Gujarat

સુરત ના ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ થી અસંખ્યા ગામો પ્રભાવિત

અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળે તે માટે તંત્ર એ તૈયારી દર્શાવી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદે અનેક ગામોમાં જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. કિમ, બોલાવ, અણીતા અને વડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે પ્રભાવિત વિસ્તારોની ઓલપાડ વિધાનસભા ના ધારાસભ્ય દ્વારા સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનો ત્યાગ મેળવવામાં આવ્યો અને અસરગ્રસ્ત નાગરિકો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી.

સ્થળ મુલાકાત દરમિયાન ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે વરસાદથી પ્રભાવિત કોઈપણ નાગરિકને મુશ્કેલી ન પડે અને રાહત તથા બચાવ કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં ન આવે. જ્યાં પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક નિકાલની વ્યવસ્થા, જરૂરી સાધનોની ઉપલબ્ધતા,તેમજ આરોગ્ય સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી તેમજ અન્ય જરૂરી આવશ્યક સુવિધાઓ ઝડપથી પહોંચાડવા માટે તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું.આ દરમિયાન ઓલપાડ તાલુકાના મોર ભગવા ગામની પણ મુલાકાત લેવામાં આવી હતી. વર્ષ 1968 પછી પ્રથમ વખત નોંધાયેલા અતિભારે વરસાદને કારણે ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. પરિવારોને ઘર છોડવાની ફરજ પડી છે અને અનેક ઘરવખરીને નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

ધારા સભ્ય મુકેશ પટેલ એ અસરગ્રસ્ત પરિવારો સાથે સીધી વાતચીત કરીને તેમની જરૂરિયાતો, સમસ્યાઓની જાણકારી લઇ વહીવટી તંત્રને સૂચના આપી હતી કે દરેક અસરગ્રસ્ત પરિવાર સુધી સમયસર જરૂરી સહાય પહોંચે, નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરવામાં આવે અને સરકારની રાહત યોજનાઓનો લાભ ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવે. આપત્તિના કપરા સમયમાં લોકોની સુરક્ષા અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તંત્રને સતત સતર્ક રહી પરિસ્થિતિ પર નજર રાખવા, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી હોય ત્યાં સુરક્ષિત સ્થળે ખસેડવા સાથે ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

ભારે વરસાદની આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત નાગરિકોને વિશ્વાસ અપાયો કે સરકાર અને વહીવટી તંત્ર તેમની સાથે મજબૂત રીતે ઊભું છે. દરેક પરિવારમાં સમયસર સહાય પહોંચે, કોઈપણ નાગરિક મુશ્કેલીમાં ન રહે અને જનજીવન ઝડપથી ફરી સામાન્ય બને તે માટે તમામ વિભાગો સંકલન સાથે સતત કામગીરી કરી રહ્યા છે.

Most Popular

To Top