પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં આવેલા કારાકોરમ પર્વતમાળાના બ્રોડ પીક પર આવેલા ભયંકર હિમસ્ખલનમાં વિશ્વપ્રસિદ્ધ નેપાળી પર્વતારોહી નિર્મલ “નિમ્સ” પુર્જાનું મોત થયું છે. તેમની કંપની ‘એલિટ એક્સપેડ’એ તેમના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનામાં તેમની સાથે રહેલા અન્ય ગાઇડ્સ અને સાથી પર્વતારોહીઓના પણ જીવતા બચવાની આશા ખૂબ ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બ્રોડ પીક સમુદ્ર સપાટીથી 8,047 મીટરની ઊંચાઈ ધરાવતું વિશ્વના સૌથી મુશ્કેલ શિખરોમાંનું એક છે. અહીં ગુરુવારે અચાનક વિશાળ હિમસ્ખલન સર્જાતા સમગ્ર ટીમ તેનો ભોગ બની હતી.
પ્લાનમાં નહોતું બ્રોડ પીક, છતાં લીધો મોટો નિર્ણય
નિર્મલ પુર્જાએ પોતાની આ યાત્રા પહેલાં 27 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બ્રોડ પીક સર કરવાનો તેમના આયોજનમાં સમાવેશ નહોતુ. તેઓ મૂળ ગાશરબ્રુમ-2 (G2) શિખર પર ચઢાણ કરવા માટે પાકિસ્તાન પહોંચ્યા હતા.
પરંતુ ત્યારબાદ તેમણે પોતાના 8,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા શિખરોના અભિયાનનું પુનઃમૂલ્યાંકન કર્યું. જો બ્રોડ પીક પણ સર કરી લે તો તેમના માટે માત્ર ચો ઓયુ શિખર બાકી રહેત. આમ કરીને તેઓ ઓક્સિજન વગર વિશ્વની તમામ 14 સૌથી ઊંચી ચોટીઓ બે વખત સર કરનાર પ્રથમ વ્યક્તિ બનોત. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા તેમણે બ્રોડ પીક પર ચઢવાનો નિર્ણય લીધો હતો.
ડ્રોન સર્વેમાં દેખાયા મૃતદેહો
હિમસ્ખલન બાદ શરૂઆતમાં ટ્રેકિંગ ડિવાઇસમાં હલચલ જોવા મળતાં આશા હતી કે ટીમ સુરક્ષિત હશે. જોકે સમય જતાં તમામ સંપર્ક તૂટી ગયો.
બેઝ કેમ્પથી ડ્રોન દ્વારા કરાયેલી શોધખોળ દરમિયાન કેમ્પ-1 નજીક 4 પર્વતારોહીઓના મૃતદેહો જોવા મળ્યા હતા. તેમાં નિર્મલ પુર્જા, કિલી પેમ્બા શેરપા, નિમા શેરપા અને વાંગ ઝોંગનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. બચાવ દળના જણાવ્યા મુજબ હિમસ્ખલનની ઝપેટમાં આવેલા તમામ 10 પર્વતારોહીઓના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
10 સભ્યોની ટીમમાં અનેક દેશોના પર્વતારોહીઓ હતા
અલ્પાઇન ક્લબ ઓફ પાકિસ્તાન (ACP) અનુસાર આ અભિયાનમાં કુલ 10 સભ્યો સામેલ હતા. તેમાં 5 નેપાળી, 1 પાકિસ્તાની, 1 ઓમાની, 1 અમેરિકન, 1 ચીની અને 1 અન્ય વિદેશી પર્વતારોહીનો સમાવેશ થતો હતો. દુર્ઘટના બાદ સમગ્ર ટીમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
બચાવ માટે હેલિકોપ્ટર સહિત તમામ ઉપલબ્ધ સાધનો તાત્કાલિક મોકલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ખરાબ હવામાન અને મુશ્કેલ ભૂપ્રદેશના કારણે કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
કોણ હતા નિર્મલ પુર્જા?
43 વર્ષીય નિર્મલ પુર્જાએ પોતાના જીવનના 16 વર્ષ સૈન્ય સેવામાં વિતાવ્યા હતા. તેમણે 6 વર્ષ ગોરખા રેજિમેન્ટ અને ત્યારબાદ 10 વર્ષ બ્રિટનની સ્પેશિયલ બોટ સર્વિસ (SBS)માં સેવા આપી હતી. તેમની બહાદુરી બદલ તેમને બ્રિટનના પ્રતિષ્ઠિત MBE સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
’14 પીક્સ’થી વિશ્વભરમાં મળેલી ઓળખ
વર્ષ 2019માં નિર્મલ પુર્જાએ માત્ર 6 મહિના અને 6 દિવસમાં વિશ્વની 14 સૌથી ઊંચી ચોટીઓ સર કરીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. અગાઉ આ સિદ્ધિ મેળવવામાં વર્ષો લાગતા હતા. ત્યારબાદ 2021માં તેમણે અન્ય નેપાળી પર્વતારોહીઓ સાથે શિયાળામાં પ્રથમ વખત K2 શિખર સફળતાપૂર્વક સર કર્યું હતું.
તેમના જીવન પર આધારિત ’14 Peaks: Nothing Is Impossible’ નામની નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીએ તેમને વૈશ્વિક ઓળખ અપાવી હતી.
આખરી પોસ્ટમાં આપ્યો હતો પ્રેરણાદાયક સંદેશ
આ અભિયાન પહેલાં કરેલી પોતાની પોસ્ટમાં નિર્મલ પુર્જાએ ટીકાકારોને જવાબ આપતાં લખ્યું હતું કે જ્યારે તેમણે ‘પ્રોજેક્ટ પોસિબલ’ હેઠળ અશક્ય લાગતું અભિયાન પૂર્ણ કર્યું ત્યારે પણ તેમની ટીકા થઈ હતી. તેમણે કહ્યું હતું કે જીવનમાં ક્યારેય બીજાઓ સાથે સ્પર્ધા ન કરો, પરંતુ ગઈકાલના પોતાના કરતાં આજે વધુ સારા બનવાનો પ્રયાસ કરો. આ શબ્દો આજે તેમના ચાહકો અને સમગ્ર પર્વતારોહણ જગત માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.