મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા ગતિરોધને ઉકેલવા અમેરિકા સમક્ષ શાંતિનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને સખત શબ્દોમાં ફગાવી દીધો હોવાના અહેવાલો વચ્ચે ઈરાને ફરી આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને શક્તિપ્રદર્શન કરતાં અમેરિકન સૈન્યની સુરક્ષા હેઠળ જઈ રહેલા ઓઈલ ટેન્કર્સ અને અન્ય કોમર્શિયલ જહાજોને નિશાન બનાવી એન્ટી-શિપ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી શ્રેણીબદ્ધ હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા આ હુમલાઓ અને વિસ્ફોટોને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાયને લઈને ચિંતા વધી છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના મહત્વપૂર્ણ તેલ અને ગેસ પરિવહન માર્ગોમાંથી એક છે. તેથી અહીં લાંબા સમય સુધી તણાવ રહે તો એશિયાથી લઈને યુરોપ સુધી એનર્જી સપ્લાય પર અસર થવાની દહેશત ઊભી થઈ છે. ક્રૂડ ઓઈલના ભાવથી લઈને શિપિંગ અને આંતરરાષ્ટ્રીય વેપાર સુધી તેની અસર જોવા મળી શકે છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, દક્ષિણ ઈરાનના સિરિક અને કેશ્મ ટાપુ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ એટલે કે IRGC દ્વારા અમેરિકન નૌકાદળની નાકાબંધી વચ્ચે પસાર થઈ રહેલા કોમર્શિયલ જહાજોને નિશાન બનાવી મિસાઈલો છોડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઈરાનની ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન હુમલાની લપેટમાં ઓછામાં ઓછું એક ઓઈલ ટેન્કર આવ્યું છે અને તેને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. હુમલા દરમિયાન સિરિકના કિનારા અને ફારસની ખાડીમાંથી પસાર થતાં જહાજો નજીક 10થી વધુ મોટા ધડાકા સંભળાયા હોવાનો સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લારક ટાપુની આસપાસ ઈરાની સૈન્યની ઝડપી હુમલાખોર સ્પીડ બોટ્સ પણ પેટ્રોલિંગ કરતી જોવા મળી હોવાના અહેવાલો છે. આ ગતિવિધિઓને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અને સુરક્ષાને લઈને ચિંતા વધુ વધી છે.
ઈરાનના આ વલણ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આકરું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલવા માંગે છે, કારણ કે ઈરાન પર આર્થિક દબાણ વધી રહ્યું છે અને તેની આવકનો પ્રવાહ અટકી ગયો છે. ટ્રમ્પે એવો દાવો પણ કર્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને દુનિયા માટે મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પના જણાવ્યા મુજબ, અમેરિકાએ ઈરાન પર મોટા પાયે નૌકાદળની નાકાબંધી લાદી છે અને તેના કારણે ઈરાનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પે અમેરિકાની નાકાબંધીને ‘સ્ટીલની દીવાલ’ જેવી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ઈરાન પાસે હવે નાણાંની અછત ઊભી થઈ રહી છે અને આવકનો પ્રવાહ પણ અટકી ગયો છે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બાકીની દુનિયા માટે ખુલ્લું રાખવામાં આવશે, પરંતુ ઈરાનને તેનો લાભ મળવા દેવામાં આવશે નહીં.
હોર્મુઝ સ્ટ્રેટ ફારસની ખાડી અને ઓમાનની ખાડીને જોડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસનો દરિયાઈ વેપાર આ માર્ગ પરથી પસાર થાય છે. આ કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ પણ પ્રકારનો સૈન્ય સંઘર્ષ અથવા જહાજોની અવરજવરમાં અડચણ ઊભી થાય તો તેની અસર માત્ર મિડલ ઇસ્ટ સુધી સીમિત રહેતી નથી. હોર્મુઝ સ્ટ્રેટમાં વધેલા તણાવથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ, શિપિંગ ખર્ચ અને એનર્જી સપ્લાય પર દબાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને એશિયાના એવા દેશો કે જેઓ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે, તેમના માટે આ સ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે. હાલ ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હોર્મુઝ સ્ટ્રેટ સુધી પહોંચી ગયો છે અને અહીં કોમર્શિયલ જહાજોની સુરક્ષા સૌથી મોટો મુદ્દો બની છે. એક તરફ અમેરિકન નૌકાદળ પોતાની હાજરી જાળવી રહ્યું છે, તો બીજી તરફ ઈરાનની નૌકાદળ અને IRGCની ગતિવિધિઓને કારણે સ્થિતિ વધુ તંગ બની રહી છે. જો બંને દેશો વચ્ચેનો આ તણાવ લાંબો સમય યથાવત રહે અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પ્રભાવિત થાય, તો તેની અસર વૈશ્વિક એનર્જી માર્કેટ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ પડી શકે છે.