ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરની વાતચીત વધી રહી છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લાંબા સમય બાદ ભારતની મુલાકાતે આવી શકે તેવી અટકળો પણ ચાલી રહી છે. જોકે, આ વચ્ચે ચીને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ નજીક એક અત્યાધુનિક હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કર્યું હોવાના અહેવાલોએ ભારતની સુરક્ષા સંબંધિત ચિંતાઓ વધારી દીધી છે. આ નવું કેન્દ્ર તિબેટ યુનિવર્સિટીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ચીનના જણાવ્યા પ્રમાણે આ સેન્ટરનો મુખ્ય હેતુ વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં અસરકારક રીતે કાર્ય કરી શકે એવા ડ્રોન વિકસાવવાનો છે. આવા ડ્રોનનો ઉપયોગ સરહદ પર નજર રાખવા, પેટ્રોલિંગ, પર્યાવરણનું નિરીક્ષણ, જમીનનું મેપિંગ, લોજિસ્ટિક્સ અને દુર્ગમ વિસ્તારોમાં જરૂરી સામાન પહોંચાડવા માટે કરવામાં આવશે.
તિબેટનો મોટાભાગનો વિસ્તાર દરિયાઈ સપાટીથી 4,000 મીટરથી પણ વધુ ઊંચાઈ પર આવેલો છે. આ વિસ્તારને દુનિયાની છત તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, હવામાન ઝડપથી બદલાય છે, તાપમાન ખૂબ નીચું રહે છે અને ભૂપ્રદેશ પણ ખૂબ જ કઠિન છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય ડ્રોનનું સંચાલન મુશ્કેલ બને છે. તેથી ચીન આ પ્રકારના પડકારજનક વાતાવરણમાં કાર્ય કરી શકે તેવી નવી ટેક્નોલોજી વિકસાવવા પર ભાર મૂકી રહ્યું છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ, આ “પ્લેટ્યુ ડ્રોન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એપ્લિકેશન સેન્ટર” ઊંચાઈવાળા વિસ્તારોમાં ડ્રોનના સંશોધન, વિકાસ અને વાસ્તવિક ઉપયોગ માટે સમર્પિત દેશનું પ્રથમ વિશેષ કેન્દ્ર છે.
ચીનનું કહેવું છે કે આ સેન્ટરનો ઉપયોગ માત્ર સુરક્ષા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, વૈજ્ઞાનિક સંશોધન અને દુર્ગમ વિસ્તારોમાં જરૂરી સામાન પહોંચાડવા જેવા નાગરિક કાર્યો માટે પણ કરવામાં આવશે. જોકે, ભારતના સુરક્ષા વિશ્લેષકો આ વિકાસને માત્ર ટેક્નોલોજી પ્રોજેક્ટ તરીકે જોતા નથી. તિબેટની સરહદ ભારત, નેપાળ અને ભૂટાન જેવા દેશોની નજીક આવેલી હોવાથી અહીં વિકસાવવામાં આવતી કોઈપણ નવી ટેક્નોલોજીનો વ્યૂહાત્મક મહત્ત્વ વધી જાય છે.
તાજેતરમાં ચીને તિબેટના લ્હાસા નજીક આવેલા ડેમ્સુંગ એરબેઝ પર અદ્યતન J-20 સ્ટેલ્થ ફાઇટર જેટ પણ તૈનાત કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે તેના થોડા સમય બાદ ડ્રોન સંશોધન કેન્દ્ર શરૂ થતાં ભારતીય સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે ચીન સરહદી વિસ્તારોમાં પોતાની દેખરેખ અને સૈન્ય ક્ષમતા વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડ્રોન ટેક્નોલોજી આજના સમયમાં આધુનિક યુદ્ધ અને સરહદ સુરક્ષાનો મહત્વનો ભાગ બની ગઈ છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં માનવ પેટ્રોલિંગ મુશ્કેલ હોય ત્યારે ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખી શકાય છે. ઉપરાંત, ઈમરજન્સી સ્થિતિમાં દવાઓ, ખોરાક અને અન્ય સામાન પણ ઝડપથી પહોંચાડી શકાય છે.
એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન, સેમિકન્ડક્ટર અને અન્ય અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્પર્ધા ચાલી રહી છે. ચીન પોતાની સ્વદેશી ટેક્નોલોજીને વધુ મજબૂત બનાવવા સતત રોકાણ કરી રહ્યું છે. હાલ ચીને આ સેન્ટરને સંશોધન અને વિકાસ માટેનું નાગરિક કેન્દ્ર ગણાવ્યું છે. જોકે તેની ભૌગોલિક સ્થિતિ અને સરહદ નજીકનું સ્થાન જોતા ભારત સહિતના પડોશી દેશો તેની કામગીરી પર નજીકથી નજર રાખી શકે છે. ભારત અને ચીન વચ્ચે હાલ રાજદ્વારી સ્તરે વાતચીત ચાલુ હોવા છતાં સરહદી વિસ્તારોમાં થતા આવા વિકાસ વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવે છે. તેથી આગામી સમયમાં આ ડ્રોન સેન્ટરની કામગીરી અને તેનો વાસ્તવિક ઉપયોગ કેવી રીતે થાય છે, તેના પર ભારત સહિત સમગ્ર વિસ્તારની નજર રહેશે.