Sports

WTC ફાઈનલ: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા, સિરાજે ચાર વિકેટ ઝડ્પી

નવી દિલ્હી: વિર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશીપ (WTC) ઈંગ્લેન્ડના (England) ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા (Australia) અને ભારત (India) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ભારત ટોસ જીત્યું હતું અને તેણે ફિલડિંગનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરી પ્રથમ દાવમાં 469 રન બનાવ્યાં હતા. ઓસ્ટ્રેલિયા વતી રમી રહેલા ટ્રેવિસ હેડે 163 રન બનાવ્યા હતા. તેણે 174 બોલમાં 163 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં હેડે 25 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો. હેડની ટેસ્ટ કારકિર્દીની આ પાંચમી સદી હતી. જ્યારે સ્ટીવ સ્મિથે બીજા દિવસની પહેલી જ ઓવરમાં પોતાની સદી ફટકારી હતી. તેણે 121 રન બનાવ્યાં હતા. 76 રનમાં ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે પોતાની ટીમને સંભાળી હતી. બંનેએ 408 બોલમાં 285 રનની ભાગીદારી કરી હતી.

પહેલા દિવસે 85 ઓવરની મેચ રમ્યા પછી બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 36.3 ઓવર રમી હતી. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે સેન્ચુરી ફટકારી હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ વિકેટ લીધી હતી. સિરાજે ચાર વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી. જાણકારી મુજબ ઓસ્ટ્રેલિયા અને ભારત બંને ટીમના કેપ્ટન માટે આ 50મી ટેસ્ટમેચ છે.

ટીમ ઈન્ડિયા તરફથી ઓપનિંગ કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે કરી હતી. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને LBW આઉટ કર્યો હતો. રોહિત શર્મા 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે સ્કોટ બોલેન્ડે શુભમન ગિલને આઉટ કર્યો હતો.

સ્ટીવ સ્મિથે સદી ફટકારી આ બેટ્સમેનો સાથે પોતાની બરાબરી કરી
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે આ મેચમાં સદી ફટકારી ઘણાં મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્મિથે આ મેચમાં સર ડોન બ્રેડમેન, વિરાટ કોહલી, જો રૂટ, રિકી પોન્ટિંગ જેવા બેટ્સમેનો સાથે પોતાની બરાબરી કરી છે. સ્મિથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની આ મેચમાં 268 બોલમાં 121 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા માર્યા હતા.

Most Popular

To Top