Gujarat

ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાની સમીક્ષા બેઠક: ચોવીસ કલાક મોનિટરિંગના આદેશ

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘રેડ એલર્ટ’ને પગલે રાજ્યના આરોગ્ય મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં ભરૂચ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ જોડાયા હતા.

આપત્તિ વ્યવસ્થાપન અને ‘રાઉન્ડ ધ ક્લોક’ મોનિટરિંગના આદેશ

ભારે વરસાદ કે પૂરની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા મંત્રી દ્વારા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

સતત નિરીક્ષણ: જિલ્લા વહીવટીતંત્રને સમગ્ર પરિસ્થિતિ પર ‘રાઉન્ડ ધ ક્લોક’ (ચોવીસે કલાક) મોનિટરિંગ રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

બચાવ કામગીરીનું આયોજન: સંભવિત પૂર કે ભારે વરસાદ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાહત અને બચાવ કામગીરીનું પૂર્વ તૈયારી રૂપે ફૂલપ્રૂફ આયોજન કરવા આદેશ અપાયા છે.

સંવેદનશીલ વિસ્તારો પર નજર: જિલ્લાના તમામ નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા માટે પ્રશાસનને સજ્જ રહેવા જણાવાયું છે.

સગર્ભા મહિલાઓ અને સ્વાસ્થ્ય સુરક્ષાને પ્રાથમિકતા

આપત્તિના સમયે આરોગ્ય વિષયક ઈમરજન્સીને પહોંચી વળવા માટે મંત્રી દ્વારા ખાસ માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે.

PHC અને CHC માં શિફ્ટિંગ: આગામી 2 દિવસમાં પ્રસૂતિની સંભાવના ધરાવતી તમામ સગર્ભા મહિલાઓને પ્રાથમિકતાના ધોરણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) પર તાત્કાલિક ખસેડવા અનુરોધ કરાયો છે.

સમયસર સારવાર: ભારે વરસાદ કે રસ્તા બંધ થવાની વિકટ સ્થિતિમાં હોસ્પિટલ પહોંચવામાં વિલંબ ન થાય અને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

અફવાઓથી દૂર રહેવા અને વિજકરેંટથી સાવચેત રહેવા અપીલ

બેઠક દરમિયાન નાગરિકોની સામાન્ય સલામતી માટે પણ મહત્વની સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ભીના વાયર કે વીજળીના થાંભલાઓથી વીજકરંટ લાગવાની શક્યતાઓ હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આપત્તિના સમયમાં ખોટી માહિતી કે અફવાઓ ન ફેલાય તે માટે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાચી માહિતી જ જનતા સુધી પહોંચાડવા મીડિયાને અનુરોધ કરાયો છે.

Most Popular

To Top