World

‘ટ્રમ્પનું નિવેદન જોયું, હવે મધ્યસ્થીઓના જવાબની રાહ’ હોર્મુઝ પ્રસ્તાવ પર ઈરાનના વિદેશમંત્રી અરાઘચીનો સંદેશ

ઈરાને હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવા માટે 7 દિવસનો રોડમેપ રજૂ કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવ ફગાવી દીધો હોવા છતાં તેહરાન હજુ મધ્યસ્થીઓ મારફતે અમેરિકાના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યું છે.ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગને ફરી ખોલવાના પ્રસ્તાવને લઈને રાજદ્વારી પ્રયાસો ચાલુ છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે તેહરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રારંભિક નિવેદન સાંભળ્યું છે, પરંતુ મધ્યસ્થીઓ મારફતે અમેરિકાનો અંતિમ અને સત્તાવાર જવાબ હજુ મળ્યો નથી. તેમણે કહ્યું કે ઈરાન મધ્યસ્થીઓ દ્વારા અમેરિકાનું અંતિમ વલણ જાણવા માટે રાહ જોઈ રહ્યું છે અને ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

ઈરાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન હોર્મુઝ જળમાર્ગને એક સપ્તાહમાં ફરી ખોલવા માટે 7 દિવસનો રોડમેપ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ કતાર જેવા મધ્યસ્થીઓ મારફતે અમેરિકાને પહોંચાડવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ઈરાનની યોજના મુજબ શરૂઆતના પગલાં માટે ચારથી પાંચ દિવસનો સમય લાગશે, છઠ્ઠા દિવસે હોર્મુઝ જળમાર્ગને ફરી ખોલવામાં આવશે અને સાતમા દિવસે અમેરિકા સાથે અંતિમ સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરવાની દરખાસ્ત છે.આ પ્રસ્તાવ હેઠળ ઈરાને અમેરિકાની કેટલીક શરતો પૂરી કરવાની માગ કરી છે. તેમાં ઈરાનના બંદરો પર લાગેલી અમેરિકન નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાનના તેલ વેચાણ પરના પ્રતિબંધોમાં રાહત આપવી અને વિદેશોમાં ફ્રીઝ કરાયેલી ઈરાનની સંપત્તિ મુક્ત કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. સાથે જ સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધવિરામની પણ વાત કરવામાં આવી છે. તેના બદલામાં ઈરાને હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવા અને પરમાણુ કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર અમેરિકા સાથે વાતચીત શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.

જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 26 સપ્ટેમ્બરે ઈરાનના આ પ્રસ્તાવને જાહેર રીતે ફગાવી દીધો હતો. ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેમણે ઈરાનની ડીલ સ્વીકારી નથી. તેમ છતાં અરાઘચીએ જણાવ્યું કે ઈરાન હાલમાં ટ્રમ્પના જાહેર નિવેદનને અંતિમ સત્તાવાર જવાબ તરીકે જોઈ રહ્યું નથી અને મધ્યસ્થીઓ મારફતે અમેરિકાનું ચોક્કસ વલણ જાણવા માંગે છે.અરાઘચીએ સ્પષ્ટ કર્યું કે હોર્મુઝ જળમાર્ગ ખોલવાનો નિર્ણય ઈરાનની શરતો પૂરી થવા પર આધારિત રહેશે. તેમણે કહ્યું કે ઈરાન દબાણ, ધમકી અથવા બળજબરી સ્વીકારશે નહીં અને આ ગતિરોધનો ઉકેલ વાટાઘાટો દ્વારા જ શોધી શકાય છે. હાલ તેહરાન મધ્યસ્થીઓના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યું છે, ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top