Columns

કોઈ ફરિયાદ નથી

એક સરસ મજાનો પ્રસંગ હતો.એક દિવ્યાંગ સંસ્થા અહેસાસ દ્વારા કાર્યક્રમ હતો ‘દિવ્યાંગ સ્થિતિને વધાવવાનો …’એક નવો વિચાર હતો.ઘણાના મનમાં પ્રશ્ન હતો કે દિવ્યાંગ હોવું તે તો આમ જુઓ તો દુઃખ અને તકલીફનો વિષય ગણાય અને અહીં આ સંસ્થા તેને વધાવવાની વાત કરે છે.ઘણાં લોકો કાર્યક્રમમાં શું થશે તે જોવા ભેગાં થયાં.ન્યુઝ પેપર અને ટી.વી.ના પત્રકારો પણ આવ્યા. કાર્યક્રમ શરૂ થયો.દીપ પ્રાગટ્ય અને સ્વાગત બધું જ દિવ્યાંગ જનોના હાથે જ કરાવવામાં આવ્યું અને પછી એક પછી એક દિવ્યાંગજણને સ્ટેજ પર બોલાવી તેમની વાત સાંભળી, તેમના કાર્ય વિષે જણાવી, તેમની જો કોઈ ખાસિયત હોય તેને વધાવી બધાનું સન્માન કરવામાં આવ્યું.કોઈ ખાસિયત ન હોય તો પણ સન્માન તો બધાનું જ કરવામાં આવ્યું.

સન્માન બાદ કાર્યક્રમ આગળ વધ્યો. દિવ્યાંગ જનોઈ જ નૃત્ય અને ગીત રજૂ કર્યા પછી અહેસાસ સંસ્થાના પ્રમુખ માઈક પર આવ્યા.તેમના બંને પગ જયપુર ફૂટ હતા.તેમણે બોલવાનું શરૂ કર્યું અને સૌથી પહેલું વાક્ય જ કહ્યું , ‘આપ સૌ ના મનમાં એક જ પ્રશ્ન છે કે દિવ્યાંગ હોવું કમનસીબી છે તો પછી તેને વધાવવાનો ઉત્સવ શું કરવાનો ….મારે આ જ માન્યતાને સમાજમાંથી ભૂંસી નાખવી છે. દિવ્યાંગ હોવું અને પોતાની કમીને સ્વીકારી, તેની સાથે જીવન જીવવું એ જ એક બહુ હિંમત માંગી લેતું કામ છે માટે દરેક દિવ્યાંગજન સન્માનનો અધિકારી છે.’ એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, ‘આ સન્માન કરીને તમે તેમને સારું લગાડવાનો પ્રયત્ન કરો છો અને તેમને થોડી ખુશી આપવા માંગો છો એટલું જ …બાકી બધાના મનમાં તો હું શું કામ દિવ્યાંગ છું?

મારામાં જ ખામી શું કામ છે? મારી સાથે જ આમ કેમ થયું? તેવી અનેક ફરિયાદ હોય જ છે…’પત્રકારની વાત સાંભળી એક નહિ અનેક ‘ના’…. ‘ના’પોકાર ઊઠ્યા.’ એક છોકરી વ્હીલચેર પર હતી. જાતે વ્હીલચેર ચલાવીને માઈક પાસે આવી અને માઈક હાથમાં લઈને બોલી, ‘શું પંખીઓને હાથ છે? નથી … તેઓ બધું જ ચાંચમાં પકડીને કરે છે.ચાંચમાં પકડીને એક એક તણખલા લાવે છે અને ચાંચથી જ માળો બનાવે છે….શું કીડીને પગ છે? નથી પણ તે પોતાના વજન કરતાં વધારે વજન ઊંચકીને ખોરાક ભેગો કરી દૂર દૂર સુધી લઇ જાય છે અને પોતાના દરમાં સંઘરે છે.

આપણને માણસોને ભગવાને હાથ,પગ,આંખ, નાક,કાન,જીભ,મગજ,બધું જ આપ્યું છે અને તો પણ બધા કંઇક ને કંઇક ફરિયાદ કરતાં જ હોય છે.પણ અમને કોઈ ફરિયાદ નથી,કદાચ અમારી પાસે આમાંથી કૈંક ઓછું છે તો એમાં ફરિયાદ શું કરવાની? ઈશ્વરે જે આપ્યું છે તેનો વધુ સારો ઉપયોગ કરી આગળ વધતાં રહેવાનું એ જ જીવન છે.એ જ જીવનની જિંદાદિલી છે.તમે અમને કમનસીબ ન માનો, અમને કોઈ ફરિયાદ નથી.’બધાએ તાળીઓના ગડગડાટથી આ વાતને વધાવી.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top