National

પેટ્રોલ-ડીઝલ બાદ હવે દવાઓ મોંઘી! 384 જીવન રક્ષક દવાઓના ભાવ વધી શકે

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવેલા ખલેલની અસર હવે ભારતના દવા ઉદ્યોગ પર પણ દેખાવા લાગી છે. પેટ્રોલ, ડીઝલ અને દૂધના ભાવ વધ્યા બાદ હવે સામાન્ય લોકો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશની 384 આવશ્યક અને જીવન રક્ષક દવાઓના ભાવમાં ઈમરજન્સી વધારો કરવાની મંજૂરી આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દવાઓના ઉત્પાદન માટે જરૂરી કાચા માલની કિંમતોમાં ભારે વધારો થયો છે. તેના કારણે દવા બનાવતી કંપનીઓ પર ખર્ચનું મોટું ભારણ આવ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર એક વખત માટે દવાઓના ભાવમાં તાત્કાલિક વધારો કરવાની વિચારણા કરી રહી છે. જોકે સરકાર તરફથી એવું પણ જણાવાયું છે કે આ વધારો કાયમી નહીં હોય. આંતરરાષ્ટ્રીય બજારમાં પરિસ્થિતિ સામાન્ય બનશે અને કાચા માલની સપ્લાય ફરી નિયમિત થશે ત્યારબાદ દવાઓના વધારેલા ભાવ પાછા ખેંચી લેવામાં આવી શકે છે.

હાલમાં આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (NPPA), ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરની ચર્ચાઓ ચાલી રહી છે.ભારતીય દવા ઉદ્યોગના પ્રતિનિધિઓનું કહેવું છે કે મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે દવાઓમાં ઉપયોગ થતા કેમિકલ્સ અને API એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સના ભાવમાં 200થી 300 ટકા સુધીનો વધારો નોંધાયો છે. API એ દવાઓ બનાવવાનો સૌથી મહત્વપૂર્ણ કાચો માલ માનવામાં આવે છે. માત્ર કાચા માલ જ નહીં, પરંતુ પેકેજિંગ મટીરિયલ અને આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. શિપિંગ રૂટ પરના જોખમ અને ઇંધણના વધતા ખર્ચને કારણે દવા કંપનીઓનું ઉત્પાદન ખર્ચ ઝડપથી વધી રહ્યું છે.

જેનાં ભાવ વધી શકે તેવી દવાઓમાં સામાન્ય લોકો દ્વારા સૌથી વધુ ઉપયોગ થતી દવાઓનો પણ સમાવેશ થાય છે. તેમાં પેરાસીટામોલ જેવી તાવ અને દુખાવાની દવા, એમોક્સિસિલિન અને એઝિથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક્સ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ માટેની એમ્લોડિપાઇન અને એટોરવાસ્ટેટિન જેવી દવાઓ સામેલ છે. આ ઉપરાંત ડેક્સામેથાસોન અને વિટામિન C જેવી દવાઓ પણ મોંઘી થઈ શકે છે. આ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સરેરાશ 3.90 રૂપિયા પ્રતિ લીટર સુધી ભાવ વધતા નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ 98.64 અને ડીઝલ 91.58 સુધી પહોંચી ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા, સોનાની ખરીદીમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી વિદેશ યાત્રાઓ ટાળવાની અપીલ કરી છે. સરકારનું માનવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવું જરૂરી છે.

બીજી તરફ પેટ્રોલિયમ મંત્રાલયે આશ્વાસન આપ્યું છે કે હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ LPG ગેસને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 60 ટકા LPG આયાત કરે છે અને તેમાંનો મોટો ભાગ હોર્મુઝ જળમાર્ગ મારફતે આવે છે. હાલ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે હોર્મુઝ વિસ્તારમાં તણાવ વધ્યો છે, જેના કારણે સપ્લાય પર અસર પડી શકે છે. તેથી સરકારે સ્થાનિક સ્તરે ગેસ ઉત્પાદન વધારવા માટે પણ તૈયારીઓ શરૂ કરી છે. આ સમગ્ર પરિસ્થિતિને કારણે આગામી દિવસોમાં સામાન્ય લોકો પર મોંઘવારીનું વધુ ભારણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top