World

દક્ષિણ આફ્રિકામાં બે શહેરોમાં બારમાં AK-47થી અંધાધૂંધ ફાયરિંગથી 27 લોકોનાં મોત, હુમલાખોરોની શોધખોળ શરૂ

દક્ષિણ આફ્રિકામાં એક જ સમયગાળા દરમિયાન અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જોહાનિસબર્ગ અને કેપ ટાઉન નજીક બનેલી આ બંને ઘટનાઓમાં કુલ 27 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બંને હુમલામાં એકથી વધુ હુમલાખોરો સામેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે આરોપીઓને શોધવા માટે તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શનિવારે મોડી રાત્રે જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેડેલા ટાઉનશિપના એક બારમાં લોકો હાજર હતા. લોકો સંગીત સાથે મોજ કરી રહ્યા હતા અને ડ્રિંક્સ લઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક હથિયારોથી સજ્જ કેટલાક હુમલાખોરો બારમાં ઘૂસી આવ્યા હતા અને લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

હુમલાખોરો પાસે AK-47 રાઇફલ અને પિસ્તોલ જેવા હથિયારો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અચાનક થયેલા ગોળીબારથી બારમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. જોકે, ગોળીબારમાં 17 લોકોનાં મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદનો માહોલ અત્યંત ભયાનક હતો. બારમાં જ્યાં થોડા સમય પહેલાં લોકો સંગીત સાથે સમય પસાર કરી રહ્યા હતા ત્યાં ગોળીબાર બાદ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ગોળીબાર બાદનો ભયાનક માહોલ જોવા મળે છે. પોલીસ અને ઇમરજન્સી ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

આ ઘટનાના થોડા કલાકો બાદ કેપ ટાઉન નજીક પણ ગોળીબારની બીજી ગંભીર ઘટના બની હતી. રવિવારે વહેલી સવારે લગભગ 1 વાગ્યે લવાંડલે વિસ્તારમાં આવેલા એક સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ સ્ટોરમાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 10 લોકોનાં મોત થયા હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને અન્ય ઇમરજન્સી ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. બંને ઘટનાઓમાં હુમલાખોરોની સંખ્યા એક કરતાં વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસે બંને વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. હુમલાખોરો કોણ હતા અને તેમણે આ બંને હુમલા શા માટે કર્યા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે વિસ્તારોને સુરક્ષિત કરીને સંભવિત આરોપીઓની શોધ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દક્ષિણ આફ્રિકામાં ગોળીબારની ઘટનાઓ નવી નથી અને ગેરકાયદે હથિયારોની ઉપલબ્ધતા તથા ગુનાખોરીના કારણે અનેક વિસ્તારોમાં સુરક્ષાને લઈને ચિંતા રહે છે. જોકે, થોડા જ કલાકોના અંતરે બે અલગ-અલગ સ્થળોએ થયેલા આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થતાં ચિંતા વધુ વધી છે.

આ બંને ઘટનાઓના થોડા દિવસો પહેલાં જ ડરબન શહેર નજીક એક હાઉસ પાર્ટીમાં પણ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં સગર્ભા મહિલા સહિત 11 લોકોનાં મોત થયા હતા. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે દક્ષિણ આફ્રિકામાં જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. હાલ પોલીસનું મુખ્ય ધ્યાન બંને ઘટનાઓના આરોપીઓને શોધવા અને હુમલાના કારણની તપાસ કરવા પર છે. પોલીસે પ્રત્યક્ષદર્શીઓ પાસેથી માહિતી મેળવવાની સાથે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. હુમલાખોરોની ઓળખ અને તેમની ધરપકડ બાદ જ આ હુમલાઓ પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.

Most Popular

To Top