World

તરંગ શક્તિ 2026માં અમેરિકન F-35ની એન્ટ્રી

જોધપુરના આકાશમાં ગર્જ્યા અમેરિકન ફાઈટર જેટ, F-35એ પણ બતાવ્યો દમ

‘તરંગ શક્તિ 2026’માં પહેલીવાર અમેરિકાના છ F-35 સ્ટેલ્થ ફાઈટર જેટ સામેલ; લગભગ 40 દેશોની ભાગીદારી, ભારતીય રાફેલ, સુખોઈ અને તેજસ સાથે થશે સંયુક્ત હવાઈ કવાયત : રાજસ્થાનના જોધપુરમાં ભારતીય વાયુસેનાની સૌથી મોટી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાંથી એક ‘તરંગ શક્તિ 2026’ શરૂ થઈ ગઈ છે. આ વખતની કવાયતની સૌથી મોટી ખાસિયત અમેરિકાના અત્યાધુનિક પાંચમી પેઢીના F-35 Lightning II સ્ટેલ્થ ફાઈટર જેટની ભાગીદારી છે. અમેરિકાના છ F-35 વિમાન અને 200થી વધુ અમેરિકન એરમેન જોધપુર પહોંચી ગયા છે. ભારતની ધરતી પર કોઈ બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયતમાં F-35ની આ પ્રથમ ભાગીદારી છે.

‘તરંગ શક્તિ 2026’નું આયોજન 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી જોધપુર એરફોર્સ સ્ટેશન અને આસપાસના એરબેઝ પર થઈ રહ્યું છે. આ કવાયતમાં લગભગ 40 દેશો જોડાઈ રહ્યા છે. તેમાં અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને UAE સહિતના દેશો પોતાના એર એસેટ્સ સાથે ભાગ લઈ રહ્યા છે, જ્યારે અન્ય દેશો ઓબ્ઝર્વર તરીકે જોડાશે.અમેરિકાના F-35ની હાજરીને કારણે આ કવાયત ખાસ મહત્વપૂર્ણ બની છે. F-35ને તેની સ્ટેલ્થ ટેક્નોલોજી, અદ્યતન સેન્સર્સ અને ડેટા-ફ્યુઝન ક્ષમતાઓ માટે ઓળખવામાં આવે છે. જોકે F-35 અગાઉ ભારતમાં Aero India 2025 દરમિયાન જોવા મળ્યું હતું, પરંતુ ભારતીય ભૂમિ પર સૈન્ય કવાયતમાં તેનો આ પ્રથમ ઉપયોગ છે. ભારતીય વાયુસેનાએ અગાઉ ઓસ્ટ્રેલિયામાં ‘Pitch Black’ કવાયત દરમિયાન F-35 સાથે ઓપરેટ કર્યું હતું.

આ કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના રાફેલ, સુખોઈ-30MKI, મિરાજ-2000, મિગ-29 અને તેજસ જેવા ફાઈટર જેટ પણ ભાગ લેશે. વિવિધ દેશોના અલગ અલગ પ્રકારના વિમાનો એકસાથે કામગીરી કરે તે માટે સંયુક્ત મિશન, વ્યૂહાત્મક તાલીમ યોજાશે. આથી અલગ-અલગ દેશોની વાયુસેનાઓ વચ્ચે કોમ્યુનિકેશન, આયોજન અને ઓપરેશનલ તાલમેલ વધારવાનો પ્રયાસ થશે.કવાયતનો મુખ્ય હેતુ માત્ર ફાઈટર જેટનું પ્રદર્શન કરવાનો નથી. ભારતીય વાયુસેનાના જણાવ્યા પ્રમાણે તેમાં એર ડિફેન્સ, કાઉન્ટર-એર ઓપરેશન, રિકોનિસન્સ, એરલિફ્ટ, હવામાં ઈંધણ ભરવું અને અન્ય જટિલ મિશનનો અભ્યાસ કરવામાં આવશે.

લગભગ 80 વિમાનો અને 1,500 જેટલા સૈન્ય કર્મચારીઓની ભાગીદારી સાથે આગામી દિવસોમાં જોધપુરનું આકાશ વિવિધ હવાઈ ઓપરેશનોનું કેન્દ્ર બનશે.‘તરંગ શક્તિ 2026’ ભારત માટે આંતરરાષ્ટ્રીય હવાઈ સહયોગ અને વિવિધ દેશોની ઓપરેશનલ પદ્ધતિઓમાંથી શીખવાની તક પણ છે. સાથે જ આ કવાયત દરમિયાન ભારતીય બનાવટના તેજસ સહિત દેશની પોતાની હવાઈ ક્ષમતાઓને પણ આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવામાં આવશે.

Most Popular

To Top