ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટર વિરાટ કોહલી 38 વર્ષની ઉંમર નજીક હોવા છતાં વનડે ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ પહેલાં કોહલીએ પોતાની બેટિંગમાં આવેલા બદલાવનો ખુલાસો કર્યો છે. જો કે તેમના જણાવ્યા મુજબ, હવે તેઓ પોતાની બેટિંગને વધુ સ્વતંત્ર રીતે રમવાનો પ્રયાસ કરે છે અને લોકોની અપેક્ષાઓ વિશે વધારે વિચારતા નથી. છેલ્લા 10 વનડે મુકાબલામાં કોહલીએ ત્રણ સદી, ચાર અડધી સદી અને 90થી વધુ રનની એક ઇનિંગ રમી છે.કોહલીએ જણાવ્યું કે લાંબા સમય સુધી તેમની ભૂમિકા ટીમ માટે ઇનિંગને સ્થિર કરવાની રહી હતી.
મુશ્કેલ પરિસ્થિતિમાં તેઓ વિકેટ બચાવીને ટીમને સંભાળતા અને ત્યારબાદ અંતિમ ઓવરોમાં ઝડપથી રન બનાવતા. પરંતુ હવે તેમણે પોતાની માનસિકતા બદલવાનો નિર્ણય કર્યો છે. કોહલીના કહેવા પ્રમાણે, તેમણે પોતાને વધુ ખુલ્લી અને સ્વતંત્ર રીતે રમવાનું વચન આપ્યું છે. સાથેજ જો પરિસ્થિતિ અનુકૂળ હોય તો તેઓ શરૂઆતથી જ વધુ જોખમ લેવા તૈયાર છે.કોહલીના આ બદલાવ પાછળ ભારતીય ટીમની લાંબી બેટિંગ લાઇનઅપ પરનો વિશ્વાસ પણ મહત્વનો છે. તેમનું માનવું છે કે જો તેઓ આક્રમક શોટ રમતી વખતે આઉટ પણ થઈ જાય, તો ટીમમાં એવા અન્ય બેટર છે જે પરિસ્થિતિ સંભાળી શકે છે. આ વિશ્વાસને કારણે તેઓ હવે પોતાના શોટ્સ વધુ નિર્ભયતાથી રમવા માગે છે. તેમણે કહ્યું કે જો તેઓ લાંબો સમય ક્રિઝ પર રહીને આક્રમક બેટિંગ કરે તો ભારત માટે 350થી 360 રન જેવા મોટા સ્કોર સુધી પહોંચવાની શક્યતા વધી શકે છે.
કોહલીએ એ પણ સમજાવ્યું કે હવે જો તેઓ શરૂઆતમાં કોઈ જોખમ લેતા નથી તો તેનો અર્થ ડર નહીં, પરંતુ યોગ્ય સમય સુધી ઇનિંગ તૈયાર કરવાનો છે. તેઓ પોતાની ઇનિંગને એવી સ્થિતિમાં લઈ જવા માગે છે જ્યાં બાદમાં ઝડપથી રન બનાવી શકાય અને ટીમને 30-40 વધારાના રનનો ફાયદો મળી શકે. આ અભિગમનો ફાયદો તેમને IPL દરમિયાન પણ થયો હોવાનું તેમણે જણાવ્યું. વિરાટે વનડે ક્રિકેટ અને વર્લ્ડ કપ વચ્ચેના તફાવત અંગે પણ વાત કરી. તેમના અનુસાર, દ્વિપક્ષીય વનડે સિરીઝની તીવ્રતા અને વર્લ્ડ કપની તીવ્રતા અલગ હોય છે. વર્લ્ડ કપમાં સતત અનેક મેચોમાં ઊંચી તીવ્રતા જાળવવી પડતી હોવાથી ખેલાડીઓ માટે શારીરિક અને માનસિક રીતે મોટો પડકાર રહે છે. પોતાની ફિટનેસ અંગે કોહલીએ કહ્યું કે શારીરિક તૈયારી પર કરેલા કામને કારણે તેઓ લાંબી ટૂર્નામેન્ટમાં ઊંચી તીવ્રતા જાળવી રાખવા માટે સારી સ્થિતિમાં છે.
આ ઉપરાંત કોહલીએ ભારતીય વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગિલ હજુ કેપ્ટન તરીકે શીખી રહ્યો છે, પરંતુ તેની વિચારસરણી અને મેદાન પર બેટરને આઉટ કરવા માટે અલગ પ્રકારની ફિલ્ડ ગોઠવવાની તેની તૈયારી નોંધપાત્ર છે. કોહલીના જણાવ્યા પ્રમાણે અનુભવ સાથે ગિલના નિર્ણયોમાં વધુ સુધારો આવશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત 27 સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં થઈ રહી છે.