Columns

માણસ વિનાનો મેળો ગમે છે કારણ ત્યાં એકલા પડી જવાનો ડર નથી

ભૂમિ કૉલેજમાં આવી હતી. તેને રોજ બસ પકડી કૉલેજ જવું પડતું હતું. અમદાવાદના છેડે આવેલા ગોતા ગામમાં ભૂમિ અને તેનાં મમ્મી-પપ્પા રહેતાં હતાં. તેના પપ્પા અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ ડ્રાઈવર હતા અને રિટાયર્ડ થયા હતા. તેમને સમજાતું હતું કે, તેમની દીકરી રોજ બસ પકડી કૉલેજ જાય છે અને ઘરથી કૉલેજ બહુ દૂર છે. તેથી તેમણે ગોતા ગામનું ઘર છોડી નવા વાડજમાં આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેવાની શરૂઆત કરી હતી. ભૂમિ તેનાં મમ્મી-પપ્પાનું એકમાત્ર સંતાન હતી. તેની મમ્મી ઓછું ભણેલી હતી પણ ખૂબ સમજદાર હતી.

ખરેખર તો સ્કૂલના શિક્ષણ અને સમજને કોઈ સંબંધ હોતો નથી, નહિતર ડિગ્રીધારીઓના જીવનમાં સમસ્યા જ ના હોત. માણસ પોતાના જીવનને કઈ રીતે જુએ છે તેના ઉપર તેનાં સુખ અથવા દુઃખ નક્કી થતાં હોય છે. વાસ્તવમાં તો માણસ જેને સુખ અથવા દુઃખ કહે છે તે બંનેની હાજરી તેના જીવનમાં હોય જ છે. ભૂમિ અને તેની મમ્મીનો સંબંધ મા-દીકરી કરતાં વધુ સખીનો હતો, છતાં જયારે ભૂમિએ તેની મમ્મીને એમ કહ્યું કે તે હિતેશ સાથે લગ્ન કરવા માગે છે ત્યારે સખી જેવી માતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. તેને તે વાત બિલકુલ મંજૂર નહોતી. હિતેશના સ્વભાવ કે ચરિત્ર સામે ભૂમિની મમ્મીને કોઈ વાંધો નહોતો. કદાચ હિતેશ તેની ઉંમરના યુવાનો કરતાં ખૂબ સારો હતો. તે પણ ભૂમિની જેમ જૈન પરિવારમાંથી આવતો હતો. તેમ છતાં ભૂમિનાં મમ્મી-પપ્પા ભૂમિ હિતેશ સાથે લગ્ન કરે તે વાત સાથે સંમત નહોતાં.

હિતેશ પણ શ્રીનાથ એપાર્ટમેન્ટમાં જ રહેતો હોવાના કારણે તે ભૂમિના પરિચયમાં આવ્યો હતો. તે ખૂબ નાનો હતો ત્યારે તેની મમ્મી મૃત્યુ પામી હતી. તેના કારણે તેના કરતાં મોટી બહેનને એક સંબંધીએ દત્તક લીધી હતી જયારે હિતેશ અન્ય કોઈ સંબંધીના ઘરે રહી મોટો થયો અને હોસ્ટેલમાં રહી દસમા સુધી ભણ્યો હતો. અભ્યાસ બાદ તે પોતાના પપ્પા પાસે શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેવા માટે આવ્યો હતો અને મકાનની દલાલીનું કામ કરતો હતો. હિતેશ ૧૮ વર્ષનો હતો ત્યારે સુરતમાં નોકરી કરવા ગયો હતો. તે વખતે અકસ્માતે ઇલેકિટ્રકની હાઈલેવલ ટેન્શન લાઈનને અડી જતાં ગંભીર રીતે દાઝયો હતો.

જેમાં તે બચી તો ગયો પણ તે એટલી ખરાબ રીતે દાઝયો કે કોણીથી તેના બંને હાથ કાપી નાખવા પડ્યા હતા. હિતેશને હાથ નહીં હોવાને કારણે જ ભૂમિની મમ્મી હિતેશ સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી આપવા તૈયાર નહોતી. તેની મમ્મીની વાત ખોટી પણ નહોતી કારણ કે ભૂમિને કોઈ ખોડ નહોતી ત્યારે તે પોતાની દીકરીને શા માટે હિતેશ સાથે પરણાવે? જે વાત સામે ભૂમિની મમ્મીને વાંધો હતો તે જ વાત ભૂમિને સ્પર્શી ગઈ હતી. હિતેશને બંને હાથ નહોતા છતાં તેનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. તે સોસાયટીમાં સાઈકલ લઈ નીકળતો હતો અને તે પણ ડબલ સવારી. તે કાયમ હસતો રહેતો હતો.

