Columns

કાશ્મીરી પંડિતોનો ભાજપ સરકાર પરનો વિશ્વાસ ઉઠી ગયો છે

ફિલ્મનું પ્રમોશન કરવું એક વાત છે પણ આતંકવાદનો સામનો કરી રહેલા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવી તે અલગ વાત છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મનું ભારતભરમાં પ્રમોશન કરવામાં સફળ થયેલી ભાજપ સરકાર કાશ્મીર ખીણમાં વસતાં કાશ્મીરી પંડિતોને સુરક્ષા પ્રદાન કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. કુલગામના મહિલા શિક્ષકની હત્યાના સમાચારની શ્યાહી સૂકાય તે પહેલા કાશ્મીર ખીણમાં રહેતા બીજા 2 હિન્દુઓની કરણપીણ હત્યાથી ભાજપ સરકાર પર કાશ્મીરી પંડિતોનો વિશ્વાસ સદંતર ઉઠી ગયો છે. વડાપ્રધાનની વિશેષ યોજના હેઠળ કાશ્મીર ખીણમાં જમ્મુના આશરે 4000 કાશ્મીરી પંડિતોને સરકારી નોકરી આપીને વસાવવામાં આવ્યા હતા.

કાશ્મીર ખીણના ગંડેરબાલ, બડગામ, અનંતનાગ, બારામુલ્લા અને કુપવાડા જિલ્લાઓમાં તેમના માટે ખાસ કોલોનીઓ બનાવવામાં આવી હતી. આતંકવાદીઓ કોઈ પણ ભોગે આ હિન્દુઓને કાશ્મીર ખીણમાંથી તગેડી કાઢવા માગે છે. 1990ના દાયકામાં કાશ્મીર ખીણમાં જેવી પરિસ્થિતિ હતી તેવી ડિટ્ટો પરિસ્થિતિ પેદા કરવામાં આવી છે. 1990ના દાયકામાં જમ્મુ – કાશ્મીરમાં ગવર્નરનું શાસન હતું, તેવી જ રીતે 2022માં ગવર્નરનું શાસન છે. 1990માં કેન્દ્રમાં જનતા દળની લઘુમતી સરકાર સત્તામાં હતી, જેના વડાપ્રધાન V.P. સિંહ હતા અને જેને ભાજપનો બહારથી ટેકો હતો.

1990માં ભાજપ પક્ષ કાશ્મીરી પંડિતોની હિજરત કદાચ અટકાવી ન શક્યો હોય, કારણ કે તે સરકારમાં નહોતો. આજની તારીખમાં તો કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકાર છે અને કાશ્મીરમાં ગવર્નરનું શાસન છે, જેની ધૂરા કેન્દ્રના હાથમાં રહેલી છે. તેમ છતાં જો સરકાર કાશ્મીરી પંડિતોને સુરક્ષા પ્રદાન ન કરી શકતી હોય તો કાશ્મીરી પંડિતો પાસે હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી. હિજરત કરી રહેલા પંડિતોને તેમના ઘરમાં નજરકેદ કરવાથી કોઈ સમસ્યા હલ થવાની નથી. હાઈવે પર ચેકપોસ્ટ ઊભી કરીને સરકાર પોતાની જાતને હાસ્યાસ્પદ પુરવાર કરી રહી છે.

કાશ્મીર ખીણમાં છેલ્લા 9 દિવસમાં 9 ટાર્ગેટેડ હત્યા થયા પછી કાશ્મીરી પંડિતોએ મોટી સંખ્યામાં બિસ્તરા – પોટલા બાંધીને જમ્મુ તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે, જે 6 જૂન સુધીમાં તેમને સલામત સ્થળ પર રહેઠાણ આપીને ખસેડવામાં આવશે. આ સાંત્વન પર કાશ્મીરી પંડિતોને કોઈ ભરોસો ન હોવાથી તેઓ હાઈવે પર જમ્મુ તરફ જતા નજરે પડ્યા હતા. તેમને રોકવા માટે સરકાર દ્વારા શ્રીનગર – જમ્મુ હાઈવે પર ઠેક ઠેકાણે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. તેઓ જમ્મુ તરફ જતા દરેક મુસાફરના I – CARD ચેક કરે છે. જો કોઈ કાશ્મીરી પંડિત જમ્મુ તરફ જતા જોવા મળે તો તેમને રોકવામાં આવે છે અને પાછા શ્રીનગરના ટ્રાન્સઝિટ કેમ્પમાં મોકલી આપવામાં આવે છે.

શ્રીનગરના ઇન્દિરા નગર વિસ્તારમાં સરકારે કાશ્મીરી પંડિતોના રહેવાની વ્યવસ્થા કરી છે. સરકાર દ્વારા હિન્દુ કર્મચારીઓ માટે મકાનો ભાડે લેવામાં આવ્યાં છે અને હોટેલોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગભરાટમાં આવેલા કાશ્મીરી પંડિતો આ કોલોની પણ ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમને રોકવા માટે સરકાર દ્વારા પ્રવેશદ્વાર પર કાંટાળા વાયરની આડશ ઊભી કરી દેવામાં આવી છે. ઇન્દિરા નગરમાં રહેતા કોઈ શ્વેતા ભાટે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં ઇન્દિરા નગર તફર જતા રસ્તાને બ્લોક કરીને ઊભેલી પોલીસ વાન જોવા મળે છે. તેણે મેસેજમાં લખ્યું છે : “This is real Kashmir. Actually HELL. And this is our FAILED Govt., Just trying to Hide their failure. Indra Nagar area sealed for people to move to Jammu (sic).”

