National

પુત્ર કોમામાં છે એમ માની દોઢ વર્ષ સુધી પરિવાર તેના મૃતદેહ સાથે એક જ ઘરમાં રહ્યો, પછી થયું આવું…

કાનપુર (Kanpur): કાનપુરના રાવતપુરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવાર છેલ્લાં દોઢ વર્ષથી ઘરમાં એક મૃતદેહ સાથે રહેતો હતો. કોમામાં છે એમ માની માતા-પિતા પોતાના દીકરાના મૃતદેહને દોઢ વર્ષથી સાચવી રહ્યાં હતાં. ગંગાજળથી તેની કાળજી રાખતા હતા. મૃતદેહની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે જોઈને જ ચક્કર આવી જાય. તેમ છતાં પરિવાર એ માનવા તૈયાર નહોતો કે પરિવારના સભ્યનું મૃત્યુ થઈ ગયું છે. આખરે કલેક્ટરના આદેશથી એક તપાસ ટીમ તે ઘરે પહોંચી અને જોયું તો દોઢ વર્ષથી પરિવાર મૃતદેહ સાથે રહી રહ્યો હતો. આ ઘટના અંગે પડોશીઓને જાણ થતાં તેઓને કંપારી છૂટી ગઈ હતી.

ઘટના કાનપુરના રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણપુરી રોશન નગરની છે. અહીં એક પરિવાર દોઢ વર્ષથી આવકવેરા અધિકારીના મૃતદેહ સાથે રહેતો હતો. શુક્રવારે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે મામલો બહાર આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જોકે, પરિવારજનોએ શુક્રવારે સાંજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે પોલીસે કાગળની કાર્યવાહી બાદ લાશ સંબંધીઓને સોંપી હતી. પરિવારજનોએ પોલીસની હાજરીમાં મોડી સાંજે ભૈરવ ઘાટ ખાતે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. મળતી માહિતી મુજબ, ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી નિવૃત્ત કર્મચારી રામ અવતાર પરિવાર સાથે રોશન નગરમાં રહે છે. ત્રણ પુત્રોમાં સૌથી નાનો, વિમલેશ (35) અમદાવાદમાં ઈન્કમ ટેક્સમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર (AAO)ની પોસ્ટ પર હતો. વિમલેશની પત્ની મિતાલી કિડવાઈનગર સ્થિત સહકારી બેંકમાં કામ કરે છે.

2021માં કોરોનાના લીધે થયું હતું મોત
પિતા રામ ઓતરે પોલીસને જણાવ્યું કે વિમલેશને 18 એપ્રિલ 2021ના રોજ કોરોના સંક્રમિત થયો હતો. પરિવારે તેને બિરહાના રોડ પર આવેલી મોતી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન 22 એપ્રિલે તેનું મોત થયું હતું. કોવિડ નિયમોની અવગણના કરીને, હોસ્પિટલ મેનેજમેન્ટે વિમલેશના મૃતદેહની સાથે મૃત્યુ પ્રમાણપત્ર સંબંધીઓને સોંપી દીધું. ઘરે આવ્યા બાદ પરિવારના સભ્યો અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યારે માતા રામ દુલારીએ વિમલેશના ધબકારા આવી રહ્યા હોવાનું કહીને અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી. 

માતાપિતાએ કહ્યું, અમારો પુત્ર કોમામાં છે
ત્યારથી માતા-પિતા તેના મૃતદેહને ઘરના એક રૂમમાં રાખીને તેની સંભાળ રાખતા હતા. વિમલેશની પત્ની મિતાલી ઉપરાંત વિમલેશના ભાઈઓ સુનીલ, દિનેશનો પરિવાર પણ ઘરમાં રહે છે. પુત્ર દોઢ વર્ષથી આ હાલતમાં છે. અમે તેના શરીર પર કોઈ કેમિકલ લગાવ્યું નથી. શરીરમાં ક્યાંય પાણી નીકળતું તો ગંગાજળથી તેને સાફ કરતા. શરૂઆતમાં થોડા મહિનાઓ સુધી તેમાંથી દુર્ગંધ આવતી હતી, પરંતુ થોડા મહિનાઓ પછી દુર્ગંધ બંધ થઈ ગઈ. અમારો દીકરો જીવિત છે. વિમલેશના પિતા રામ અવતાર અને માતા રામદુલારીએ આ વાત ત્યારે કહી જ્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી.

શું કહ્યું તબીબોએ?
હકીકતમાં, શુક્રવારે આવકવેરા વિભાગ તરફથી પત્ર મળતાની સાથે જ સીએમઓએ ડેપ્યુટી સીએમઓ ડૉ. ઓપી ગૌતમના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિમાં કલ્યાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ ડો.અવિનાશ યાદવ, ડો.આસીફ વગેરે હતા. સમિતિના સભ્યોના જણાવ્યા મુજબ, જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે વિમલેશનો મૃતદેહ રૂમમાં બેડ પર પડ્યો હતો જે મમી બની ગયો હતો. ડોકટરોએ તેનું ઇસીજી કરાવ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આર. કે. મૌર્યનું કહેવું છે કે લાશને મમીફાઈડ કરવામાં આવી હતી. દુર્ગંધ દૂરથી અનુભવાતી ન હતી. પરિવારજનોને વિમલેશના મૃત્યુના પુરાવા પણ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top