રા માટે ખરીદેલી બેનામી પ્રોપર્ટી બાબતનો ઇ-મેઇલથી થયેલો પત્રવ્યવહાર હાથમાં આવી ગયો હતો. આ પત્રવ્યવહાર મુજબ સંજય ભંડારીએ રોબર્ટ વાડ્રા માટે ઇ.સ.૨૦૦૯ના ઓક્ટોબરમાં એક ફ્લેટ ખરીદ્યો હતો અને ઇ.સ.૨૦૧૦ના જૂન મહિનામાં સમારકામ કરાવીને તે ફ્લેટ વેચી માર્યો હતો. શસ્ત્રોના દલાલ સંજય ભંડારીએ માત્ર રોબર્ટ વાડ્રા માટે જ નહીં, પણ બીજા રાજકારણીઓ માટે પણ વિદેશોમાં પ્રોપર્ટી ખરીદી હોવાની શંકા છે.

સંજય ભંડારીએ રોબર્ટ વાડ્રા માટે જે પ્રોપર્ટી ખરીદી તે લંડનના પોશ ગણાતા બ્રાયનસ્ટોન વિસ્તારમાં આવેલી છે. આ ઉપરાંત લંડનના બોર્ડોન સ્ટ્રીટ વિસ્તારમાં પણ તેમણે ઇ.સ.૨૦૧૩માં ૧૦ કરોડ રૂપિયામાં પ્રોપર્ટી ખરીદી હતી. તેમણે દુબઇના જુમૈરા વિસ્તારમાં પણ પાંચ કરોડ રૂપિયામાં એક ફ્લેટ ખરીદ્યો હતો. સંજય ભંડારી રિયલ એસ્ટેટનો ધંધો કરતા નથી, માટે આ બધી બેનામી પ્રોપર્ટી જ હોવાની સંભાવના છે. સંજય ભંડારી પનામામાં ટાપુઓમાં પણ કેટલીક બેનામી પ્રોપર્ટીની અને કંપનીઓની માલિકી ધરાવે છે.

ઇન્કમ ટેક્સના અધિકારીઓએ જ્યારે સંજય ભંડારીની ઓફિસ પર દરોડા પાડ્યા ત્યારે તેમને સંજય ભંડારીએ રોબર્ટ વાડ્રા અને તેમના સહાયક મનોજ અરોરા સાથેનો ઇ-મેઇલ દ્વારા થયેલો પત્રવ્યવહાર હાથ લાગ્યો હતો. આ પત્રવ્યવહાર પરથી ખ્યાલ આવતો હતો કે સંજય ભંડારીના લંડન ખાતેના પ્રતિનિધિ સુમિત ચડ્ઢાએ ૧૯ કરોડ રૂપિયામાં એક ફ્લેટ ખરીદ્યો હતો, જેના રૂપિયા રોબર્ટ વાડ્રાએ ચૂકવ્યા હતા. આ ફ્લેટના સમારકામ માટેની રકમ પણ સુમિત ચડ્ઢાએ રોબર્ટ વાડ્રા પાસે માગીને લીધી હતી.

રોબર્ટ વાડ્રાએ આ બાબતના પત્રોનો જવાબ પણ પોતાના ઇ-મેઇલ આઇડી પરથી આપ્યો હતો. રોબર્ટ વાડ્રાના સહાયક મનોજ અરોરાએ પત્રવ્યવહાર માટે અલાયદું ઇ-મેઇલ આઇડી પણ બનાવ્યું હતું. સંજય ભંડારી તો એટલા ટેક્નોસાવી છે કે તેમણે પોતાના ઇ-મેઇલ એકાઉન્ટમાંથી રોબર્ટ વાડ્રા સાથેનો બધો પત્રવ્યવહાર ડિલિટ કરી નાખ્યો હતો પણ તેમના સહાયકના ખાતાંમાં પત્રો સચવાયેલા હતા. સંજય ભંડારીએ ઇ.સ.૨૦૦૮માં ઓફ્ફસેટ ઇન્ડિયા સોલ્યુશન્સ નામની કંપની માત્ર એક લાખ રૂપિયાની મૂડી સાથે શરૂ કરી હતી. જોતજોતામાં આ કંપની કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી થઇ ગઇ હતી. ઇ.સ.૨૦૦૯ અને ૨૦૧૪ વચ્ચે તેમણે રાજકારણીઓનાં કાળાં નાણાંને ધોળાં કરી આપવાના ઇરાદાથી બીજી ૩૫ બોગસ કંપનીઓ ઊભી કરી નાખી હતી.

