Comments

ભારત જોડો યાત્રા અને કોંગ્રેસની ચૂંટણી

રાહુલ ગાંધીને કોંગ્રેસના પક્ષ પ્રમુખની ચૂંટણીમાં સ્પર્ધામાં કોઇ રસ નથી એ લગભગ ચોકકસ થઇ ગયું છે. કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં ગાંધી પરિવારના અન્ય કોઇ સભ્ય પણ નહીં ઝૂકાવે એ વાત પણ ચોકકસ થઇ ગઇ છે. ગાંધી પરિવારના ચમચાઓ માટે આ વાત આઘાતજનક છે. જવાબદારી વગર અધિકાર મેળવવાવાળા કયાં સુધી મફતિયા ખાશે? અન્યથા ગુલામ નબી આઝાદ જેવા પીઢ નેતાઓ પોતાની સિધ્ધિઓ ગણાવવાની કે ગાંધી પરિવાર સામે આંગળી ચીંધવાની હિંમત કેવી રીતે કરે? અને કોંગ્રેસની વર્તમાન સ્થિતિ માટે તેમને કઇ રીતે જવાબદાર ઠેરવે? ડો. કરણસિંહ જેવા પીઢ નેતા કોંગ્રેસમાં પોતાની અવગણના થતી હોવાની ફરિયાદ કેવી રીતે કરે? નેવુંના દાયકાના આ નેતા ફરિયાદ કરે છે કે છેલ્લાં આઠ-દસ વર્ષથી હું લોકસભામાં નથી ગયો કે રાજયસભામાં!

કોંગ્રેસને તેની ખોટી નીતિઓ અગ્રતા ક્રમને કારણે આ લોકોએ કેવો ચૂસ્યો છે તે આ વાત પરથી માલમ પડે છે! કોંગ્રેસનું પ્રથમ પરિવાર – ગાંધી પરિવાર અને ખાસ કરીને ભારત જોડો યાત્રાએ નીકળેલા રાહુલ ગાંધી મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષનું મુખ્ય નિશાન બન્યા છે અને ગાંધી પરિવાર ચૂંટણીમાંથી ખસી જાય છે એ પણ સૂચક છે. ગાંધી પરિવારના નિર્ણયને કારણે કોંગ્રેસના કેટલાક અગ્રણીઓની છાતી બેસી જાય તો તેનાથી વધુ આઘાત તો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષના કેટલાક ટીખળખોર નેતાઓને લાગશે કારણ કે તેઓ ગાંધી પરિવાર પર ટીકાનો મારો ચલાવ્યે રાખતા હતા અને છેલ્લા કેટલાક વખતથી ગાંધી પરિવાર તેનો જવાબ પણ નથી આપતું! ભારત જોડો યાત્રા અને કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી સાથે થયા છે તે જોગાનુજોગ છે? કોંગ્રેસ માટે અને વિરોધ પક્ષની એકતા માટે આ આવકાર્ય સમાચાર બન્યા છે કે ગાંધી પરિવાર ચૂંટણી જંગમાંથી ખસી જાય છે! મોદી – શાહની જોડીએ પણ હવે નવો દાવ વિચારવો પડશે.

૨૦૨૪ માં આવનારી લોકસભાની ચૂંટણી માટે હાથ જોડીને બેસી તો નહીં રહેવાય ને? મોદીને ‘કોંગ્રેસમુકત ભારત’ જોઇતું હતું તેને માટે તેઓ રાહુલ ગાંધીને નિશાન બનાવતા રહ્યા હતા. વિપક્ષી એકતાના ફુગ્ગામાં કાણું પાડવાનું તેમને સહેલું હતું. રાહુલ ગાંધીને નકારાત્મક ચીતરવાથી પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસ વગર વિપક્ષી એકતા સાધવાના નામે ગલગલિયાં થતાં હતાં. મુકત અને નિષ્પક્ષ ચૂંટણી થાય એ કોંગ્રેસના હિતમાં છે? સામે ભારતીય જનતા પક્ષ વિરોધ પક્ષોનો, ખાસ કરીને કોંગ્રેસનો કોળિયો કરવા માટે તત્પર બેઠો હોય ત્યારે કોંગ્રેસનું સુકાન સલામત હાથોમાં રહેવું જોઇએ. આઝાદ, ડો. સિંહ અને અમરિન્દર સિંહ ઉજાગરા કરાવે પણ પક્ષમાં આંતરિક લોકશાહી વિકસાવીને ભારતીય જનતા પક્ષને જવાબ આપી શકાય. આમ તો નિયમિત સમયાંતરે પક્ષની ચૂંટણી કરતાં  પક્ષ પર નજર સૌ રાખે છે પણ ભારતીય જનતા પક્ષને કેમ કોઇ પૂછતું નથી? ત્યાં કયારે ચૂંટણી થાય છે?

કોંગ્રેસ આ વાતને હરીફ પક્ષો સામે હથિયાર તરીકે વાપરી શકે. ગાંધી પરિવાર, ખાસ કરીને રાહુલ ગાંધી હરીફ પક્ષો પર આ શસ્ત્રથી પ્રહાર કરી શકે છે. ગાંધી પરિવાર ચૂંટણી પ્રક્રિયામાં કોઇ પણ દખલ કરવા માંગતું નથી એ વાત સોનિયા ગાંધીએ સ્પષ્ટ કરી જ દીધી છે. સોનિયાએ કોંગ્રેસ પક્ષના પ્રમુખપદના ઉમેદવાર શશી થરૂરને એવી પણ ખાતરી આપી છે કે પક્ષના પ્રમુખપદની ચૂંટણીમાં પક્ષનો કોઇ ‘સત્તાવાર’ ઉમેદવાર નહીં હોય. શ્રીમતી ગાંધીએ કહેવું જોઇએ કે મારી આ ખાતરીનો ભંગ થાય તો કોંગ્રેસની આંતરિક શકિત પર અને આખરે વિપક્ષી એકતાના પ્રયાસો પર અસર પડશે.

રાહુલની ભારત જોડો યાત્રા પક્ષના પ્રમુખપદની ચૂંટણીના ઓછાયામાં થઇ રહી છે. તેની અને ચૂંટણી પર પરસ્પર સારી અસર પડશે અને કોંગ્રેસને વિપક્ષી એકતાના પ્રયાસોમાં નવો મજબૂત મંચ મળશે જેથી લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણીમાં મોદી સામે ટકકર લઇ શકાય. સાથોસાથ ભારતીય જનતા પક્ષના પ્રહારોથી નેતાગીરી સામે ઊભી થયેલી શંકાઓ પણ દૂર થવી જોઇએ. કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણી પછી પણ યાત્રા ચાલુ રહેશે. તેની યાત્રા પર સારી અસર પડશે અને રાહુલને કાશ્મીરમાં સારો પ્રતિભાવ મળશે. આખરે તો રાહુલ અને સોનિયા ૨૦૨૪ ની ચૂંટણી માટે કેવી રીતે તૈયારી કરે છે તેનો મદાર યાત્રા પર છે અને દક્ષિણનાં રાજયોમાં યાત્રાને સારો આવકાર મળ્યો છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top