Dakshin Gujarat

લગ્નમાં મળેલ રમકડામાં થયેલ બ્લાસ્ટનો ભેદ ખૂલ્યો: વરરાજાની સાળી અને દીકરીને મારી નાખવા ડિટોનેટર ફિટ કરાયુ હતુું

નવસારી : વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે થયેલા બ્લાસ્ટ (Blast) પ્રકરણમાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં લીવ ઈનમાં રહેતી પુત્રવધુની બહેન (Sister) અને તેની પુત્રીને (Doughter) મારી નાંખવા માટે પ્રેમીએ તેના મિત્ર સાથે મળી ટેડીબેરમાં ડેટોનેટર ફીટ કરી તે ટેડીબેર પુત્રવધુની બહેનને આપ્યું હતું. પણ પુત્રવધુની બહેને તે ટેડીબેર લગ્નમાં ભેટ આપવા માટે મોકલ્યું હોવાનું સમજી લગ્નમાં ભેટ આપી હતી. જેથી વરરાજા અને તેનો ભત્રીજો ટેડીબેર ઇલેક્ટ્રિક પ્લગમાં નાંખવા જતા બ્લાસ્ટ થયો હતો. જેના કારણે વરરાજા અને તેના ભત્રીજાને ઈજાઓ થઇ હતી.

મળતી માહિતી મુજબ, ગત 13મીએ વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે રહેતા લતેશ ગાવિત અને ગંગપુર રહેતી સલમા ગવળીના લગ્ન થયા હતા. જે લગ્નમાં અનેક ભેટ આવી હતી. જેમાં એક ભેટ નાનકડું ટેડીબેર રૂવાળું તેમજ વાયરિંગવાળું ભેટમાં આવ્યું હતું. લગ્ન બાદ ગત રોજ લતેશ લગ્નમાં મળેલી ભેટ ખોલીને જોઈ રહ્યો હતો. જેમાંથી ઇલેક્ટ્રિક વાયરિંગવાળું ટેડીબેર દેખાતા લતેશ અને તેનો ભત્રીજો જીયાંશ ટેડીબેરમાં લાગેલા પ્લગને સ્વીચ બોર્ડના પ્લગમાં નાંખવા ગયા હતા અને નાખતાં જ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના પગલે લતેશ અને જીયાંશને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસને તપાસ દરમિયાન લગ્ન પ્રસંગમાં આવેલી ભેટ મીંઢાબારી ગામે રહેતી આરતીબેને આપ્યું હોવાનું જણાતા પોલીસે આરતીબેનની પૂછપરછ કરી હતી. આરતીબેને તેમની સાથે નોકરી કરતા અને કંબોયા ગામે રહેતા રાજેશભાઈ ધનસુખભાઈ પટેલે મોકલાવ્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે તુરંત રાજેશભાઈને ઝડપી પાડી તેની પૂછપરછ કરી હતી. પુછપરછમાં રાજેશે જણાવ્યું હતું કે, ગત 2009માં તેની ઓળખાણ સલમાની મોટી બહેન જાગૃતિ સાથે થઈ હતી. ગત 2010માં તેઓ વચ્ચે પ્રેમસબંધ હતો. જેથી તેઓ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ દરમિયાન બંનેને દીકરી જેનાલી થઈ હતી. જે હાલમાં 6 વર્ષની છે. છેલ્લા બારેક વર્ષથી લીવ ઈન રિલેશનશિપમાં રહેવાની સાથે દીકરી પણ હોવાથી જાગૃતિબેન રાજેશભાઈ સાથે લગ્ન કરી રહેવા માંગતી હતી. જે બાબતે રાજેશભાઈ અને જાગૃતિબેન વચ્ચે ઝઘડાઓ થઇ રહ્યા હતા. જેના કારણે જાગૃતિબેન તેની દીકરી જેનાલી લઈ ગંગપુર પિતાજીના ઘરે જતી રહી હતી. આ કારણે રાજેશભાઈએ જાગૃતિબેન અને દીકરી જેનાલીને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.

રાજેશભાઈએ પ્રતાપનગર ખાતે આવેલી નોવેલ્ટીની દુકાનમાંથી ટેડીબેર લીધું હતું અને ચીખલી તાલુકાના કુકેરી ગામે રહેતા તેના મિત્ર મનોજભાઈ નટુભાઈ પટેલ પાસેથી ડેટોનેટર અને ટોટો મેળવ્યું હતું. ત્યારબાદ રાજેશભાઈએ ટેડીબેરને નીચેથી ફાડી તેમાં જૂની ઘડિયાળમાંથી પ્લગમાં નાંખવાની ટુ-પ્લગવાળી પીન કાપી તેના વાયર ડેટોનેટર અને ટોટો ફીટ કરેલા ટેડીબેરને સોય-દોર વડે સીવી લીધું હતું. જે ટેડીબેર ભેટ તેમના સહ કર્મચારી આરતીબેન મારફતે જાગૃતિબેનને મોકલ્યું હતું. આ બાબતે પોલીસે રાજેશભાઈ અને મનોજભાઈની ધરપકડ કરી ઈપીકો કલમ 307, 114 અને એક્ષપ્લોઝીવ એક્ટ કલમ 9બી(1)(બી) 9(બી)3(બી), 9(સી) 12 એક્ષપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ 3(એ)6 મુજબ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

લતેશ અને જીયાંશની હાલત ગંભીર
નવસારી : બ્લાસ્ટમાં ઘવાયેલા લતેશને આંખના ભાગે, શરીરે અને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. તેમજ ડાબા હાથનું કાંડું છુટું પડી ગયું હતું. પરંતુ ભત્રીજા જીયાંશને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. જોકે હાલ તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ લતેશ અને જીયાંશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

જાગૃતિ અને રાજેશ એક જ જગ્યાએ નોકરી કરતા હતા
નવસારી : સૂત્રોનું માનીએ તો જાગૃતિ અને રાજેશ એક જ જગ્યાએ નોકરી કરતા હતા. દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જેથી તેઓ બંને લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. પરંતુ આ વાત જાગૃતિના પરિવારજનોને જાણ થતા તેઓએ તે બંનેને અલગ કરી દીધા હતા.

Most Popular

To Top