National

કેરળમાં ઝરમર વરસાદ સાથે દેશમાં ચોમાસાની એન્ટ્રી, 20 જૂન પછી ગુજરાતમાં પ્રવેશ કરશે

નવી દિલ્હીઃ (New Delhi) એક સપ્તાહના વિલંબ બાદ આખરે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ (Monsoon) ભારતમાં પ્રવેશ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી છે. હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે જો પવનની ગતિ અને સ્થિતિ યોગ્ય રહેશે તો એ દક્ષિણથી ઉત્તર તરફ ખૂબ જ ઝડપથી આગળ વધશે. 20થી 25 જૂનની વચ્ચે તે ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાનશાસ્ત્રીઓએ અગાઉ કહ્યું હતું કે ચક્રવાત ‘બિપરજોય’ ચોમાસાને અસર કરી રહ્યું છે જેના કારણે કેરળ પર તેની હળવી શરૂઆત થશે. IMDએ અગાઉ કહ્યું હતું કે ચોમાસું 4 જૂને કેરળ પહોંચશે પરંતુ અરબી સમુદ્રમાં આવેલા બિપરજોય વાવાઝોડાએ એનો રસ્તો રોકી દીધો હતો. બિપરજોય હવે પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે જેના કારણે ચોમાસાનો કેરળ પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આઈએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 8 જૂને કેરળમાં પહોંચી ગયું છે. તે કેરળના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ તમિલનાડુના મોટાભાગના વિસ્તારો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, મન્નારનો અખાત અને દક્ષિણપશ્ચિમના કેટલાક ભાગો મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પહોંચે છે. અથવા તો સામાન્ય રીતે 1 જૂનથી લગભગ સાત દિવસમાં પહોંચે છે. મેના મધ્યમાં IMDએ કહ્યું હતું કે ચોમાસું 4 જૂનની આસપાસ કેરળમાં પહોંચી શકે છે. ખાનગી હવામાન આગાહી કેન્દ્ર ‘સ્કાયમેટ’એ 7 જૂને કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી અને કહ્યું હતું કે 7 જૂનથી ચોમાસું ત્રણ દિવસ આગળ વધી શકે છે. IMD ડેટા અનુસાર કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ છેલ્લા 150 વર્ષોમાં બદલાઈ ગઈ છે જેમાં 11 મે 1918માં સમયથી પહેલા શરૂઆત અને 18 જૂન 1972માં સૌથી મોડી શરૂઆત થઈ હતી.

સંશોધન દર્શાવે છે કે કેરળમાં ચોમાસાની વિલંબિત શરૂઆતનો અર્થ એ નથી કે ઉત્તરપશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થાય. જો કે કેરળમાં ચોમાસાની વિલંબિત શરૂઆત સામાન્ય રીતે દક્ષિણના રાજ્યો અને મુંબઈમાં વિલંબિત શરૂઆત સાથે સંકળાયેલી હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબથી પણ આ સિઝનમાં દેશના કુલ વરસાદને અસર થતી નથી. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગયા વર્ષે 29 મે, 2021માં 3 જૂન, 2020માં 1 જૂન, 2019માં 8 જૂન અને 2018માં 29 મેના રોજ કેરળ પહોંચ્યું હતું.

Most Popular

To Top