Charchapatra

મોર્ટલ યુસુફખાન: ઇમ્મોર્ટલ દિલીપકુમાર

વર્ષો પહેલાં ‘ઇલીસ્ટ્રેડેટ વિકલી’માં વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંઘે, ‘મોર્ટલ યુસુફખાન – ઇમ્મોર્ટલ દિલીપકુમાર’, નામક મથાળા તળે, એક મનનીય લેખ, દિલીપકુમાર માટે લખેલો. સાચે જ, આજે યુસુફખાન આપણી વચ્ચે નથી. પણ દિલીપકુમાર આ ધરા ઉપર કાયમ માટે અમર છે. લગભગ ૯૮ વર્ષ અને ૬ મહિના જેવું ખૂબ લાંબુ આયુષ ભોગવીને દિલીપકુમારે આપણી વચ્ચેથી સદાયને માટે વિદાય લઇ લીધી છે.

વૈયકિતક રીતે દિલીપકુમાર, કોઇ,  અમારા નજીકના આપ્તજન નહોતા. છતાં અમારા જેવા લાખો લોકોએ, પોતાના અંગત વ્યકિતને ગુમાવ્યાનો આઘાત અનુભવ્યો છે. દુનિયામાં એમના જેવા કલાકાર – અદાકાર – અભિનેતા, પાકવા લગભગ અશકયવત બાબત છે. લગભગ તમામ પ્રકારના કિરદાર એમણે હિન્દી ફિલ્મોમાં ભજવ્યા છે. અને એ પાત્રોમાં એમણે પોતાના પ્રાણ રેડીને, એ કિરદારોને અમર બનાવી દીધા છે. જન્મે અને ધર્મે, દિલીપકુમાર મુસલમાન હતા. પરંતુ ફિલ્મોને પડદે, એમણે એવી ભવ્ય આભા ઉપસાવેલી કે તેઓ એક ‘સવાઇ હિન્દુ’ બની રહ્યા હતા. ભારતની ભાતીગળ ધર્મનિરપેક્ષતાને, દિલીપકુમારે પોતાના અભિનય કૌશલ્ય વડે, એક નવો જ ઘાટ આપ્યો હતો.

હજુ આજે પણ હજારો લોકો છે, જેમને દિલીપકુમાર, યુસુફખાન નામની એક મુસ્લિમ વ્યકિત છે, એની ખબર જ નથી. આજ સુધી દિલીપકુમારની અભિનય કલા વિશે અઢળક લખાયું છે. અને ભવિષ્યે પણ અમર બની ગયેલા દિલીપકુમાર માટે, ઘણું ઘણું લખાતું રહેશે. એમની આત્મકથા પણ લખાઇ છે. જેનું નામ ગુજરાતીમાં ‘પદાર્થ અને પછડાયો’ થાય છે. આઠ – આઠ વાર બેસ્ટ એકટરનો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત કરનાર દિલીપકુમાર, ‘દેવદાસ’ના એમના સુક્ષમ અને કરૂણ અભિનયને વાસ્તે, તે વખતના જગતના શ્રેષ્ઠ દસેક અભિનેતાઓમાં ગણના પામ્યા હતા.

રાજ-દેવ-દિલીપ જેવી હોનહાર ત્રિપુટીના, દિલીપકુમાર, છેલ્લા સિતારા હતા. એમના જવાથી અમારા જેવા લાખો સિને રસિકોને, દુ:ખ તો પારાવાર થાય છે. પણ નિયતિ એનું કામ કરતી રહેતી હોવાથી, આપણે આશ્વાસન એજ લેવાનું છે કે મોર્ટલ યુસુફખાન ભલે હવે નથી રહ્યા. પણ ઇમ્મોર્ટલ દિલીપકુમાર આપણી વચ્ચે, એમની ૬૪ જેવી અદ્‌ભૂત ફિલ્મકૃતિઓ વડે, સદાય જીવંત જ રહેવાના છે. અલવિદા, દિલીપકુમાર, અલવિદા. સુરત     -બાબુભાઇ નાઇ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top