Comments

આપણા અફલાતૂન પડીકાઓ..!

કોના કેવાં પડીકાં બાંધવા, કેવાં પડીકાં છોડવા ને કોનું પડીકું ક્યારે વાળી દેવું, એ પણ એક કળા છે. કળા એટલે કળા એમાં તાંત્રિક,યાંત્રિક કે માંત્રિક જેવું નહિ આવે..! પડીકાં વાળતા આવડી જાય, પછી એ કોઈપણ કારોબારમાં પારંગત..! (નેતાઓની વાત કરતો નથી.)  કોઈનું પડીકું વાળવું એ સહેલી વાત નથી મામૂ..! ભલે ઓક્ષફર્ડ યુનીવર્સીટીની ડીગ્રી ખિસ્સામાં હોય, પણ પડીકું વાળવાનું શીખવા પણ કોઈ દુકાનદારને ગુરુ કરવો પડે. આ માટે પણ સર્ટિફાઈડ બુદ્ધિના બિયારણ જોઈએ. આ તો વાત થઇ દુકાને બંધાતા પડીકાની..! આપણે તો  વાત કરવી છે, માણસ, માણસનું પડીકું વ્યવહારમાં વાળે તેની..! અમુક જાલિમ તો એવાં પડીકાં છોડે કે, તેને સમઝવા માટે ગાઈડ કરવો પડે..!.મેરો તો ગીરધર ગોપાલ’ એમ એની જ વાતમાં હા જી હા કરવાની.!

ઉંધા ચશ્મા તો એવાં પહેરાવે કે. તારક મહેતાના ચશ્મા પણ સીધા લાગે..! ભાત-ભાતના પડીકાં છોડવામાં આ સીરીયલ સાલી ઘરજમાઈની માફક ઝામેલી છે. ટીવીના મોડલ બદલાયા, પણ સીરીયલમાં કામ કરવાવાળાના મોડેલ નહિ બદલાયા ..! એ જ જેઠો ને એ જ બબીતા..! લોકો ભલે ઝાડ નીચે બેસીને હૃદય ભરીને પ્રેમાલાપ કરી જાય, પણ ઝાડ મૂંગુંમંતર હોય એમ, ઐય્યરને પણ જેઠાલાલ-બબીતાના લગાવ માટે નો ઓબ્જેક્શન..!  ઐયરની જગ્યાએ બીજો હોય તો,  ગોકુળધામ છોડીને, બાવો બની જાય. પોતાની મિલકતનું પણ જતન નહિ કરે યાર..? આ સીરીયલ ભાજપના શાસન જેટલી લાંબી ચાલી. કુંવારા હતા, એ માત્ર બાપ થઈને જ અટક્યા નહિ, દાદા ને પરદાદા પણ થઇ ગયા. કેટલાંક તો પરલોક પહોંચી ગયા, ને સીરીયલમાં કામ કરનારા પણ સીરીયલ અધુરી મુકીને ઉકલી ગયા. છતાં આ સીરીયલ હજી પેટીપેક  છે. હેમામાલીનીની માફક ઘરડી થતી જ નથી.

ટીવી જોવાથી આંખ બગડે તો ભલે બગડે, પણ આ સીરીયલ નહિ જોઈ તો અમુકનું તો પેટ જ બગડે. તેની પાચન ક્રિયા જ મંદ થઇ જાય..! બુઝર્ગો કહી ગયા છે કે,  ‘આંખ કોઈના ઉપર પડે તો પણ તકલીફ, આંખમાં કંઈ પડે તો પણ તકલીફ, ને કોઈની આંખ આપણા ઉપર પડે તો પણ તકલીફ..!’ લોકો ભલે પડીકા છોડ્યા કરે, આપણે તેનું ટેન્શન નહિ લેવાનું..! ટીવી પછી મોબાઈલનું ઉપકરણ આવ્યું. આ મોબાઈલ પણ કંઈ ઓછાં પડીકા છોડે છે..?  મુંબઈ જવાનું ઘરમાં કહીને, નીકળે અમદાવાદમાંથી, પણ મોબાઈલ પકડી આપે..!  ટીવી અને મોબાઈલ વિષે પણ હાસ્ય-ચિંતન કરવા જેવું છે મામૂ..!

