SURAT

નાસીરનગર ડિમોલિશનનો વિવાદ વધુ ઘેરાયો, જમીનના ભાગલા અને મંજૂરીની પણ થશે તપાસ

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની આકરી ટકોર બાદ હવે તપાસનો ઘેરો વધુ વિસ્તર્યો છે. 29 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં પિટીશન પર વધુ સુનાવણી થવાની છે ત્યારે તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય તપાસ કમિટીએ પ્રકરણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ગાંધીનગર બોલાવી તપાસની કાર્યવાહી તેજ કરી છે. ડિમોલિશનનો નિર્ણય કઈ પ્રક્રિયા અને દસ્તાવેજોના આધારે લેવાયો હતો, જમીનના ભાગલા અને મંજૂરીમાં શું પ્રક્રિયા અપનાવવામાં આવી હતી તેમજ સમગ્ર ઘટનામાં કોની શું ભૂમિકા રહી હતી તે અંગે હવે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. નાસીરનગર ડિમોલિશન મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે સુરત મહાનગરપાલિકા અને પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તાજેતરની સુનાવણીમાં કોર્ટ દ્વારા પ્રકરણમાં જવાબદારી નક્કી કરવા અને અસરગ્રસ્ત લોકોને યોગ્ય વ્યવસ્થા આપવા અંગે પણ ટકોર કરવામાં આવી હતી. આગામી સુનાવણી પહેલાં તપાસ કમિટી દ્વારા જરૂરી દસ્તાવેજો અને સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવવાની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.

નાસીરનગરમાં થયેલી ડિમોલિશન કામગીરી શરૂઆતથી જ વિવાદમાં રહી છે. વેડદરવાજા વિસ્તારમાં આવેલી આ વસાહતમાં મોટી સંખ્યામાં મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ અસરગ્રસ્ત રહેવાસીઓએ નિયમોનું પાલન થયું ન હોવાનો આક્ષેપ કરી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ડિમોલિશન પહેલાં યોગ્ય નોટિસ આપવામાં આવી હતી કે નહીં, કામગીરી માટે જરૂરી મંજૂરી હતી કે નહીં અને મનપાના કયા અધિકારીઓ આ પ્રક્રિયા સાથે સંકળાયેલા હતા તેવા સવાલો પણ ઉઠ્યા હતા. આ મામલે સુરત મહાનગરપાલિકાએ અગાઉ આંતરિક તપાસ કમિટી બનાવી હતી. તપાસ બાદ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં કાર્યપાલક ઈજનેર સુજલકુમાર પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર જયંગ જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મૌનિક ગઢિયા અને જુનિયર ઈજનેર નરેશ ગલચરનો સમાવેશ થાય છે. આ સસ્પેન્શન વિભાગીય તપાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાંથી સુજલ પ્રજાપતિએ સસ્પેન્શન સામે હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. હવે ઉચ્ચસ્તરીય તપાસ કમિટીએ પાંચેય સસ્પેન્ડેડ કર્મચારીઓને સોમવારે ગાંધીનગર ખાતે હાજર રહેવા જણાવ્યું છે. પૂછપરછ દરમિયાન ડિમોલિશનની કામગીરી કેવી રીતે શરૂ થઈ, સ્થળ પર કયા અધિકારીઓ હાજર હતા, કામગીરી રોકવા કે ચાલુ રાખવા અંગે શું નિર્ણય લેવાયો અને સમગ્ર પ્રક્રિયામાં તેમની ભૂમિકા શું હતી તે અંગે સ્પષ્ટતા મેળવવામાં આવી શકે છે. તપાસનો વ્યાપ માત્ર ડિમોલિશનની કામગીરી સુધી મર્યાદિત રાખવામાં આવ્યો નથી. પ્રશ્નવાળી જમીનના ભાગલા, તેના દસ્તાવેજો, અગાઉ આપવામાં આવેલી મંજૂરીઓ અને સિટી સર્વે વિભાગની કાર્યવાહી પણ તપાસના કેન્દ્રમાં છે. જમીનના ભાગલા મંજૂર કરનાર સિટી સર્વે સાથે સંકળાયેલા જવાબદારોને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલિકાની અગાઉની તપાસ કમિટીના સભ્યો પાસેથી પણ વિગતો અને દસ્તાવેજો મેળવવામાં આવી રહ્યા છે.

ઉચ્ચસ્તરીય તપાસ કમિટી દ્વારા સમગ્ર પ્રકરણમાં નિર્ણય પ્રક્રિયાની કડી સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડિમોલિશનનો નિર્ણય કયા સ્તરે લેવાયો, કયા દસ્તાવેજોને આધારે કાર્યવાહી આગળ વધારવામાં આવી, જમીન અંગેની મંજૂરીઓ અને વાસ્તવિક કાર્યવાહી વચ્ચે કોઈ તફાવત હતો કે નહીં તેમજ પાલિકાના વિવિધ વિભાગોની ભૂમિકા શું હતી તેવા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટની ટકોર બાદ આ મામલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસને વધુ વ્યાપક બનાવવા ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવી હતી. હવે આ કમિટી દ્વારા અલગ-અલગ વિભાગોના જવાબદારોને ગાંધીનગર બોલાવીને સીધી પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન અસરગ્રસ્ત નાસીરનગરના રહેવાસીઓના પુનર્વસનનો મુદ્દો પણ હાઈકોર્ટમાં ચર્ચાનો વિષય રહ્યો છે. વૈકલ્પિક આવાસની સ્થિતિ, રહેવાસીઓને આપવામાં આવેલી વ્યવસ્થા અને ડિમોલિશન બાદ તેમના પુનર્વસન અંગે પણ કોર્ટ દ્વારા સવાલો કરવામાં આવ્યા છે. કોર્ટ સમક્ષ આ મુદ્દે જરૂરી અહેવાલો અને દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હવે 29 સપ્ટેમ્બરની હાઈકોર્ટની સુનાવણી પહેલાં ઉચ્ચસ્તરીય તપાસ કમિટી પોતાની તપાસ આગળ વધારી રહી છે. સોમવારે ગાંધીનગરમાં થનારી પૂછપરછમાં સસ્પેન્ડેડ પાંચ કર્મચારીઓ, પાલિકાની અગાઉની તપાસ કમિટી અને સિટી સર્વે સાથે સંકળાયેલા જવાબદારો પાસેથી મહત્વની વિગતો મેળવવામાં આવે તેવી શક્યતા છે. તપાસ બાદ સમગ્ર પ્રકરણમાં કોની ભૂમિકા કેટલી હતી અને આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે સરકાર સમક્ષ અહેવાલ રજૂ થઈ શકે છે.

નાસીરનગર ડિમોલિશન કેસમાં હવે તપાસ માત્ર સ્થળ પર થયેલી કામગીરી સુધી સીમિત રહી નથી. ડિમોલિશનથી લઈને જમીનના દસ્તાવેજો, મંજૂરી, સિટી સર્વેની કાર્યવાહી અને પાલિકાના અધિકારીઓની નિર્ણય પ્રક્રિયા સુધીના તમામ પાસાં તપાસવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટની આગામી સુનાવણી પહેલાં તપાસમાં શું બહાર આવે છે અને જવાબદારી અંગે કમિટી કયા તારણો આપે છે તેના પર હવે નજર રહેશે.

Most Popular

To Top