Comments

પર્વાધિરાજ દીપોત્સવ અને વીર વિક્રમ સંવતનું નૂતન વર્ષ

હિન્દુ સમાજનું સૌથી મોટું દિપોત્સવ પર્વ આજે અગિયારસથી પ્રારંભ થઇ ચુક્યુ છે. વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી પછી એક પડતર દિવસ આવે છે ત્યારબાદ બેસતુ વર્ષ, ભાઇબીજ સુધી સતત તહેવારોની શ્રૃંખલા એટલે દેશનો સૌથી મોટો મહોત્સવ અનેક ખુશીઓ સાથે પ્રારંભ થઇ ગયો છે. બાળકો યુવાઓ, પ્રોઢો સહિત સૌને સ્પર્શતો અને આનંદિત કરનાર દિપોત્સવ સનાતની ધાર્મિક પરંપરાઓ સાથે હજારો વર્ષથી ઉજવાતો રહ્યો છે. ઘરને, ઓફિસને, દુકાનોને સુશોભિત કરવી, નવા વસ્ત્રો ધારણ કરવા, મીઠાઇ અને ફટાકડાઓ, લાઇટીંગની રોશની, દીવાઓ પ્રગટાવવા અને રંગોળીઓ થકી આંગણા સજાવવા જેવા અનેક સુખદ પરિબળો સાથે દિપોત્સવના પર્વ પછી નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. વિક્રમ સંવત અનુસાર ગુજરાતમાં કારતક સુદ એકમથી નવું વર્ષ પ્રારંભાય છે. સંવત પ્રમાણે શક સંવત અનુસાર કેટલાક રાજયોમાં ચૈત્ર વદ એકમથી પ્રારંભાય છે પણ દિપોત્સવ આખા દેશમાં ઉજવાતું મહાપર્વ છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં સનાતન સંસ્કૃતિ અગ્રક્રમે અને સમ્માનીય સ્થાને છે. આપણી પૌરાણિક સંસ્કૃતિમાં ભારતીય ઋષિમૂનિઓ, જ્ઞાની-વિજ્ઞાની અને વિદ્વાનો દ્વારા 36 જેટલા સંવત અત્યાર સુધીમા ઉપલબ્ધ કરાયા છે. જેમાં 24 જેટલાં સંવત ચલણની બહાર છે અને 12 જેટલા કેલેન્ડર સ્વરૂપના સંવત વિવિધ પ્રકારે ચલણમાં છે. જો કે સામાન્ય રીતે આપણે જૈન સંવત, શક સંવત અને વિક્રમ સંવતથી જ થોડાઘણા પરિચિત છીએ. આપણને વધુ સ્પર્શતા અને જેના આધારે આપણે વ્રત-તહેવારો ઉજવીએ છીએ એવા વિક્રમ સંવતની થોડી વાત આજે કરીશું.
