SURAT

સુરતમાં લેન્ડ થવાના બદલે ઘરઘરાટીના અવાજ સાથે પ્લેન અચાનક ઉંચે જવા લાગ્યું..

સુરત: આજે બપોરે 12:46 કલાકે હૈદરાબાદથી સુરત આવેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનાં પાયલોટે વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની જાહેરાત કરી અચાનક નિર્ણય બદલતાં પેસેન્જરો એરપોર્ટની ખૂબ નજીક આવી ગયેલાં વિમાનને ફરી ઊંચાઈ પકડતાં જોઈ મૂંઝાયા હતાં.

  • લેન્ડિંગની જાહેરાત બાદ ઇન્ડિગોની ફ્લાઈટને 250 મીટર નીચે લાવીને પાઈલોટે પાછી ઊંચે લેતાં ભયંકર ઘરઘરાટીથી વેસુવાસીઓ ડરી ગયા
  • હૈદરાબાદથી સુરત આવેલી ફ્લાઇટનાં પાયલોટ ફૂલ પાવર સાથે 250 મીટરે આવી ગયેલા એરક્રાફ્ટને અચાનક ઊંચાઈએ લઈ જવાતા ફૂલ પાવર આપતાં વિમાનનાં ભારે અવાજથી વેસુના રેસિડન્ટ એરિયાના લોકો ગભરાઈ ગયા હતા
  • સુરત એરપોર્ટ પર ડુમસ તરફનાં રનવે પર પાયલોટે લેન્ડિંગ માટે તૈયારી કરી પણ પવનની ઝડપ અને દિશામાં બદલાવ આવતાં નિર્ણય બદલ્યો

સુરત એરપોર્ટ પર ડુમસ તરફનાં રન-વે પર પાયલોટે લેન્ડિંગ માટે તૈયારી કરી રાખી હતી પણ અચાનક પવનની ઝડપ અને દિશામાં બદલાવ જણાતાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેનાં સંવાદ પછી પાયલોટે ત્વરિત લેન્ડિંગનો નિર્ણય બદલ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હૈદરાબાદથી સુરત આવેલી ફ્લાઇટ (6E 6981)નાં પાયલોટે ફૂલ પાવર સાથે 250 મીટરે આવી ગયેલા એરક્રાફ્ટને અચાનક ઊંચાઈ વધારવા ફૂલ પાવર આપતાં વિમાનનાં ભારે અવાજથી એરપોર્ટ નજીક વેસુ તરફ આવેલા ઘરો અને ફાર્મ હાઉસમાં વિકેન્ડ માણી રહેલા લોકો ગભરાયા હતાં.

વિમાનની ધબડાતીનો અવાજ એટલો વધુ હતો કે, ઘણે દૂર સુધી સંભળાયો હતો. વિમાનનાં પાયલટે એરક્રાફ્ટને 250 મીટર સુધી નીચે લાવી લેન્ડિંગ ટાળી જોત-જોતામાં 800 મીટરથી 2000 મીટરની ઊંચાઈ લઈ સુરત એરપોર્ટ ફરતે ચક્કર લગાવી વેસુ તરફનાં રન-વેથી સેફ લેન્ડિંગ કર્યું હતું.

એવિએશનનાં જાણકારો કહે છે કે,વિન્ડશીયરમાં નાના અંતરે અચાનક પવનની ઝડપ વધવા સાથે દિશા બદલાતી હોય છે. હવાનું દબાણ વધી જતું હોય ત્યારે લેન્ડિંગ સમયે એરક્રાફ્ટની દિશા બદલાઈ જવાનો અને રન-વેનાં રાઈટ પોર્શનમાં નહીં ઉતરવાનો ભય રહે છે. એ સ્થિતિમાં પાયલોટ એટીસી સાથે સંપર્કમાં રહી આવો નિર્ણય લે છે.

એવિએશન ઇન્ડસ્ટ્રી માટે આ સામાન્ય ઘટના ગણવામાં આવે છે. આવું થતું રહે છે. સુરત એરપોર્ટ પર ડુમસ તરફનાં રન-વેથી ઉતરતી વખતે પવનની ઝડપ વધુ રહેતી હોય છે. સુરતમાં વર્ષમાં ચોક્કસ સિઝનમાં જ ડુમસથી ફ્લાઈટ લેન્ડિંગ થતી હોય છે. મોટા ભાગે વેસુ તરફનાં રન-વેથી ફ્લાઈટ લેન્ડિંગ થાય છે.

Most Popular

To Top