National

રાજસ્થાનના CM અશોક ગેહલોત અને પૂર્વ CM વસુંધરા રાજે કોવિડ પોઝિટિવ, ટ્વીટ કરીને માહિતી આપી

જયપુરઃ (Jaipur) કોરોનાએ (Corona) ફરી એકવાર પોતાનું ઘાતક સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. દેશમાં પોઝિટિવ (Positive) લોકો સંખ્યા પણ વધી રહી છે ત્યારે હવે નેતાઓ પણ તેની ચપેટમાં આવવા લાગ્યા છે.

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. દિલ્હી અને મહારાષ્ટ્રના આંકડા ભયાનક છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. બંને નેતાઓએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અશોક ગેહલોત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સુરત ગયા હતા.

અશોક ગેહલોતે ટ્વીટ કરીને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસ વધ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે બધા કાળજી લો અને કોવિડ પ્રોટોકોલને અનુસરો.

બીજી તરફ બીજેપી નેતા અને રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે વસુંધરા રાજે 2 એપ્રિલે જ જયપુરમાં બીજેપીના રાજ્ય મુખ્યાલયમાં આયોજિત પાર્ટીની બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત સંગઠનના ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. તેમણે પણ ટ્વીટ કરીને સંક્રમિત થયા હોવાની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટરોની સલાહ પર સંપૂર્ણ એકલતામાં છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાની તપાસ કરાવે અને સાવચેતી રાખે.

Most Popular

To Top