Business

ટીનએજર્સ ને વેકિસન અપાવવા માટેના પેંતરા..!

છેલ્લા પોણા બે વર્ષથી કોરોના વિશ્વભરમાં આવન-જાવન કરી રહ્યો છે. કયારેક જીવન થાળે પડતું જણાય અને કયારેક કોરોના નવા વેરિયન્ટ સાથે કમબેક કરે. એડલ્ટ વેકસીનેશન પછી હવે ટીનએજર્સનો વારો છે. બધી શાળાઓમાં 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાની શરૂઆત થઇ ચુકી છે. બાળકો તો બરાબર પણ ઘણા એડલ્ટસ પણ સોયથી ડરતા હોય છે. તો ટીનએજર્સ શા માટે પાછળ રહી જાય! જયારે ટીનએજર્સ રસી ન મુકવા માટે ઘમપછાડા કરી રહ્યાં છે ત્યારે ચાલો જોઇએ વાલીઓ અને શાળાના પ્રિન્સીપાલ, ટીચર્સ શું તીકડમ લડાવીને ટીનએજર્સને રસી લેવા માટે મનાવી રહ્યાં છે.

મારી દીકરીને ગોવા ફરવા લઇ જવાની લાલચ આપી ત્યારે વેકિસન લીધી: ભારતીબેન વાઘેલા

ભારતીબેન વાઘેલાએ જણાવ્યું હતુ કે, ‘’મારી દીકરી ધોરણ 12માં અક્ષર જયોતિ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. શાળામાંથી 3 તારીખે વેકિસન મુકાવવાની હતી તે સાંભળીને મારી દીકરી ગભરાઈ ગઈ. યાનાએ બે દિવસ પહેલાથી મારે વેકિસન નથી લેવી, મારો હાથ દુ:ખશે મને બહુ ડર લાગે છે એમ કહીને ઘમપછાડા શરૂ  કર્યા હતા. આથી તેને સમજાવવા માટે મારે લાલચ આપવી પડી કે આપણે આ વર્ષે ગોવાની ટુર પર જવાના છીએ. ત્યાં વેકિસન સર્ટિફિકેટ હશે તો જ તને પ્લેનમાં ટીકીટ મળશે અને તું અમારી સાથે ગોવા ફરવા આવી શકશે. આવી લાલચ આપ્યા બાદ મારી દીકરી યાનાએ વેકિસન લેવા માટે તૈયારી બતાવીને વેકસિન લીઘી.’’

વેકિસન ન લેશે તો બોર્ડની પરીક્ષા તું આપી નહીં શકશે: પૂજા ગોસ્વામી

પૂજાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ‘’મારો દીકરો કીર્તન ગોસ્વામી ભૂલકાભવન ઘોરણ 12 માં અભ્યાસ કરે છે. શાળામાં વેકિસન મુકવાની વાત જ્યારે કીર્તનને ખબર પડી ત્યારે ઘરમાં જોર જોરથી બબડવા લાગ્યો કે સ્કુલમાં ફરજીયાત વેકિસન લેવાની જ છે. મારે વેકિસન નથી લેવી. કારણ કે મારું બોર્ડનું વર્ષ છે અને મને કંઇ થઇ ગયું તો? મને વેકિસનથી ડર લાગે છે. આથી મેં તેને સમજાવ્યો તારે તો ‘વેકિસન તો લેવી જ પડશે’ અને જો તું વેકિસન ન લેશે તો બોર્ડની પરીક્ષા તું આપી નહીં શકશે અને તારું વર્ષ બગડશે ? આવો ડર બતાવ્યા બાદ મારા દીકરાએ વેકિસન લીધી.’’

