SURAT

સુરતના પ્રખ્યાત મંદિર પાસે વેપારીની લાશ ઝાડ પર લટકતી મળી

સુરત: ડિંડોલી (Dindoli) માન સરોવર સોસાયટીમાં રહેતા એમ્બ્રોઇડરી મશીનરીના વેપારીએ (Trader) રહસ્યમય સંજોગોમાં શુક્રવારે સવારે ખરવાસા ગામ પાસે ચીકુની વાડીમાં ચીકુના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ (Deadbody) મળી આવી હતી. સવારના સ્થાનિકોને બનાવની જાણ થતાં પોલીસને (Police) જાણ કરાતાં સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, અગાઉ દેવું થઇ ગયું હોવા છતાં મારા ભાઇએ આવું પગલું ભર્યું ન હતું. તેની હત્યા કરવામાં આવી છે. ભાઇએ વ્યક્ત કરેલી શંકાને પગલે આપઘાત કરનાર વેપારીનું નવી સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે.

આજે વહેલી સવારે ડીંડોલી પોલીસને એક કોલ આવ્યો હતો, જેમાં ખરવાસાના મંદિર નજીક કોઈક વ્યક્તિની લાશ ઝાડ પર લટકી રહી હોવાની વિગત મળી હતી, તેના આધારે ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે જોવા મળ્યું કે ખરવાસા મંદિર નજીકની ચીકુવાડીમાં ઝાડ પર એક યુવકની લાશ લટકી રહી છે. ચડ્ડી અને ટીશર્ટ પહેરેલા યુવકની ઓળખ સમીપ નવીન શર્મા તરીકે થઈ હતી.

નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ બિહારના છપરા જિલ્લાના રઘુકુળ ગામના વતની અને હાલ ડિંડોલી માન સરોવર સોસાયટીમાં રહેતા નવીન ભગવાન શર્મા (ઉં.વ.38) એમ્બ્રોઇડરી મશીનરીના લે-વેચનું કામ કરતા હતા. છેલ્લાં 15 વર્ષથી સુરતમાં રહેતા નવીન શર્માએ શનિવારે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાની કાર લઇને ડિંડોલી-ખરવાસા રોડ ઉપર ખરવાસા ગામ ખાતે ચીકુની વાડીમાં પહોંચી ચીકુના ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મૃતકના ભાઇ રામકુમારે જણાવ્યું હતું કે, મારા ભાઇને અગાઉ દેવું થઇ ગયું હતું ત્યારે પણ કોઇ પગલું ભર્યું ન હતું. તેને મારીને લટકાવી દેવામાં આવ્યો છે. ભાઇએ વ્યક્ત કરેલી શંકાને પગલે નવીન શર્માનું નવી સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે. હાલ તો ડિંડોલી પોલીસે મોત અંગે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના સાઢુભાઈ પ્રિયદર્શને જણાવ્યું હતું કે, ભાગીદારી પેઢી છૂટી કરવાને લઈ છેલ્લા થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન નવીને ફાંસો ખાઈ લીધો હતો.

Most Popular

To Top