તેના ચહેરા ઉપર કયારેય પોતાના હાથ નહીં હોવાનો અફસોસ કે લાચારી દેખાતા નહોતા. હિતેશની આ ખુમારી ભૂમિને તેની નજીક લઈ આવી હતી અને પછી તે બંને મિત્રો બની ગયાં. જેમ-જેમ દિવસો જતા તેમ-તેમ ભૂમિને લાગતું કે તેણે કયારેય આવો યુવાન જોયો જ નથી. કદાચ દુનિયાને પહેલી નજરે ન ગમે તેવો હોવા છતાં હિતેશમાં એવી અનેક બાબતો હતી જે બીજામાં નહોતી. ભૂમિને હિતેશ ગમવા લાગ્યો હતો પણ તેનામાં પ્રેમનો એકરાર કરવાની હિંમત નહોતી પરંતુ એક દિવસ હિતેશે સામેથી પૂછ્યું, “ભૂમિ તું મારી સાથે લગ્ન કરીશ?’’

ભૂમિનાં મમ્મી-પપ્પાનો કોઈ દોષ નહોતો. દરેક મા-બાપ આવું જ કરે. તેના કારણે ભૂમિ અને હિતેશે મંદિરમાં જઈ લગ્ન કરી એક નવા સંસારની શરૂઆત કરી. પહેલા થોડા મહિના તેનાં મમ્મી-પપ્પાએ અબોલા રાખ્યા પછી તેમણે પોતાની દીકરીના નિર્ણયને સ્વીકારી લીધો હતો. ભૂમિના આગમન પછી હિતેશના પપ્પા પણ ખુશ હતા. તેમણે તો કયારેય કલ્પના કરી નહોતી કે તેમને ભૂમિ જેવી પુત્રવધૂ મળશે. ભૂમિ અને હિતેશ ખૂબ ખુશ હતાં કારણ કે તે એકબીજાને પ્રેમ કરતાં હતાં. બહુ ઓછા લોકોને પ્રેમનો ખરો અર્થ સમજાતો હોય છે. પ્રેમનો અર્થ છે એકબીજાની માનસિક સંભાળ લેવી અને તે બંને એકબીજાને સંભાળતાં હતાં. લગ્ન પછી ભૂમિએ ઘર ચલાવવામાં કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી.

હિતેશનો ધંધો તો ઘેરબેઠાં ચાલતો હતો. સાંજે ભૂમિ ઘરે આવે ત્યારે હિતેશ બધી રસોઈ તૈયાર રાખતો હતો અને ભૂમિને ગરમ-ગરમ રોટલી જમાડતો હતો. ઘણા પુરુષો આવું કામ કરવામાં નાનમ અનુભવતા હોય છે પરંતુ બંને હાથ નહીં હોવા છતાં હિતેશ ઘરની જવાબદારી પણ ઉપાડતો હતો. ભૂમિને સારા દિવસો જતા હતા ત્યારે તો હિતેશ તેની ખૂબ સંભાળ લેતો હતો અને તેને નિયમિત ડૉક્ટર પાસે લઈ જતો હતો. ભૂમિને સાતમો મહિનો જતો હતો. તે દિવસે તે એકલી ડૉક્ટર પાસે ગઈ હતી, કારણ કે તેની તબિયત થોડી નરમ હતી. ડૉક્ટરે તેનું બ્લડ સેમ્પલ લીધું પણ તેના રિપોર્ટ જોયા પછી ડૉક્ટરનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. ભૂમિને તે વાત સમજાતી હતી.

