Comments

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પતંગ ઊડતો નથી..!

પતંગ અને પતંગિયાની રાશી એક જ, પણ બંનેની સરખામણી એકબીજા સાથે નહિ કરાય. ક્યાં ઓબામા ને ક્યાં ઓસામા બિન લાદેન..?  સરખામણી કરવામાં  જીવતાનું પોસ્ટમોર્ટમ કરતાં હોય એવું લાગે. means અઘરું..! ક્યાં પતંગડું ને ક્યાં પતંગિયું..? એક હિંસક મિજાજી, ને બીજું અહિંસક મનમૌજી..! પતંગિયા વગર બગીચાનો શણગાર અધૂરો લાગે, ત્યારે પતંગ તો વંઠેલ, ચગ્યા પછી તંગ કરે..! કાપા-કાપી સિવાય  બીજી કોઈ ઇન્દ્રિય પતંગની કામ જ નહિ કરે. વાઈફ નચાવે એમ નાચતા પતિની માફક, દોરી નચાવે એમ પતંગ ‘ડાન્સ’ કરે. પછી  ક્યારે ક્યાં ભોંયભેગો થઇ જાય, એનું ભાન પણ નહિ રહે..!

ત્યારે પતંગિયાં નિર્દોષ અને નિર્ડંખ..! રંગબેરંગી સ્વેટર ચઢાવ્યાં હોય એમ, ફૂલોની ચૂસકી લેવા બગીચા ખૂંદતા હોય..! એ આકાશને આંબવા નહિ જાય.   પતંગને ઉડાડવો હોય તો, એની કેડ પકડીને કન્ના બાંધવી પડે, પતંગિયું વગર બંધને ઊડે, ને પોતાના  અંદાઝમાં ઊડે. પતંગડા તો  તાલીબાની મિજાજ જેવાં. ‘’DO OR DIE”  ના જોમવાદી..! ઊંચે ચઢેલાને પાડે નહિ, ત્યાં સુધી આડો નહિ પડે. યાર..! જેના પગમાં જ લંકા ખદબદતી હોય, એ અવધ પહોંચે ખરો..? કુળથી જ ગુલાંટી, કુલાંગરો ને ખૂનામરકીવાળો..!  ભલે ને, પતંગ ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો લગાવ્યો હોય તો પણ હિંસક..! અહિંસાના ધ્યેય જેવું લાંબુ પૂંછડું લગાવ્યું હોય તો પણ મારફાડવાળો..! કાપાકાપી કરવાની ને ગુલાંટ મારવાની વિકૃતિ એ નહિ મૂકે..! તલના લાડવાથી મીઠાં મોંઢા કરતા જાય ને આકાશી યુદ્ધ ખેલતાં જાય..!

હવામાન અનુકૂળ હોય કે ના હોય, પતંગિયું ક્યારેય અગનખેલ કરતું નથી. જ્યાં ના પહોંચે પતંગિયું, ત્યાં પહોંચે પતંગડુ.! પતંગિયાને સમડી બનવાનાં શમણાં આવતાં નથી. ફાવટ એટલી જ ઉડાન અને મૌજ આવે એટલી જ છલાંગ..! ત્યારે પતંગડુ તો સુરજને ગળવા નીકળ્યું હોય એવું સ્વચ્છંદી..! મકરસંક્રાંતિ પ્રગટ થવી જ જોઈએ, એટલે, ધાબે-ધાબે ધમધમાટી શરૂ..!  ધાબા ઉપર ધાડપાડુઓ ધસી આવ્યા હોય એમ હલ્લાબોલ મચાવી હાકોટા ને પડકારા ચાલુ..!

મહાત્મા ગાંધીજીએ પતંગ ઉડાવેલી કે ફીરકી પકડેલી, એની કોઈ માહિતી મારી પાસે નથી. પણ તાજેતરમાં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ એમની પત્ની સાથે ભારતના પ્રવાસે આવેલા, ત્યારે વડા પ્રધાન મોદીસાહેબ એમને સાબરમતી આશ્રમમાં લાવેલા. કાંઠે આવેલા સાબરમતીના પટ ઉપર  ઈઝરાયેલના વડા પ્રધાન અને તેમની પત્ની સારાએ પણ પતંગ ઉડાવેલા. કહો કે, એ બહાને સાબરમતીના પાણી  બતાવેલાં..! આ ઘટના સાથે મારે કોઈ લેવા દેવા નથી, પણ મહેમાનને મોદીસાહેબે પતંગની વૃત્તિ-પ્રકૃતિ બતાવીને ભારતનું દર્શન કરાવેલું, કે આ સાબરમતી નદીનાં પાણી પચાવવાં બહુ અઘરાં છે સાહેબ..! અંગ્રેજો પણ હાંફી ગયેલા..! ઉત્તરાયણની વાત જ અનોખી. એની મઝા અને મૌસમ જ અલગ.

