Vadodara

ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ જ વેચી નાખી: વડોદરામાં ઠગાઈનો ચોંકાવનારો બનાવ

સંખેડાના વેપારીની જાણ વગર એર્ટિગા કાર રૂ. 7.50 લાખમાં સગેવગે
તરસાલી નિવાસી ઓળખીતો સહિત અન્ય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
વડોદરા, તા. 18:
વડોદરામાં ભાડે ફેરવવા માટે આપેલી કાર ઓળખીતાએ જ માલિકની જાણ વગર વેચી નાખ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સંખેડાના વેપારીની મારૂતી સુઝુકી એર્ટિગા કાર તરસાલી વિસ્તારમાં રહેતા ઓળખીતાએ બોડેલીના એક વ્યક્તિને રૂ. 7.50 લાખમાં સોદો કરી સગેવગે કરી નાખતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે રહેતા વસીમખાન સબ્બીરખાન પઠાણ (ઉ.વ. 37) ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે નવેમ્બર 2024માં બેંક લોન લઈને અંદાજે રૂ. 13.10 લાખમાં મારૂતી સુઝુકી એર્ટિગા કાર ખરીદી હતી, જેના દર મહિને રૂ. 18,300ના હપ્તા ભરવાના હતા.
કાર ભાડે ફેરવવાની યોજના હેઠળ પૂરતી આવક ન મળતા વસીમખાને મે 2025માં પોતાની ઓળખાણ ધરાવતા રશુલશા નાઝરશા દિવાન (રહે. નવીનગરી, તરસાલી, વડોદરા)ને કાર ભાડે ચલાવવા આપી હતી. બંને વચ્ચે દર મહિને રૂ. 31,000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. શરૂઆતના બે મહિના સુધી ભાડું મળ્યા બાદ રશુલશાએ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું.
વસીમખાને વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન મળતાં કાર પરત માંગતા રશુલશાએ ખુલાસો કર્યો કે તેણે કાર બોડેલી ખાતે રહેતા હિમાંશુ ઉર્ફે સન્ની અગ્રવાલ (અગ્રવાલ કાર એસેસરીઝ, અલીપુરા ચાર રસ્તા)ને આશરે રૂ. 7.50 લાખમાં વેચી નાખી છે. મહત્વની બાબત એ છે કે આ સોદો કારના મૂળ માલિકની જાણ અને મંજૂરી વગર કરવામાં આવ્યો હતો અને વસીમખાન હિમાંશુ અગ્રવાલને ઓળખતા પણ નથી.
આ બનાવ અંગે વસીમખાન પઠાણે રશુલશા નાઝરશા દિવાન, હિમાંશુ ઉર્ફે સન્ની અગ્રવાલ સહિત અન્ય સંડોવાયેલા લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top