Vadodara

ગોરવા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો, બે આરોપી ઝડપી પાડી રૂ.1.62 લાખનો 100 ટકા મુદ્દામાલ રિકવર

CCTV ફૂટેજ અને બાતમીના આધારે ગોરવા પોલીસે સાંગ્રિલા રોડથી જૈન મંદિર તરફ ઉભેલા બંનેને દબોચ્યા, બંને આરોપી દાગીના વેચવા માટે જઈ રહ્યા હતા
વડોદરા તા.27
રાત્રિના અંધકારનો લાભ લઇ ઘરફોડ ચોરી કરી ફરાર થયેલા બે શખ્સોને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓનું પગેરું મેળવ્યું હતું. બંને શખ્સો ચોરીનો મુદ્દામાલ થેલામાં લઇ તેને વેચવા માટે રિક્ષાની રાહ જોઇ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.62 લાખનો 100 ટકા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગોરવા પોલીસ સ્ટેશનમાં તા.26 સપ્ટેમ્બરના રોજ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસ દરમિયાન પીઆઈ કે.એન. લાઠિયાએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ તથા ચોરીના મુદ્દામાલની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન સર્વેલન્સ સ્ટાફે બનાવના સ્થળ આસપાસના CCTV કેમેરા તપાસતા બે શખ્સો ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. CCTVમાં મળેલા વર્ણનના આધારે ટેકનિકલ સોર્સ અને અંગત બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે CCTVમાં દેખાતા બંને શખ્સો સાંગિલાથી જૈન દેરાસર તરફ જવાના રસ્તે ગ્રે રંગના થેલા સાથે રિક્ષાની રાહ જોઇ ઉભા છે અને થેલામાં રહેલો ચોરીનો મુદ્દામાલ વેચવા જવાના છે.
બાતમીના આધારે ગોરવા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં બંને શખ્સો ગ્રે રંગના થેલા સાથે મળી આવ્યા હતા. પોલીસે બંનેને પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ કરતાં તેમણે ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂ.8 હજાર મળી રૂ.1.62 લાખનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે. આરોપીઓમાં શાન મોહમદ કલ્લુ (ઉં.23, રહે. ગામ ગુમથલ, તહેસીલ ચંદૌશી, જી. સંભલ, ઉત્તરપ્રદેશ) અને રવીન્દ્ર પાલ ઉર્ફે રાહુલ ગૌતમ રતનલાલ પાલ (ઉં.34, રહે. અકબરપુર ચીતોરી ગામ, તહેસીલ ચંદૌશી, જી. સંભલ, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડી ચોરીમાં ગયેલો રૂ.1.62 લાખનો 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે.

Most Popular

To Top