(‘‘આ સાચું કાશ્મીર છે. હકીકતમાં આ નર્ક છે. અને આ આપણી નિષ્ફળ ગયેલી સરકાર છે, જે પોતાની નિષ્ફળતાને ઢાંકવાની કોશિશ કરી રહી છે. ઇન્દિરા નગર વિસ્તારના લોકો જમ્મુ ન જઈ શકે તે માટે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.’’)શ્રીનગરની જેમ કાશ્મીર ખીણના દરેક જિલ્લાઓમાં બહારથી આવેલા હિન્દુ કર્મચારીઓ માટે સ્પેશિયલ સરકારી વસાહતો ઊભી કરવામાં આવી છે. ગંડેરબાલ જિલ્લાના તુલ્લામુલ્લા વિસ્તારમાં, બડગામ જિલ્લાના શેખપુરા વિસ્તારમાં, અનંતનાગ જિલ્લાના વીસુ વિસ્તારમાં તેમ જ બારામુલ્લા અને કુપવાડામાં પણ ખાસ વસાહતો ઊભી કરવામાં આવી છે.

કાશ્મીરી પંડિતોને તેમની આ વસાહતોમાં નજરકેદ રાખવામાં આવ્યા છે. તેમને કાશ્મીર ખીણ છોડવાની પરવાનગી નથી. આ કર્મચારીઓએ રાહુલ ભાટની હત્યા પછી પોતાની ફરજ પર જવાનું બંધ કરી દીધુ છે.ગંડેરબાલ જિલ્લામાં આવેલા માતા ખીરભવાની મંદિરમાં દર વર્ષે જેઠ સુદ આઠમે વાર્ષિક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમાં ભારતભરના કાશ્મીરી પંડિતો મોટી સંખ્યામાં આવતા હોય છે.

ગયા 2 વર્ષ કોરોનાને કારણે મેળો રદ્દ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પરિસ્થિતિ સામાન્ય જણાતા ખીરભવાની મેળાનું આયોજન તા. 8 જૂને કરવામાં આવ્યું હતું પણ કાશ્મીર ખીણની પરિસ્થિતિ વણસી જતા કાશ્મીરી પંડિતોના સંગઠને મેળો રદ્દ કરવાની જાહેરાત કરી છે. જો ખીરભવાની મેળો રદ્દ કરવામાં આવે તો સરકારનું નાક કપાઈ જાય તેમ છે, માટે સરકાર દ્વારા મેળો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે પણ હિન્દુઓ ત્યાં જવા તૈયાર નથી. કાશ્મીર ખીણ છોડીને ભાગી રહેલા મોટા ભાગના કાશ્મીરી પંડિતો જમ્મુ તરફ જઈ રહ્યા છે.

તેમને લાગે છે કે જમ્મુમાં તેઓ સલામત છે, કારણ કે જમ્મુની 65 % વસતિ હિન્દુ છે. 1990ના દાયકામાં કાશ્મીરમાં પંડિતો પર અત્યાચારો થયા ત્યારે તેઓ પહેલા જમ્મુ પહોંચ્યા હતા. ત્યાં તેમના માટે બનાવવામાં આવેલી કામચલાઉ છાવણીઓમાં તેમણે આશરો લીધો હતો. ત્યાર પછી કાશ્મીર ખીણમાં રહેલી પોતાની મિલકતો વેચીને તેઓ જમ્મુમાં કે નવી દિલ્હીમાં સ્થાયી થયા હતા. આજે ઘણા કાશ્મીરી પંડિતો જમ્મુને પોતાનું ઘર બનાવીને રહ્યા છે પણ તેઓ જમ્મુના હિન્દુઓ કરતા અલગ સંસ્કૃતિ ધરાવે છે.

હવે કાશ્મીર ખીણના બાકીના હિન્દુઓ પણ જમ્મુ તરફ વળી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેમને રોકવાના પ્રયત્નો કરી રહી છે, કારણ કે તેને ઇજ્જત જવાનો ડર છે.2014માં ભાજપની સરકાર આવી તે પછી કાશ્મીરી પંડિતોને પાછા કાશ્મીર ખીણમાં સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે તેમને કાશ્મીર ખીણમાં વિવિધ સ્થળો પર નોકરીઓ આપવામાં આવી હતી અને રહેઠાણની સગવડ પણ કરવામાં આવી હતી. હવે આતંકવાદીઓ આ સરકારી નોકરી કરતા કાશ્મીરી પંડિતોને વીણી વીણીને મારી રહ્યા છે.

તેને કારણે ભયભીત થયેલા કાશ્મીરી પંડિતો તેમની નોકરીઓ જમ્મુમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી રહ્યા છે. સરકાર દેખીતા કારણોસર તેમની માગણી સ્વીકારવા તૈયાર નથી. હવે નોકરી ગુમાવવાનું જોખમ ખેડીને પણ તેઓ પોતાનો જીવ બચાવવા કાશ્મીર ખીણ છોડી રહ્યા છે. કાશ્મીરમાં આ ઉનાળામાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા હતા. આતંકવાદીઓ દ્વારા એક પણ પ્રવાસી પર હુમલો કરવામાં આવ્યો નહોતો. કારણ કે તેમના ઉપર કાશ્મીરનું અર્થતંત્ર ચાલે છે. આતંકવાદીઓના કાશ્મીરી પંડિતો પરના હુમલાઓ વધી ગયા છે, તેનું કારણ એ છે કે ત્યાં ટૂંક સમયમાં ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે.

Most Popular

To Top