weather

ચોમાસું કેરળ અને કર્ણાટકમાં આગળ વધ્યું, ગુજરાતમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

કેરળમાં વરસાદની પધરામણી બાદ હવે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસાએ અરબી સમુદ્રના મોટા ભાગ, લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોને આવરી લીધા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ગોવા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ પ્રવેશ કરે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. બીજી તરફ, ગુજરાતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની છે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) અને પાકિસ્તાન નજીક સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન અસ્થિર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા, ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 10 જૂન સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ અનેક સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન નજીક પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી સમગ્ર પશ્ચિમ ભારતમાં હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ જ કારણોસર ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થયો છે. મહીસાગર જિલ્લાના ખાનપુર વિસ્તારમાં વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. થોડા સમય બાદ વરસાદ બંધ થઈ જતા આકાશ ફરી ચોખ્ખું બન્યું અને તડકો પણ નીકળી આવ્યો હતો. જોકે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજપોલ અને મકાનોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ આજે સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગત 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 12.4 મીલીમીટર વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ ચેતવણી જાહેર કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજની સંભાવના છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પણ હવામાન બદલાઈ શકે છે.અમદાવાદ શહેર માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે દિવસ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. ગાજવીજ સાથે એકથી બે વખત હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.

5થી 6 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ 6થી 10 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. આ દરમિયાન દેશના અન્ય ભાગોમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન સહિત 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની અસર જોવા મળી હતી. ભોપાલમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. નોઈડામાં 400થી વધુ વૃક્ષો પડી ગયા હતા, જ્યારે દિલ્હી-એનસીઆરમાં ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી.

Most Popular

To Top