Editorial

મંદિરોમાં સત્તાવાર જ નહીં ટાઉટો દ્વારા કરાવવામાં આવતા વીઆઈપી દર્શન પણ બંધ થવા જોઈએ

આખરે અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શનના વિવાદનો અંત આવી ગયો. હવેથી તમામ શ્રદ્ધાળુઓએ એક જ લાઈનમાં ઊભા રહીને માં અંબાના દર્શન કરવાના રહેશે. અગાઉ અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન માટે રકમ નક્કી કરવામાં આવતા ભારે વિરોધ ઉઠ્યો હતો. અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે તેવી જાહેરાત ભલે કરવામાં આવી હોય પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મંદિરમાં વીઆઈપી દર્શન રાખવા જ શા માટે જોઈએ? ભગવાન માટે તમામ ભક્તો સમાન છે.

ચાહે તે ભક્ત રાજા હોય કે પછી રંક. તો પછી વીઆઈપી દર્શનની વાત આવી ક્યાંથી? આ તો સારૂં થયું કે નાણાં લઈને વીઆઈપી દર્શન કરાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, કેટલાક મંદિરોમાં તો જાહેરાત વિના જ નાણાં ઉઘરાવીને વીઆઈપી દર્શન કરાવી આપવામાં આવે છે. અંબાજી મંદિરમાં તો એવું પણ જોવાયું છે કે, જે પોલીસ સ્ટાફ ત્યાં બંદોબસ્ત માટે છે તે જ ટાઉટો મારફત નાણાં લઈને ભક્તોને સીધો પ્રવેશ કરાવી દે છે.

મંદિરોમાં દિવસેને દિવસે ભીડ વધવા માંડી છે. પહેલા પૂનમ ભરવાનો મહિમા નહોતો હવે દર પૂનમે ભક્તો જે તે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આ સંજોગોમાં દર્શન માટેની લાઈનો લાંબી થઈ જાય તે સ્વાભાવિક છે. દેશના કેટલાક જાણીતા મંદિરોમાંભક્તો માટેની વ્યવસ્થા છે પરંતુ કેટલાક મંદિરોમાં નથી. આ કારણે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ક્યારેક કલાકો સુધીનો સમય નીકળી જાય છે અને તેને કારણે જ આ વીઆઈપી દર્શનનું નવું કલ્ચર ઉભું થઈ જવા પામ્યું છે.

મોટાભાગના મંદિરોમાં પાછલા બારણે વીઆઈપી દર્શન કરાવી દેવામાં આવે છે અને તેમાં સ્વયંસેવકોથી માંડીને છેક ટાઉટો સુધીના લોકોની સામેલગીરી હોય છે. ખરેખર જે મંદિરોમાં બારોબાર દર્શન કરાવવામાં આવતા હોય તેની પર પ્રતિબંધ મુકાવો જોઈએ. સાથે સાથે એવી વ્યવસ્થા કરવામાં આવે કે ભક્તો ઝડપથી ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. શિરડીના સાંઈબાબાના મંદિરમાં ભક્તો માટે લાઈનોમાં ઊભા રહેવાથી માંડીને જો લાઈનમાં સમય લાગે તો ભક્તો નાસ્તો કે પાણી પણ પી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય મંદિરોમાં પણ આવી વ્યવસ્થા છે. જે મંદિરમાં ભક્તો માટે વિવિધ સુવિધા ઉભી કરવાની હોય અને ટ્રસ્ટી મંડળ એટલું સક્ષમ નહીં હોય તો સરકારે પણ આ મામલે આગેવાની લઈને ગ્રાંટ આપીને વ્યવસ્થા કરાવવી જોઈએ. સામાન્ય રીતે તહેવારોમાં મંદિરોમાં થતી ભીડ ક્યારેક ભાગદોડમાં પણ પરિણમે છે અને તેને કારણે નિર્દોષ ભક્તોના મોત થવાની પણ અનેક ઘટનાઓ બને છે. સરકારે યાત્રાધામ બોર્ડ બનાવ્યા છે પરંતુ તે હાલમાં સક્રિય લાગતા નથી. તંત્રએ મંદિરોનો સરવે કરીને કયા મંદિરમાં કઈ સુવિધાની જરૂરીયાત છે તે ઊભી કરાવવી જોઈએ કે જેથી ભક્તોને તકલીફ પડે નહીં. પાવાગઢમાં જે રીતે સરકાર દ્વારા સુવિધાઓ ઊભી કરવામાં આવી તેવી સુવિધા જો તમામ મંદિરોમાં કરવામાં આવે તો બની શકે કે ભગવાનના દર્શન કરવામાં ભક્તોએ સહન કરવાનો વારો નહી આવે.

Most Popular

To Top