Science & Technology

AI બદલશે શહેરોની કાયાપલટ, પાણીથી લઈને ટ્રાફિક અને ઈમરજન્સી સુધી બધું થશે ઓટોમેટિક

સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ હવે ધીમે ધીમે જૂનો થઈ રહ્યો છે. અત્યાર સુધી સ્માર્ટ સિટીનો અર્થ સેન્સર્સ, કેમેરા અને ડેટાની મદદથી શહેરમાં શું ચાલી રહ્યું છે તેનું મોનિટરિંગ કરવો એવો હતો. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે દુનિયા હવે સ્માર્ટ સિટીથી આગળ વધીને ઓટોનોમસ સિટી તરફ આગળ વધી રહી છે. નવી ટેક્નોલોજીથી સજ્જ ઓટોનોમસ શહેરો માત્ર સમસ્યાને ઓળખશે નહીં, પરંતુ માનવીય હસ્તક્ષેપ ઓછામાં ઓછો રાખીને વિવિધ સરકારી વિભાગો વચ્ચે ઝડપથી સંકલન કરી સમસ્યાના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી શકશે.

આ પ્રકારની સિસ્ટમમાં AI શહેરમાં લાગેલા વિવિધ સેન્સર્સ, કેમેરા અને અન્ય ડિજિટલ સિસ્ટમમાંથી મળતા ડેટાનું સતત વિશ્લેષણ કરશે. કોઈ અસામાન્ય સ્થિતિ જોવા મળે ત્યારે AI તેને ઓળખીને સંબંધિત વિભાગને જાણ કરશે અને પરિસ્થિતિ પ્રમાણે આગળની કાર્યવાહી માટે સિસ્ટમને સક્રિય કરી શકશે. એટલે કે શહેરમાં કોઈ સમસ્યા ઊભી થયા બાદ અધિકારીઓને માહિતી મળવાની રાહ જોવાને બદલે ટેક્નોલોજી જાતે જ સમસ્યાને ઓળખી તેના ઉકેલ માટે જરૂરી વિભાગો સુધી માહિતી પહોંચાડી શકશે.

ઉદાહરણ તરીકે, શહેરના કોઈ મુખ્ય રસ્તા પર પીવાના પાણીની પાઇપલાઇન અચાનક ફાટી જાય તો પાણીના પ્રવાહ અને પ્રેશરમાં થયેલા ફેરફારને AI સિસ્ટમ તરત ઓળખી શકે છે. આ માહિતીના આધારે વોટર ડિપાર્ટમેન્ટને એલર્ટ મોકલીને રિપેરિંગ ટીમને ઘટનાસ્થળે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. સાથે જ પાણીની પાઇપલાઇનની સમસ્યાને કારણે રસ્તા પર પાણી ભરાવાની અથવા ટ્રાફિકને અસર થવાની શક્યતા હોય તો ટ્રાફિક સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે.

AI ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કરીને અસરગ્રસ્ત રસ્તા પર વાહનોની અવરજવર ઓછી કરવા માટે વૈકલ્પિક માર્ગોની માહિતી આપી શકે છે. ટ્રાફિક સિગ્નલના સંચાલનમાં ફેરફાર કરીને વાહનોને બીજા રસ્તા તરફ વાળવામાં પણ ટેક્નોલોજી મદદરૂપ બની શકે છે. આ રીતે એક વિભાગમાં સર્જાયેલી સમસ્યાની અસર અન્ય વિભાગો સુધી પહોંચે તે પહેલાં વિવિધ સિસ્ટમ વચ્ચે ઝડપથી સંકલન થઈ શકે છે. હાલમાં કોઈ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ થાય અથવા મુખ્ય રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય ત્યારે સ્થાનિક રહેવાસીઓને માહિતી પહોંચવામાં સમય લાગી શકે છે. ઓટોનોમસ સિટીમાં AI આધારિત સિસ્ટમ નાગરિકોને આવી સ્થિતિ અંગે તરત જ માહિતી આપી શકે છે. વોટ્સએપ, SMS અથવા અન્ય ડિજિટલ માધ્યમથી રહેવાસીઓને પાણીના કાપ, ટ્રાફિક ડાયવર્ઝન અથવા અન્ય જરૂરી સૂચનાઓની જાણકારી સમયસર મળી શકે છે. આથી નાગરિકો પોતાની મુસાફરી અથવા દૈનિક કામગીરીનું આયોજન ઝડપથી બદલી શકે છે.

પૂર, વાવાઝોડું અથવા અન્ય કોઈ મોટી ઇમરજન્સી દરમિયાન પણ AIનો ઉપયોગ મહત્વપૂર્ણ બની શકે છે. AI વેધર ડેટા, સેટેલાઇટ તસવીરો અને શહેરમાં લગાવવામાં આવેલા વિવિધ સેન્સર્સમાંથી મળતી માહિતીનું રિયલ-ટાઇમમાં વિશ્લેષણ કરી શકે છે. ક્યાં પાણી ભરાઈ રહ્યું છે, કયા વિસ્તારોમાં વધુ જોખમ છે અને કયા રસ્તાઓમાંથી રાહત-બચાવ ટીમો સરળતાથી પહોંચી શકે છે જેવી માહિતી મેળવવામાં આ ટેક્નોલોજી મદદ કરી શકે છે. કુદરતી આપત્તિ દરમિયાન મળતી માહિતી જેટલી ઝડપથી અને ચોક્કસ રીતે ઉપલબ્ધ થાય, તેટલી ઝડપથી રાહત કામગીરી શરૂ કરી શકાય છે. AI જોખમવાળા વિસ્તારોની ઓળખ કરીને સંબંધિત ટીમોને જરૂરી માહિતી પહોંચાડવામાં મદદ કરી શકે છે. સાથે જ નાગરિકોને પણ તેમના વિસ્તારમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે સમયસર ચેતવણી આપી શકાય છે.

આ રીતે ઓટોનોમસ સિટીનો મુખ્ય હેતુ માત્ર ટેક્નોલોજીથી શહેરને ‘સ્માર્ટ’ બનાવવાનો નથી, પરંતુ શહેરની વિવિધ વ્યવસ્થાઓને એકબીજા સાથે જોડીને સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાનો છે. પાણી, ટ્રાફિક, વીજળી, હવામાન, ઈમરજન્સી સેવાઓ અને અન્ય સરકારી વિભાગોમાંથી મળતી માહિતી એકસાથે જોડાય તો શહેરમાં ઊભી થતી ઘણી સમસ્યાઓ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. ભવિષ્યમાં AI આધારિત આ વ્યવસ્થા વધુ વિકસશે તો શહેરમાં શું થઈ રહ્યું છે તેની જાણકારી નાગરિકો સુધી પળપળમાં પહોંચી શકે છે. સાથે જ અનેક સમસ્યાઓ અંગે સરકારી તંત્રને મેન્યુઅલી માહિતી આપવાની જરૂરિયાત પણ ઘટી શકે છે. એટલે આવનારા સમયમાં સ્માર્ટ સિટી પછી ઓટોનોમસ સિટીનો કોન્સેપ્ટ શહેરી જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.

Most Popular

To Top