માધવને ફેન્ડસ્ સાથે Spider-Man મુવી બતાવવાની લાલચ આપી ત્યારે વેકસીન લીધી: કિશોરભાઇ નાકરાણી

કીશોરભાઇ નાકારાણીએ જણાવ્યું કે, ‘’મારો 16 વર્ષીય દીકરો માધવ જે હિલ્સ હાઇસ્કુલમાં અગિયારમાં ધોરણમાં ભણે છે. મારે વેકસિન નથી લેવી તેવી જીદ કરતો હતો. આથી મેં સમજાવ્યો કે સ્કૂલમાં વેકિસન ફ્રીમાં મુકવામાં આવે છે, આપણે રૂપિયા ખર્ચવાનાં નથી આથી તું હમણાં મુકાવી લે છતાં તે માન્યો નહોતો પછી તેને movie જોવાની લાલચ આપી. જો તું વેકસિન મુકાવશે તો તને અને તારા ફેન્ડસને Spider-Man મુવી બતાવીશ ત્યારે માધવે વેકિસન મુકવાની તૈયારી બતાવી હતી.’’ 

વેકિસન ન લેતી અને જોરથી રડતી બે વિદ્યાર્થીનીને માતા-પિતાની જેમ સમજાવીને વેકિસન મુકાવી: વિજયભાઇ.એમ. પટેલ

ભૂલકા ભવન શાળાના પ્રિન્સીપાલ વિજયભાઇ.એમ. પટેલે જણાવ્યું હતું કે, ‘’અમારી શાળામાં સુરત મનપા દ્વારા વિદ્યાર્થીઓને વેકિસન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 600 જેટલા વિદ્યાર્થીએ વેકિસન મુકાવી. એ દરમિયાન ઘણા વિદ્યાર્થી વેકિસન ન મુકાવવા માટે નવા નવા પેંતરા કરતા હતા. સ્વાભાવિક છે બાળક છે એટલે ડરે.  બે વિદ્યાર્થીનીઓ તો ઈંજેક્શન જોઈને જ જોરથી રડવા લાગી હતી. આથી મેં તેમને સમજાવી કે બેટા આ વેક્સિન તમારી ભલાઈ માટે જ છે, જો તારી ફ્રેન્ડ્સએ પણ વેક્સિન લીધી છે તું^  તેને પૂછી શકે છે કે તમને દુખાવો થયો ? ઇંજેકશન મુકવાથી દુ:ખાવો નથી થતો. આમ પેરેન્ટ્સની જેમ સમજાવી ત્યારે બે વિદ્યાર્થીનીએ પાતોની ફેન્ડસને પાસે ઉભી રાખીને વેકિસન લીઘી.

વેકિસીનેશનને સ્કુલમાં ઉત્સવનો માહોલ બનાવી નાંખ્યો હતો: દીપિકાબેન શુકલા

પ્રેસીડેન્સી શાળાનાં પ્રિન્સીપાલ દીપીકાબેન શુકલાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, ‘’વિદ્યાર્થીમાં રસીકરણ અંગે ફોબીયા હતો પરન્તું વિદ્યાર્થીને ત્રણ દિવસ સુધી સતત માઇક પર એનાઉન્સ કરી ને મોટીવેટ કર્યા હતા. ધોરણ નવમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને ડર હતો તે વાલી પાસે સંમતિ પત્ર પર સાઇન નહોતી કરાવી. બાદમાં તે વિદ્યાર્થીને સમજાવ્યા કે પાછળથી તમારે મોટી લાઇનમાં ઉભા રહેવું પડશે અને તમે દેશનું ભવિષ્ય છો, વેકિસન લેવી જરૂરી છે ત્યારબાદ અન્ય વિદ્યાર્થીને રસી મુકાવતા જોઇને બંને વિદ્યાર્થીઓેએ ડર ભુલાવી રસી મુકાવી હતી. વેકસિનેશનને સ્કુલમાં ઉત્સવનો માહોલ બનાવી નાંખ્યો હતો જેના કારણે વિદ્યાર્થીએ હળવાશ થી વેકિસન લીઘી હતી.’’

Most Popular

To Top