વિક્રમ સંવતનો જેના શાસનકાળ દરમ્યાન પ્રારંભ થયો એવા પરાક્રમી, ન્યાયી, ધર્મીષ્ઠ સમ્રાટ સૂર્યવંશી વીર વિક્રમનો જન્મ ઇ.સ. પૂર્વે 102માં થયો હોવાનું મનાય છે. જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના ઉજ્જૈનની આજે જે ભવ્યતા જોવા મળે છે તેથી અનેકગણી સમ્રાટ વિક્રમની નગરી ઉજજૈનની ત્યારે ભવ્યતા હતી. સૂર્યવંશી રાજા ગર્દભલ્લ કે જે ગન્ધર્વસેન, ગર્દભવેશ અને મહેન્દ્રાદિત્ય જેવા વિવિધ નામે ઓળખાતા મહાન પિતાના વીર વિક્રમ સહિત શંખ અને ભર્તુહરી નામના ત્રણ પુત્રો હતા. ભર્તુહરિ મોટા હોવાથી ઉજજૈનની ગાદી સંભાળેલી પણ રાણી પીંગલાના કપટથી વ્યથિત થઇ રાજપાટ છોડી નાથ સંપ્રદાયના સાધુ બની ગયેલા એ વાર્તા ખૂબ જાણીતી છે. ભર્તુહરિના સાધુગમન પછી તક જોઇને શક રાજાઓએ હુમલો કરી ઉજ્જૈન પર કબજો જમાવી દીધેલો. બીજી તરફ રાજય પરત મેળવવા સમ્રાટ વિક્રમે સેના વિશાળ સેના બનાવી ઉજજૈન પર શક શાસકો પર હુમલો કરી ઉજ્જૈનની ગાદી પરત મેળવી, એટલુ જ નહી શક શાસકોને ભારતમાંથી જ ખદેડી મુકવા એ સમયની વિશ્વની સૌથી મોટી સેના વિક્રમાદિત્યને બનાવી હતી. ઇતિહાસ કહે છે કે ત્યારે બે હજાર વર્ષ પહેલા સમ્રાટ વિક્રમાદિત્યની સેનામાં 3 કરોડ પૈદલ સૈનિકો 10 કરોડ ઘોડેસવાર સૈનિકો 24600 હાથીઓ અને 4 લાખ નૌકા સાથેની જબરદસ્ત દરિયાઇ ફોજ હતી. ભારતના અનેક પ્રાંતોને કબ્જે કરી છેક આરબ અને મિસ્ર સુધીના દેશો સુધી હકુમત ચાલતી હતી. આટલા મોટા સમ્રાટ હોવા છતાં ધર્મપ્રિય અને ન્યાયપ્રિય રાજા તરીકે ખ્યાત હતા. બુદ્ધિચાતુર્ય અને ન્યાયપ્રિયતાથી ખુશ થઇને સ્વર્ગના રાજા ઇન્દ્રએ ખુશ થઇને બોલતી હોય તેવી 32 પુતળીઓ વાળુ સિંહાસન ભેટ આપેલું. તેમની ધર્મપ્રિયતાએ સનાતન ધર્મને પુન:પ્રસ્થાપિત કરી વેગ આપ્યો હતો. વિક્રમ સંવતના 501 વર્ષ પૂર્વે ગૌતમ બુદ્ધ થઇ ગયેલા તેમણે બૌદ્ધ ધર્મનો વિશ્વભરમાં ખૂબ પ્રચાર કર્યો હતો. ચીન, જાપાન, તિબેટ અને નેપાળ જેવા રાજ્યોમાં આજે પણ બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રભાવ જોવા મળે છે. ભારતના ત્યારના છેલ્લા બૌધ્ધધર્મી રાજા સમ્રાટ અશોકના અવસાન પછી સમ્રાટ વિક્રમાદિત્યએ રામાયણ, મહાભારત, વેદો, પુરાણો અને હિન્દુ ધર્મ સાહિત્યને પુન:લોકો સમક્ષ લાવી સનાતન ધર્મનો શ્રેષ્ઠ સંરક્ષક અને ઉદ્ધારક તરીકેની ઓળખ પામી લોકપ્રિય બન્યા.
વિક્રમાદિત્યના દરબારમાં જ્ઞાની-વિજ્ઞાની અનેક વિદ્વાનો હતા. ખૂબ મહત્ત્વતા ધરાવતા નવરત્ન કહેવાતા વિવિધક્ષેત્રના આ નવરત્નોને પણ ઓળખીએ.