ઉત્તરાયણ એટલે ‘ઉપર ગગન વિશાળ’ દેખાડવાનો ઉત્સવ.  પતંગમાં મશગૂલ માનવી એક તબક્કે તો ભૂલી જાય કે, પેટ્રોલ-ડીઝલનો ખરેખર ભાવ વધ્યો છે કે,એનો પ્રભાવ વધ્યો છે ?  જેમ માણસ પતંગ ચગાવતો નથી, પણ પતંગ જ માણસને ચગાવે છે, એના જેવું છે..!  ઉત્તરાયણ એ વેલેન્ટાઈન ડે ની ‘Blue print’ છે. વેલેન્ટાઈનના દિવસે પ્રેમના ફૂવ્વારાઓ ફૂટી નિકળે, એમ ઉત્તરાયણના દિવસે અડાબીડ યુવાનો  ધાબે-ધાબે ધબધબાટી બોલાવવા તૂટી પડે. પેઢીઓ  બદલાય, એમ પતંગો બદલાય, ફીરકી અને દોરી બદલાય, પવન અને ધાબાઓ બદલાય, પતંગ ચગવાની દિશાઓ બદલાય, પણ આકાશ નહિ બદલાય..!  જેમણે યુવાની કાઢીને હથેળીમાં ઘડપણ લીધું છે, એમણે તો ધાબે ચઢીને માત્ર ધાબાદર્શન જ કરવું..! પતંગ ચગાવવાના કે ફીરકી પકડવાના દુ:સાહસ કરવાં નહિ. એમના આરોગ્ય માટે હાનિકારક હોય છે..!  (સામાજિક ચેતવણી સમાપ્ત..!)                    

પતંગ વાસ્તુશાસ્ત્રની દિશા શોધતો નથી, જેવું હવામાન તેવું એનું ઉડાન. જીવનની ઘટમાળમાં પણ આવા જ આટાપાટા હોય. આપણો પાડોશી ગમે એટલો સંસ્કારી  હોય, સારો કે વ્યવહારુ હોય, પણ, લાગમાં આવ્યો તો આપણો પતંગ પણ કાપે. ત્યારે જીવદયા નહિ બતાવે.  પતંગ-હત્યાનું પાપ એને લાગતું જ નથી. આમ તો  ઉત્તરાયણ એટલે ઊંચું જોવાનો દિવસ. બાકી, સૂર્ય મકર રાશિમાં જાય કે, મગરના મોઢામાં જાય, એ જોવાનો કોઈને સમય જ ક્યાં છે..? માણસ પતંગ જોવા જાય કે, સુરજ જોવા જાય..?  સાચી દિશામાં ગતિ કરીએ  કે કેમ, એ જ મહત્ત્વનું છે. ઉત્તરાયણ એટલે પ્રેમની વહેંચણીનો ઉત્સવ. આવી  ઉત્તરાયણમાં જો  ફીરકી પતંગને પ્રેમપત્ર લખે તો કેવો લખે, એક નમૂનો જોઈએ..!  (આ તો એક ગમ્મત..!)

પ્રિય ચાંદલિયા.!

કેવાં કેવાં અરમાનની ગાંઠ વાળીને તારી સાથે હું સ્નેહથી બંધાયેલી..? જનમજનમની મકરસક્રાંતિ સુધી સાથે રહેવાના કોલ તું જ ભૂલી ગયો..? તને યાદ છે, તું મને ફીરકીને બદલે ‘ફદરી’ કહીને બોલાવતો..! કહેતો કે, ‘વ્હાલી ફદરી..!  આપણા છેડા પતંગની માફક હવે ક્યારેય છૂટવાના નથી. તું તો મારી અખંડ સૌભાગ્યવતી છે..!  ને તું આજે બીજી જ કોઈ ફદરીના છેડે બંધાઈ ગયો.? તને સહેજ પણ શરમ નહિ આવી? તું તો માણસ કરતાં પણ ખતરનાક નીકળ્યો રે..! હું તો મૂઈ  હરખાયેલી, કે ભગવાને કેવું મઝાનું મને પ્રસન્ન દામ્પત્ય આપ્યું..? મારા ઠમકાના જોરે, ૫૬ ની છાતી લઈને આકાશમાં બાથડતો, ત્યારે હું  હરખપદુડી બની જતી..? ‘કાઈપો..કાઈપો‘ ના હર્ષનાદમાં ગાંડી-ઘેલી થતી. પણ તું તો સાવ ‘લપ્પુક’ નીકળ્યો..!

મરદના છેડે બંધાયાનું શમણું જ વીંખી નાંખ્યું..! મને એમ કે, તારી પાછળ હું સતી થઈશ. મારી પણ ખાંભી રચાશે. શ્રદ્ધાળુઓ ખાંભી આગળ આવી, એમનો પતંગ ક્યારેય નહિ કપાય એની બાધા રાખવા આવશે. પણ તેં તો મને ક્યાંયની રહેવા નહિ દીધી. ત્યકતા બનાવી દીધી..? તારા છેડે બંધાયા પહેલાં તારું નામ સુદ્ધાં હું  જાણતી ન હતી. કુળની પરવાહ કર્યા વિના તારી સાથે છેડા-ગાંઠી કરેલી. વીજળીના તારમાં ભેરવાતો કે ઝાડની ડાળખીઓમાં ખીલવાતો, ત્યારે મારું દિલ કપાઈ જતું. કેટલાય ઠમકા આપી આપીને જેણે તને બચાવેલો, એને જ તેં દગો દીધો..? દુકાનદારને ત્યાં તો, કેવો સુફિયાણો રહેતો..? પંજામાં તારી ઈજ્જત થતી હોવાથી, હું તને ‘પાંડવ’ જેવો માનતી.

અપરિણીતાના મેળામાં આવી હોય એમ, હું દુકાનદારને ત્યાં તારી બાજુમાં જ લટકતી. મને મૂઈને એમ કે, પાંચ પાંડવની માફક પંજાને પરણીને, હું પણ દ્રૌપદી બની જઈશ. પણ તું તો પાંડવને બદલે દુર્યોધન ને દુશાસન કરતાં પણ બદતર નીકળ્યો રે..!  તારાં ચીર પૂરનારના જ તેં ચીર ખેંચી કાઢ્યાં..?  એવી તે કોની આકાશી હવા લાગી, કે તારો સિધ્ધાંત નેવે મુકાઈ ગયો.  તને સ્વૈરવિહારી બનાવી દીધો. તું ભૂલી ગયો કે, તારી ઉડાન તો ફદરીને આભારી હતી. સ્નેહના દિવસે બંધાયેલી સ્નેહગાંઠનો જ તેં દગો કર્યો..? મને ત્યકતા બનાવવા કરતાં, તો, જીવતાંજીવત સમાધિ આપી હોત તો રાજી થાત. બીજી કોઈ ફદરીના દોરે ગંઠાઈને જોવાના દિવસો તો નહિ આવ્યા હોત..? પાંડવો પણ જુગટું રમવામાં દ્રૌપદીને હારી ગયેલા. નારીના નસીબમાં તો આમ પણ ક્યાં સુખ હોય છે? દુ:ખ જ લખેલાં હોય. લોકો પતંગને ઓળખે. આ ફીરકીને  ઓળખે છે કોણ.? તું કપાય છે ત્યારે લોકો, તારાં નામનો જ  કકળાટ કરે કે, પતંગ કપાયો, પણ કપાવાનું તો અમારે આવે. અંતમાં એટલું જ કહેવાનું કે, તારી ઊંચી ઉડાનની ઘેલછાને કારણે જ હું ત્યકતા બની. આકાશનું આખ્ખું સામ્રાજ્ય હડપ કરવાની તારી તાલાવેલીને કારણે જ હું ત્યકતા બની. મારા જેવી બીજી કોઈ ફદરી સાથે આવો વિશ્વાસઘાત નહિ કરતો જાલિમ ..!

લાસ્ટ ધ બોલ

માણસ હોય કે પતંગ, ‘બેલેન્સ’  બહુ મહત્ત્વનું છે. પતંગને સીધો રાખવા માટે તો પૂછડું બાંધવામાં આવે. માણસનું પણ એવું જ..! પઅઅણ માણસને સીધો રાખવા કંઈ પૂંછડું નહિ બંધાય. માણસને સીધો રાખવો હોય તો, પૈણાવી દેવો પડે..! બોલો આનંદદ્વારી દેવ કી જય..!

એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top