બે ઘડી ગમ્મત કરીએ તો ટીવી એટલે વાઈફ, ને મોબાઈલ એટલે ગર્લફ્રેન્ડ.  ટીવીનું સ્થાન વાઈફની માફક ઘરમાં હોય, ને મોબાઈલ ‘ તું જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા’ ની માફક બહાર જ ભટકતો હોય..! સમય પ્રમાણે મોબાઈલ રીચાર્જ નહિ કરાવીએ તો, ‘તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા’ ની માફક બધી સુવિધા બંધ ..! ત્યારે ટીવીમાં આવી કોઈ ઝંઝટ નહિ. ટીવીની સાઈઝ મોટી..! ખસેડવું હોય તો બે હાથની હવા પણ નીકળી જાય..!  ને મોબાઈલ સ્લીમ સ્માર્ટ અને જરા દેખાવડો..! મોબાઈલને જ્યાં લઈ જવો હોય ત્યાં લઇ જવાય. ફુલ્લી પોર્ટેબલ, જ્યારે ટીવી એટલે ગૃહલક્ષ્મી જેવો..! ટીવીમાં રીમોર્ટ આવે, મોબાઈલ રીમોર્ટ ફ્રી, માત્ર ટાવર જ પકડાવો જોઈએ..! ટીવીમાં વાયરસના ધાંધિયા નહિ. માત્ર ‘હાઈ-વોલ્ટેજ’ ના જ ધીંગાણા આવે. ત્યારે મોબાઈલમાં વાયરસ ક્યારે આવે, એનું નક્કી નહિ. સમયે ફોરમેટ મરાવવું જ પડે..! આ બધાં ટેકનીકલ પડીકાં કહેવાય..!

હું પણ ક્યાં આડ વાત ઉપર ચાલી ગયો. હસાવવાને બદલે, કોઈ કથા કરવા બેસી ગયો. આડવાત કરું તો મને  ‘જ્યોતીન્દ્ર-દ્રોહ’ ( હાસ્ય સમ્રાટ-હાસ્ય લેખક સ્વ.જ્યોતીન્દ્ર દવેનું નામ તો યાદ છે ને..? હમણાં જ એમની જન્મ જયંતી ગઈ..! )  વાત દિવાળીની હોય, હોળીની હોય કે, ઘરવાળી ની હોય..! એક વાત નક્કી કે, તહેવારો આવે ત્યારે પડીકાઓ બહુ છૂટે..!  દિવાળી ક્યારે શરુ થાય, એની મને ખબર, પણ પૂરી ક્યારે થાય, એના કોઈ પૂર્ણ વિરામ નહિ.! એના કપાળમાં કાંદા ફોડું, ઈચ્છાધારી નાગની માફક લોકો ગમે ત્યારે જ સાલમુબારક કરવા આવે.! આવે એનો પણ વાંધો નહિ.

પણ આપણું ઇન્સ્પેકશન કરવા આવ્યો  હોય, એમ આવે..!  લોકોનાપડીકાં તો એવાં છોડી જાય, કે, તેની સાથે કરેલું સાલમુબારક પણ કેન્સલ કરવાની ઈચ્છા થઇ આવે..! રાજા-મહારાજા કાળમાં, યુદ્ધ પત્યા પછી યોદ્ધાઓની તલવાર-ટોપો-ઢાલ કે બખ્તર રણમેદાનમાં બિનવારસી પડ્યા હોય, એવી જ હાલત દિવાળીમાં ઘરે બનાવેલી વાનગીઓની હોય..!  અંગભંગ થયેલા ઘૂઘરાઓ આમ તેમ અટવાતા હોય, ચકરી-ફરસી-પૂરી-ખરખરીયાના એવાં ભુક્કં-ભુક્કા બોલી ગયાં હોય કે, ઓળખ જ ગુમાવી બેઠાં હોય.

ગાંઠીયાઓ ફેક્ચરના દર્દીની માફક એકાદ છાબડીમાં કણસતા હોય. વધેલી મીઠાઈ ઉપર પીએચડી કરવા કીડીઓનું વિદ્યાર્થીવ્રુંદ એકત્ર થયું હોય, એમ કીડીઓ તાલીબાનીની માફક મીઠાઈ ઉપર ગોઠવાય ગઈ હોય. મઝા તો ત્યાં આવે કે, જે માંદો પડવાનો થયો હોય, તે જ લાભપાંચમ પછી કોઈને ત્યાં સાલમુબારક કરવા જાય. ઘરધણી કંઈ તાજું ફરસાણ તો બનાવે નહિ. વધ્યું ઘટ્યું હોય, તે જ ભટકાડે..! ને વાસી ખાધા પછી, એના પેટનું પડીકું એવું છૂટવા માંડે કે, ઘર કરતાં વોશરૂમમાં કાઢેલા કલાકો વધી જાય..! સારાંશ એટલો જ કે, સમયે સાલમુબારક કરવા જવું, એ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે..! શું કહો છો દાદૂ..?
લાસ્ટ ધ બોલ
દિવાળીની વાનગીઓએ આંદોલન છેડ્યું..!  આ બટાકાનું સાલું કંઈ કરવું પડશે. આખું વર્ષ એ દરેકના  ઘરે રાજ કરે, ને અમારે માત્ર વાર-તહેવારે જ કોઈના ઘરમાં પગલાં પાડવાના. દરેક શાકભાજી સાથે એનું લફરું જ હોય..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top