પલકવારમાં મહિલાનો અછોડો તોડી ગઠિયાઓ ફરાર :
બાઈક સવાર ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરા શહેરમાં ચેન સ્નેચિંગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે, અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ચેન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે. ચાલતી જતી બે મહિલાઓનો પીછો કરી એક મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી બાઈક સવાર ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ વૃંદાવન સોસાયટી પાસે બે મહિલાઓ ચાલતી જતી હતી. ત્યારે એક ગઠિયો પાછળ ચાલતો ચાલતો આવ્યો હતો અને બીજો બાઈક સવાર ગઠિયો આગળથી રેકી કરી રહ્યો હતો. દરમિયાન મહિલાઓનો પીછો કરી રહેલા ગઠિયાએ પલકવારમાં એક મહિલાને બાનમાં લઈ તેના ગળામાંથી સોનાનો અછોડો તોડી બાઈક પર ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ મહિલાએ બુમરાણ મચાવતા આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ શહેરમાં વધી રહેલી આવી ઘટનાઓને લઈને પોલીસની ગુનાશોધક શાખાઓ સામે ગઠિયાઓએ જાણે પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ અટલાદરા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.