(1) ધન્વન્તરિ : (ભગવાન ધન્વન્તરિ નહિ) પુરાણોમાં ચાર જેટલા ધન્વન્તરિનો ઉલ્લેખ જોવા મળે છે. પણ આ ધન્વન્તરિ ઔષધવિજ્ઞાન અને આયુર્વેદના જાણકાર વૈદ્ય હતા. આયુર્વેદાચાર્ય સુશ્રુત તેમના શિષ્ય હતા. વિક્રમાદિત્યની વિશાળ સેનાની સ્વાસ્થ્ય સુરક્ષા તેમના પાસે હતી. રોગનિદાન વૈદ્ય, ચિંતામણી, વિદ્યાપ્રકાશ ચિકિત્સા, ધન્વન્તરિ નિઘણ્ટુ, વૈદ્યક ભાસ્કરોદય તથા ચિકિત્સા સાર સંગ્રહ જેવા ગ્રંથો તેમણે લખેલા. (2) ક્ષણપક : વ્યાકરણકાર અને શબ્દકોષકાર તરીકે ખ્યાત ક્ષણપકે ગણિત શાસ્ત્રમાં પણ ઘણું સંશોધન કરેલું. ભિક્ષાટન અને નાનાર્થકોશ ઉપરાંત અનેકાર્થ ધ્વનિમંજરી નામના ગ્રંથોના રચયિતા ક્ષણપક હોવાનું પૌરાણિક સાહિત્યોમાં ઉલ્લેખ મળે છે. (3) અમરસિંહ : શબ્દોકોશના જનક ગણાતા અમરસિંહે શબ્દો અને ધ્વનિ પર ઘણું સંશોધન કરેલું. સંસ્કૃતિનો પ્રથમ શબ્દકોશ નામલિંગાનુશાસન અને અમરકોશ તેમની ઉત્તમ રચનાઓ હતી. (4) શંકુ : નીતિશાસ્ત્રાચાર્ય અને રસાચાર્ય તરીકે તેની ગણના થતી એવા શંકુ જ્યોતિષાચાર્ય પણ હતા અને કવિના સ્વરૂપે પણ ચિત્રણ કરતા ‘જયોતિવિદ્યાભરણ’ ગ્રંથના એક શ્લોકમાં ઉલ્લેખ જોવા મળે છે. (5) વેતાલ ભટ્ટ : યુદ્ધ કૌશલ્યમાં નિપૂણ એવા વેતાલ ભટ્ટનુ નામ વેતાલ આશ્વર્ય ઉપજાવે તેવું છે કે મનુષ્યનું નામ વેતાલ કેમ હોય? જો કે વેતાલ ભટ્ટ નામ મુજબ ભૂત-પ્રેતને વશ કરનાર અને તંત્ર-મંત્રને જાણકાર હતા. આગ્નેય અસ્ત્રો અને વિદ્યુત શક્તિમાં પારંગત વેતાલ ભટ્ટ કાપાલિકો અને તાંત્રિકોનું પ્રતિનિધત્વ કરી સાધના દ્વારા રાજ્યની આસૂરી તાકાતો અને દુરાચારિયોને નષ્ટ કરવામાં સમ્રાટ વિક્રમાદિત્યને મદદ કરી હોવાનું શાસ્ત્રો જણાવે છે. (6) મહાન કવિ કાલિદાસ : કાલિદાસ નામ ખૂબ જાણીતું છે. જગતની શ્રેષ્ઠ રચનાઓ બે હજાર વર્ષ પહેલાં કવિ કાલિદાસે આપી છે. એટલે કે વિક્રમના દરબારમાં સાહિત્યકારોનું ખૂબ સમ્માન થતું હોવાનું આ પ્રમાણ છે. ઋતુસંહારમ, કુમારસંભવમ, રઘુવંશમ, શાકુંતલમ, માલવિકા અગ્નિમિત્રમ, અભિજ્ઞાન, વિક્રમોર્વશીયમ જેવી 40 જેટલી ઉત્તમ રચનાઓ કાલિદાસ દ્વારા રચાઇ છે જે આજે પણ વિદ્યાભ્યાસ છે. (7) ઘટકર્પણ : સાહિત્યના વિદ્વાન હતા, શ્રેષ્ઠ કવિ હતા. યમક રચનાઓમાં મહારથી હતા. એમણે અનેક નવી શૈલીની રચના કરી હતી એમની રચનાઓ પર સમયાંતરે અભિનવ ગુપ્ત, ભરત મલ્લિકા, શંકર ગોવર્ધન, કમલાકર, વૈદ્યનાથ જેવા પ્રસિદ્ધ વિદ્વાનોએ ટીકાગ્રંથો પણ લખ્યા છે. (8) વરુચિ: વ્યાકરણાચાર્ય કવિ ઉપરાંત શાસ્ત્રીય સંગીતના જાણકાર વરૂચિ બ્રાહ્મણપુત્ર હતા. તેણે પાંચ વર્ષની બાળવયે પિતા ગુમાવ્યા હતા પણ તેની તિક્ષણ બુધ્ધિથી પ્રભાવિત એક ઇન્દ્રદત્ત નામના વિદ્વાને પાટલીપુત્ર ખાતે ઉત્તમ શિક્ષણ અપાવ્યું હતું. વિદ્યાસુંદર અને પત્રકોમુદી નામના ગ્રંથો તેમની ઉત્તમ રચના તરીકે વર્તમાને પણ સંસ્કૃત મહાવિદ્યાલયોમાં અભ્યાસક્રમે છે. (9) વરાહ મિહિર : જયોતિષ શાસ્ત્રના પ્રખર જયોતિર્વિદ હતા. કાલગણના, હવાઓની દિશાના જાણકાર, પશુ-પક્ષીઓની પ્રવૃત્તિઓના અભ્યાસુ અને એવા વિષયોને શોધી પારંગતતા પામનાર વરાહ મિહિરે વિક્રમ સંવતની રચનામાં મહત્તવપૂર્ણ યોગદાન આપ્યું છે. જયોતિષ વિષયક અનેક ગ્રંથોની રચના પણ કરી છે. વૃહત્સંહિતા, વૃહજાતક, સમાસસંહિતા, લઘુ જાતક, પંચસિદ્ધાંતિકા, વિવાહ-પટ્ટલ, યોગયાત્રા તથા વૃહત્યાત્રા, લઘુયાત્રા જેવા અનેક ઉત્તમગ્રંથોની રચના કરી છે જે આજના જયોતિષિઓ માટે આશિવાર્દ રૂપ છે. સમ્રાટ વિક્રમાદિત્યના આ બધાજ ઉત્તમ નવરત્નોના સહયોગે વિક્રમસંવતની રચના અને પ્રારંભ થયો હતો.
વિશ્વમાં આજે 96 જેટલા કેલેન્ડર ચાલે છે. જેમાંથી 26 જેટલા માત્ર ભારતમાં છે અને 70 જેટલા વિશ્વના અનેક દેશોમાં ચાલે છે જે દરેકનો પ્રારંભ તેના નવા વર્ષથી પ્રારંભ થતો હોય તો એમ કહી શકાય કે વર્ષના 365 દિવસમાં 96 જેટલા નૂતન વર્ષની ઉજવણી થાય છે. જો કે દરેક કેલેન્ડરનું તેના રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ પ્રમાણેનું મહત્ત્વ હોય છે. આપણા સનાતની પારંપારિક ધાર્મિક વ્રતો અને ઉત્સવો વિક્રમ સંવત અને શક સંવત આધારિત હોય છે જયારે રાષ્ટ્રિય ઉત્સવો ગ્રેગોરીયને કેલેન્ડરના (ઇસવીસન) મહિનાઓની તારીખો આધારિત હોય છે.


અહિ એક વાતની જરૂર નોંધ કરવી છે કે આપણાં સંતાનોને ઇંગ્લિશ કેલેન્ડરના મહિના તારીખ યાદ હોય છે પણ વિક્રમ સંવતનું કયું વર્ષ ચાલે છે એમ અથવા તો ગુજરાતી કેલેન્ડર મુજબનો કયો મહિનો અને કંઇ તિથિ છે એમ પૂછવામાં આવે તો સો માંથી નવ્વાણું યુવા-યુવતીઓ ચોક્કસ FAIL થશે. એમા મુખ્યત્વે આપણી શિક્ષણનીતિ જવાબદાર છે.
સ્કુલ કોલેજમાં અભ્યાસમાં ભલે ના ભણાવાય પણ આપણી વડિલોની ફરજ છે કે સંસ્કૃતિનું જ્ઞાન પણ આપણી નવી પેઢીઓને આપવું જોઇએ. અને એ જ સાંપ્રત સમાજમાં આજની જરૂરિયાત છે.

Most Popular

To Top