Dakshin Gujarat

ફિલ્મોને ટક્કર મારે તેવો કિસ્સો: વિધર્મી બુટલેગરે લગ્નનું ષડયંત્ર રચી પ્રેમિકાનો ડમી પતિ ઊભો કરી દીધો

ખેરગામ : ખેરગામમાં રહેતી અને ડિઝાઇનનું કામ કરતી યુવતી ગત તા. 20મીના રોજ એકાએક ગાયબ થઈ ગઈ હતી. આથી પરિવારે શોધખોળ કરતાં 21 વર્ષની યુવતીને આશરે 37 વર્ષીય બે સંતાનના પિતા એવા વિધર્મી પ્રેમી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. જોકે, પરિવારે આ બાબતે પૂછપરછ કરતાં વિધર્મી બુટલેગર યુવકે તેની સાથે કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં યુવતીએ બીલીમોરાના હત્યાના આરોપી અને જામીન પર છૂટેલા ૨૨ વર્ષીય યુવાન સાથે પ્રેમલગ્ન કરી લીધાં હોવાની જાણ થઈ હતી. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ વિધર્મી પ્રેમીનો જ હાથ હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી જામીન પર છૂટેલા હત્યાના આરોપી સાથે લગ્ન કરાવી ડમી પતિ ઊભો કરી ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. લવજેહાદના આક્ષેપ સાથે પરિવારે પોલીસમથક માથે લીધું હતું અને હિન્દુ સમાજના આગેવાનો સહિત ગ્રામજનોના ટોળે ટોળાં ઊમટી પડ્યા હતા.

આજે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છે જ્યાં પળ પળ દહેશતનો માહોલ છે. કાયદાની પણ ધૂળધાણી કરી નાંખનારા અસામાજિક તત્ત્વોને કારણે ઘરની બહાર અસલામતીનો અનુભવ થાય છે. ફિલ્મોને પણ ટક્કર મારે એવો જ એક કિસ્સો ખેરગામ તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે. જે માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. ખેરગામમાં રહેતી 21 વર્ષીય યુવતી ઘર નજીક આવેલા મોચીવાડમાં રહેતી બહેન પણીને ત્યાં ડિઝાઇનિંગ કામ કરવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ સાંજે પરત નહીં ફરતાં પરિવારને કંઈક અજૂગતું જણાયું હતું. દરમિયાન ખેરગામના આશરે 37 વર્ષીય વિધર્મી બુટલેગર અને બે સંતાનના પિતા અસીમ નિઝામ શેખ સાથે પુત્રીનું અફેર હોવાની પરિવારને અગાઉની માફક શંકા ગઈ હતી. આથી પરિવારે અસીમનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે, મારા તેની સાથે કોઈ સંબંધ નથી.

એ બાદ પરિવારને પુત્રીના મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને અસીમ બોલતો હોવાનું કહી જણાવ્યું હતું કે, તમારી દીકરી મારી સાથે છે. આથી પરિવારે કહ્યું હતું કે, અમારી સાથે વાત કરાવો. બાદ ફોન આપતાં યુવતીએ કહ્યું કે, મેં રોનક સાથે પ્રેમલગ્ન કરી લીધાં છે. રોનક પટેલ વિશે પૂછપરછ કરતાં તે હત્યાના કેસમાં નવસારી સબજેલમાંથી છ માસ માટે જામીન ઉપર છૂટ્યો હોવાની વાત સામે આવી હતી‌. જોકે, પરિવારને વિશ્વાસ નહીં બેસતાં રોનકે યુવતી સાથે નવસારીના જૂનાથાણાના મંદિરમાં લગ્ન કરી લીધા હોવાના ફોટોગ્રાફ્સ અને સોગંદનામું રજૂ કર્યુ હતું. છતાં આરોપી રોનક છેલ્લાં બે વર્ષથી હત્યાના કેસમાં જેલમાં હતો. તો યુવતી સાથે સંપર્કમાં કઈ રીતે આવ્યો એવા સવાલ ઊભા થયા હતા.

બીજી તરફ જે નંબર પરથી ફોન આવ્યો હતો એ નંબર અસીમનો જ હોવાની પરિવારને શંકા હતી. આ સમગ્ર ષડયંત્ર પાછળ અસીમનો જ હાથ હોવાની શંકા પરિવારને ગઈ હતી. મામલો લવજેહાદ સુધી પહોંચતાં ગંભીર બની જશે એવા ડરથી બુટલેગર અસીમે જ લગ્નનું ષડયંત્ર રચી ડમી પતિ ઊભો કરી દીધો હોવાની આશંકા ગઈ હતી. આ સમગ્ર ઘટના બાદ મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. જ્યાં યુવતીના પરિવાર સહિત ગ્રામજનોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. એ સાથે હિન્દુ સમાજના આગેવાનો અને રાજકારણીઓ પણ પોલીસમથકે ધસી ગયા હતા.

પોલીસ સ્ટેશનની બહાર જ લોકોનું ટોળું વળી જતાં પરિવાર સિવાય અન્ય કોઈ અંદર ન આવે એ માટે ગેટ બંધ કરી દેવાની નોબત આવી હતી. બાદમાં રવિવારે સાંજે રોનક અને યુવતીને પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં યુવતીને પરિવારજનોએ સમજાવવાની કોશિશ કરી કહ્યું હતું કે, ‘તું ગભરાઈશ નહીં. જો તારી સાથે સમર્થનમાં કેટલા લોકો છે. મામલો એટલો ગંભીર હતો કે યુવતીની માતાને ચક્કર આવી ગયા હતા. જેથી તેને સારવાર આપવાની નોબત આવી હતી. તો બીજી તરફ રોનકની પૂછપરછ કરતાં તે પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો હોવાની આશંકા ઊઠી છે. જોકે, આ બાબતે પોલીસે અરજી લીધા બાદ હવે વધુ પૂછપરછ કરે તો ગુનેગારો પરથી નકાબ ઊઠી શકે છે.

યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં જ નીચે બેસી વિરોધ કર્યો
પુત્રી ગુમ થયા બાદ પરિવારને જાણ થઈ હતી કે છેલ્લા એક વર્ષથી અસીમ સાથે અફેર છે અને પરિવારે આક્ષેપ કર્યા હતા કે અસીમ યુવતીને વિડીયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ સમગ્ર બનાવ પાછળ અસીમનો જ હાથ હોવાની શંકા સાથે યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં જ નીચે બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો અને અસીમને પકડી લાવવાની જીદ પકડી હતી.

Most Popular

To Top