સંજય ભંડારીને ત્યાં દરોડો પાડવામાં આવ્યો તેમાં કેન્દ્રના ગૃહ ખાતાં દ્વારા સંરક્ષણ ખાતાને શસ્ત્રોની ખરીદી બાબતમાં મોકલવામાં આવેલા કેટલાક ટોપ સિક્રેટ દસ્તાવેજોનો પણ સમાવેશ થતો હતો. આ દસ્તાવેજો સંજય ભંડારીએ સંરક્ષણ મંત્રાલયની ફાઇલોમાંથી ચોરાવ્યા હોવાની શંકા સેવવામાં આવે છે. શસ્ત્રોના દલાલો બધા પક્ષોના રાજકારણીઓ તેમ જ પત્રકારો સાથે પણ સંબંધો રાખતા હોય છે.

સંજય ભંડારીના નંબર પરથી ભાજપના નેતા સિદ્ધાર્થ નાથ સિંહના મોબાઇલ પર આશરે ૪૫૦ ફોન થયા હોવાનું બહાર આવ્યું છે. દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના ઘરે પણ સંજય ભંડારીની નિયમિત અવરજવર રહેતી હતી. ટી.વી.ની ચેનલના પત્રકારો સાથે પણ સંજય ભંડારીને સંબંધો હતા. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રોબર્ટ વાડ્રાના મુદ્દાનો પૂરેપૂરો રાજકીય ઉપયોગ કરી લેવાની યોજના ભાજપ બનાવી રહ્યો છે. જો કે તેમણે સંજય ભંડારીના અન્ય રાજકારણીઓ સાથેના સંબંધોની તપાસ પણ કરવી જ પડશે.

ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ભંગારનો વેપાર કરતા રાજેન્દ્ર વાડ્રાનો પુત્ર શ્રીમતી સોનિયા ગાંધીનો જમાઇ બન્યા પછી સડસડાટ અબજોપતિ કેવી રીતે બની ગયો તે મોટું રહસ્ય છે. તાતા પરિવારને અબજોપતિ બનવામાં ૧૦૦ વર્ષ લાગ્યાં હતાં. ધીરુભાઇ અંબાણીનો પરિવાર ૫૦ વર્ષની સખત મહેનત પછી અબજોપતિ બન્યો હતો; પણ રોબર્ટ વાડ્રા ૧૦ વર્ષના ટૂંકા ગાળામાં અબજોપતિ બની ગયા છે. રોબર્ટ વાડરા અબજો રૂપિયા કેવી રીતે કમાયા તેના કરતાં પણ મોટું રહસ્ય તેઓ પ્રિયંકા ગાંધીના પતિ કેવી રીતે બન્યા તે છે. રોબર્ટ વાડ્રાની બહેન મિશેલ પ્રિયંકાની સ્કૂલમાં ભણતી હતી. પ્રિયંકા ૧૩ વર્ષની હતી ત્યારથી રોબર્ટને ઓળખતી હતી. પ્રિયંકાના શોફર બનવા જેવું રોબર્ટ વાડ્રાનું વ્યક્તિત્વ હતું, પણ પ્રિયંકાની જિદને કારણે તે રોબર્ટ વાડ્રાને પરણી હતી. હવે રોબર્ટ વાડ્રા સાથેના સંબંધોને કારણે સોનિયાનો પરિવાર મુસીબતમાં મૂકાઈ ગયો છે.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top