Madhya Gujarat

પ્રથમ દિ’એ 16 હજાર વિદ્યાર્થીને રસી, આડઅસર ન થતાં હાશકારો

આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષના કિશોરવય માટે કોરોના વિરોધી રસી આપવાનું ઝબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે જ જિલ્લામાં વિવિધ સ્થળે 16 હજારથી વધુ કિશોરોને રસી આપવામાં આવી હતી. જેમાં પૂર્વ મંત્રી, સાંસદ, કલેક્ટર સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 1.08 લાખ કિશોરને રસી આપી કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આણંદ શહેર અને જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરને વેકસિન આપવાનો સોમવારથી પ્રારંભ થયો છે. જિલ્લામાં શાળાએ જતાં 84,398 અને શાળાએ ન જતાં હોય તેવા 24,460 બાળકો મળી કુલ 1,08,858 કિશોર – કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે. પ્રથમ દિવસે શહેરની ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડી. એન. હાઈસ્કૂલ ખાતે સાંસદ મિતેષ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબહેન પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને બાળકોને રસી લેવા ઉત્સાહ વધાર્યો હતો. આ રસીકરણ ઝુંબેશમાં સૌથી વધુ ચિંતા આડઅસરની હતી. આથી, સાંસદ મિતેષભાઈ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બાળકોએ રસી લીધા બાદ તેમના માટે તૈયાર કરવામાં આવેલા ઓબ્ઝર્વેશન રૂમની મુલાકાત લીધી હતી અને સંવાદ કર્યો હતો.

આણંદ શહેરની ડી.એન. હાઈસ્કૂલમાં અભિયાનના પ્રથમ દિવસે જ અંદાજે બે હજારથી વધુ બાળકોને કોરોના પ્રતિરોધરક રસી મુકાય જાય તેવું આયોજન કરીને પાંચ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. જેમાં બાળકોનું સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરીને રસી મુકવામાં આવી હતી. બાદમાં જે બાળકે રસી મુકાવી દીધી હોય તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડીને તેમને કોઇ આડ અસર થઇ છે કે કેમ ? તેની દેખરેખ રાખવામાં આવી હતી. જિલ્લામાં સોમવાર બપોર સુધીમાં 16,320 કિશોરને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.ટી. છારી વિગેરે હાજર રહ્યાં હતાં.

ખેડામાં સવા લાખથી પણ વધુ બાળકોને રસી અપાશે

નડિયાદ: કોવિડ-૧૯ ની ગંભીર મહામારીથી બાળકોને સુરક્ષિત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને રસી આપીને કોવિડ સામે સુરક્ષીત કરવામાં આવ્યા હતા. જેમાં ખેડા જિલ્લામાં નડિયાદની ખાનગી શાળામાં યોજાયેલા ખાસ કાર્યક્રમથી કેન્દ્રીય મંત્રી અને વિધાનસભાના મુખ્ય દંડકની હાજરીમાં રસીકરણનું આરંભ કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લામાં સરકાર દ્વારા આપવામાં આવતી રસીનો કાર્યક્રમ નડીઆદની ખાનગી શાળાઓમાં યોજવામાં આવ્યો હતો. ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના તમામ બાળકોને કોવિડ રસીકરણનો શુભારંભ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈ, કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૧૫ થી ૧૮ વર્ષના યુવાઓને કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ અતિ મહત્વનો છે. દુનિયાના દેશો જ્યારે કોરોનાની મહામારી સામે તકલીફો અનુભવી રહ્યા હતા, ત્યારે ભારતીય વૈજ્ઞાનીકોએ ફક્ત ૯ મહિનામાં કોરોના સામે રક્ષણ મેળવવા માટેની રસી શોધી છે. આવનારા સમયમાં દેશના નાગરિકો માટે કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, તા.૩ જાન્યુઆરી થી તા.૭ જાન્યુઆરી સુધી ખેડા જિલ્લાના ૧.૨૮ લાખથી વધુ બાળકોને નિ:શુલ્ક ધોરણે રસી આપવાના કેન્દ્ર સરકારના અભિયાનમાં જિલ્લા વહીવટીતંત્રએ પણ પુરેપુરી તૈયારીઓ કરી લીધી છે. જિલ્લા બહારના દર્દીઓએ પણ ખેડા જિલ્લામાં સારવાર લીધી છે. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કાપડીયાએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતુ કે, ખુબ જ ટૂંકાગાળામાં શાળામાં ભણતા કે ન ભણતા જિલ્લાના તમામ બાળકોને રસીકરણથી આવરી લેવામા આવશે. શાળાના સંચાલકોએ કોરોનાકાળ દરમિયાનની કામગીરીની તેઓએ માહિતી આપી હતી.

Most Popular

To Top