National

આસામમાં CJPનું અભિયાન શરૂ થાય તે પહેલાં જ પોલીસ કાર્યવાહી, આશુતોષ રાંકા સહિત કાર્યકરો અટકાયતમાં

આસામના ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક આશુતોષ રાંકા સહિત પાર્ટીના અનેક કાર્યકરોની રવિવારે પોલીસે અટકાયત કરી હતી. રાંકા અને તેમની ટીમ ગુવાહાટીમાં યોજાનારી CJPની વોલન્ટિયર્સ મીટિંગમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. કાર્યક્રમ પહેલાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને અટકાયત કરાયેલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રાંકા શનિવારથી આસામમાં હતા અને રવિવારે પાર્ટીના સ્વયંસેવકો સાથે બેઠકમાં ભાગ લેવાના હતા. આ બેઠકમાં મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ જોડાવાના હતા. પાર્ટી તરફથી આસામમાં પોતાનું વોલન્ટિયર નેટવર્ક મજબૂત કરવા અને સ્થાનિક મુદ્દાઓ અંગે લોકો સાથે સીધો સંપર્ક વધારવાની યોજના બનાવવામાં આવી હતી.

રાંકા સહિતના કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવતા સમયે તેમણે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પર આક્ષેપ કર્યા હતા. રાંકાએ કહ્યું હતું કે CJP આસામની સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ લાવવા માંગે છે અને સરકારને એ વાતનો ડર છે કે જો તેમની ટીમ શાળાઓ સુધી પહોંચશે તો સમગ્ર દેશ સામે સત્ય આવી જશે. જોકે, આ રાંકા અને CJP તરફથી કરવામાં આવેલા આક્ષેપો છે. CJPના સ્થાપક અભિજીત દીપકેએ પણ પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, રાંકા અને CJPની ટીમને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પાર્ટીનું કહેવું છે કે ગુવાહાટીમાં યોજાનારી બેઠકમાં આશરે 200થી 300 સ્વયંસેવકો જોડાવાના હતા, પરંતુ કાર્યક્રમ સ્થળ તરફ જતો રસ્તો સવારથી જ રોકી દેવામાં આવ્યો હતો.

પાર્ટી તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અટકાયત કરાયેલા કાર્યકરોને વકીલોને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જોકે, અટકાયત કરાયેલા તમામ લોકોની ચોક્કસ સંખ્યા અને તેમના ઠેકાણા અંગે તે સમયે સ્પષ્ટતા થઈ શકી નહોતી. CJPએ આશુતોષ રાંકા સહિત તમામ અટકાયત કરાયેલા કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી છે. આસામમાં પહોંચ્યા બાદ રાંકાએ મતદાર યાદીના પુનરીક્ષણથી અસરગ્રસ્ત પરિવારોને મળવાની અને સરકારી શાળાઓની મુલાકાત લેવાની વાત કરી હતી. CJP તરફથી આસામ અને સમગ્ર પૂર્વોત્તરમાં સ્વયંસેવકોનું નેટવર્ક વધારવાની પણ યોજના વ્યક્ત કરવામાં આવી હતી. પાર્ટી શિક્ષણ વ્યવસ્થા, સરકારી શાળાઓ, જમીન, જંગલ અને પાણી જેવા સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જવાનું કહી રહી છે.

આ અગાઉ અભિજીત દીપકેએ મહારાષ્ટ્રના હિંગોલી વિસ્તારથી ‘શાળા સુધારો’ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન હેઠળ સરકારી શાળાઓની સ્થિતિ, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને શાળાઓમાં જરૂરી માળખાકીય વ્યવસ્થાની ચકાસણી કરવાનો ઉદ્દેશ જણાવાયો હતો. દીપકેએ સરકારી શાળાઓની સ્થિતિ સુધારવાની સાથે ખાનગી શાળાઓની ફી પર મર્યાદા મૂકવાની પણ માગ કરી હતી. હવે આસામમાં CJPના વોલન્ટિયર્સ મીટિંગ પહેલાં આશુતોષ રાંકા સહિત કાર્યકરોની અટકાયતને લઈને ચર્ચા શરૂ થઈ છે. CJP આ કાર્યવાહીને પોતાના અભિયાનમાં અવરોધ ગણાવી રહ્યું છે અને આસામમાં શાળાઓ તથા અન્ય સ્થાનિક મુદ્દાઓને લઈને પોતાનું અભિયાન ચાલુ રાખવાની વાત કરી છે. બીજી તરફ, અટકાયત અંગેની પોલીસ કાર્યવાહીનું ચોક્કસ કારણ અને આગળની કાનૂની પ્રક્રિયા અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Most Popular

To Top