તેણે ડૉક્ટરને પૂછ્યું કે, ‘‘ડૉક્ટર, કોઈ પ્રોબ્લેમ છે?’’ ડોક્ટરે ના તો પાડી પણ પછી તરત કહ્યું, ‘‘તમારા પતિને બોલાવી લો.’’ થોડી વારમાં હિતેશ ત્યાં આવી પહોંચ્યો. ડૉક્ટરે તેનું બ્લડ સેમ્પલ લીધું અને જે શંકા હતી તે સાચી પડી. ડૉક્ટરે પોતે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં બંનેને કહ્યું, ‘‘જુઓ તમે બંને HIV પોઝિટિવ છો.” આ સાંભળતાં ભૂમિ પોતાનાં આંસુ રોકી શકી નહીં. ડ\ક્ટરે હિસ્ટ્રી તપાસી તો એવો અંદાજ આવ્યો કે જ્યારે હિતેશને અકસ્માત નડ્યો ત્યારે તેને ૨૫ બોટલ બ્લડ ચઢાવ્યું હતું. સંભવ છે કે ત્યારે આ મહારોગની એન્ટ્રી થઈ હશે. આ બહુ નાજુક તબક્કો હતો. હિતેશ ભાંગી પડયો હતો પણ તેણે કયારેય પોતાના ભાવ ચહેરા ઉપર આવવા દીધા નહીં. ભૂમિ અને હિતેશની દવા શરૂ થઈ અને ભૂમિએ સિઝેરિયન દ્વારા રિયાને જન્મ આપ્યો પરંતુ ભગવાનની કૃપાથી તે HIV નેગેટિવ હતી.

હિતેશમાં એક જુદા જ પ્રકારની તાકાત હતી. તેના કારણે જ ભૂમિએ પણ ડર્યા વગર પરિસ્થિતિ સામે લડવાનો નિર્ણય કર્યો હતો. ભૂમિ નોકરીએ જતી અને હિતેશ રિયાને ઘરે સાચવતો હોવાથી રિયા અનેક વખત હિતેશને મમ્મી કહી બોલાવતી હતી. ધીરે-ધીરે રિયા પણ મોટી થવા લાગી હતી. એક દિવસ ભૂમિ અને હિતેશ કોઈ કામ માટે સિવિલ હોસ્પિટલ ગયાં હતાં ત્યારે તેમની મુલાકાત એઇડ્રસનાં કાઉન્સેલર શ્રદ્ધાબહેન સાથે થઈ ત્યારે તેમને લાગ્યું કે, અમદાવાદમાં તો તેમના જેવા અનેક પોઝિટિવ દર્દીઓ છે પણ નિરાશ અને એકલા છે. આ જાણતાં જ હિતેશના મનમાં એક વિચાર આવ્યો અને તેણે ‘આધાર’ નામની સંસ્થા શરૂ કરી. આ 10 સભ્યોમાંથી શરૂ કરેલી સંસ્થામાં આજે 550 સભ્યો છે.

આધાર શરૂ થયા પછી હિતેશના જીવનની દિશા બદલાઈ ગઈ હતી અને તે બીજા માટે જીવવા લાગ્યો હતો. બીજા માટે જીવવું ખૂબ કઠીન કામ છે કારણ કે ત્યાં પોતાની જાતને મારવી પડે છે. 11 ઓગસ્ટ-05 તે રાત્રે હિતેશને ખૂબ શ્વાસ ચઢવા લાગ્યો. સવારે ભૂમિ તેને હોસ્પિટલ લઈ ગઈ ત્યાં તેને તપાસી ડૉક્ટરે એડમિટ કરવાની સલાહ આપી. હિતેશને એડમિટ કરી ઓક્સિજન માસ્ક પહેરાવ્યું. તે બેઠાંબેઠાં જ સૂતો હતો કારણ કે આડો પડે તો શ્વાસ ચડતો હતો. આવી સ્થિતિ સતત બે દિવસ રહી. ભૂમિને લાગ્યું કે આમ બેઠાં-બેઠાં હિતેશની કમર રહી જશે, માટે તેને સૂવડાવવા માટે પ્રયત્ન કર્યો ત્યાં જ તેણે ભૂમિના ખભા ઉપર માથું નાખી દીધું હતું.

ભૂમિએ ડૉક્ટરને બૂમ પાડી અને તે આવ્યા પણ ખરા પરંતુ હિતેશ ચાલી નીકળ્યો હતો. નાનકડી જિંદગીમાં ભૂમિએ કુદરતને અનેક સ્વરૂપમાં જોઈ હતી. હિતેશ તો ચાલ્યો ગયો પણ હજી ભૂમિએ પોતાની ભૂમિકા ભજવવાની બાકી છે. ભૂમિ એકલી જરૂર છે પણ થાકી નથી. તે હવે રિયાના પપ્પા થવાનો પ્રયત્ન કરે છે. હું ભૂમિને મળવા ગયો ત્યારે તેણે મને વિનંતી કરી કે, “અમારી જીવતી વારતા લખો ત્યારે મારું કે હિતેશનું નામ બદલતા નહીં કારણ કે ભૂલ અમે નહીં કુદરતે કરી છે ત્યારે શા માટે અમે માથું નીચું કરીને જીવીએ?”

Most Popular

To Top