મામૂલી તકરાર હિંસક અથડામણમાં ફેરવાઈ; બંને પક્ષે લોખંડની પાઈપ અને લાકડીઓથી હુમલાના આક્ષેપ
વેજલપુર પોલીસમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ, BNS હેઠળ ગુનો દાખલ કરી તપાસ PI જી.કે. વહુનીયાને સોંપાઈ
કાલોલ, તા. 2 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામના હોળી ચકલા વિસ્તારમાં 31 જુલાઈની સાંજે કચરો નાખવા અને મકાનની સીડી બનાવવા જેવા સામાન્ય મુદ્દે બે જૂથો વચ્ચે ઉગ્ર તકરાર સર્જાઈ હતી. બોલાચાલી બાદ મામલો હિંસક અથડામણમાં પરિણમતા બંને પક્ષના અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સામસામે (ક્રોસ) ફરિયાદો નોંધાતા પોલીસે BNS તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કચરો નાખવાના મુદ્દે હુમલાનો આક્ષેપ
પ્રથમ ફરિયાદ ઝૈદ મોહમદ હનીફ કઠીયા (ઉં.વ. 27)એ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમની માતા મેમુનાબેન ઘરની બહાર કચરો નાખવા જતાં આરીફ યુસુફ બગલી સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન આરીફે લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ફારૂક, લુકમાન, ઇમરાન, નુર એહમદ યુસુફ બગલી અને હારૂન એહમદ પાડવા સહિતના આરોપીઓ લાકડીઓ અને પાઈપ લઈને આવી હુમલો કરતા મેમુનાબેન ઉપરાંત અન્ય મહિલા પરિવારજનોને પણ ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સીડી બનાવવાના મુદ્દે સામા પક્ષનો હુમલાનો આક્ષેપ
બીજી તરફ રહેમત લુકમાન બગલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના નવા મકાન પાસે જતાં સલીમ યુસુફ કઠીયા અને અન્યોએ સીડી બનાવવાના મુદ્દે ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં ફરિયાદી તથા તેમને છોડાવવા આવેલા પરિવારજનો પર ગડદાપાટુ અને લાકડીઓ વડે હુમલો કરી ગળું દબાવ્યું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઘટનામાં બંને પક્ષના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વેજલપુર પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે BNS અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનિયાને સોંપી છે.