Madhya Gujarat

નડિયાદના સંતરામ રાેડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું

નડિયાદ: નડિયાદ શહેરના મુખ્ય માર્ગ સમા સંતરામ રોડ પર પ્રશાસનની અણઆવડતનો નાગરીકો ભોગ બની રહ્યા છે. એકતરફ દુકાનોદારોનો સામાન રોડ પર દેખાઈ રહ્યો છે, તો દુકાનો આવતા ગ્રાહકો આડેધર પાર્કિંગ કરી રહ્યા છે અને આટલુ ઓછુ પડતુ હોય તેમ રોડની વચ્ચોવચ ગાયોનો અડીંગો દેખાઈ રહ્યો છે. ત્યારે આ ત્રિવેણી સમન્વયથી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા દેખાઈ રહ્યા છે. નડિયાદના બસ સ્ટેન્ડથી સંતરામ રોડ પર વર્ગો કોમ્પલેક્ષથી થોડે આગળ આજે રોડની પહોળાઈ ઘટીને દોઢ-બે ફૂટ થઈ ગઈ હતી. અહીં બજાર વિસ્તાર હોવાથી અઢળક દુકાનો છે, આ દુકાનદારો પોતાનો માલ સામાન દુકાનની બહાર રોડ પર મુકતા હોય છે.

ઉપરાંત દુકાનના પોસ્ટર પણ રોડ પર હોય છે. તો વળી, દુકાનો પર આવતા ગ્રાહકો પોતાના ટુ-વ્હીલરો અને ગાડીઓ પણ રોડ પર ગમે તેમ મુકી દેતા હોય છે. જેના કારણે રોડ પરથી માંડ એક બસ પસાર થઈ શકે એટલી જગ્યા વધતી હોય છે. આટલુ ઓછુ હોય તેમ રોડની પાસે લાગેલી રેલીંગને અડીને ગાયોએ પણ પોતાનો અડ્ડો જમાવેલો દેખાય છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો ગાયો અડફેટે ન લે તેનું ધ્યાન રાખી પસાર થવુ પડે છે. તો વળી, રાહદારીઓને પસાર થવાની જગ્યા ન રહેતા રોડની વચ્ચેથી પસાર થવુ પડે છે. જેથી અકસ્માતનો ભય રહે છે. ત્યારે નગરપાલિકા પ્રશાસન અને પોલીસની ઢીલી નીતિના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોવાનું જણાઈ રહ્યુ છે. જેથી તાત્કાલિક આ સંદર્ભે યોગ્ય પગલાં લેવાય તેવી માગ પ્રબળ બની છે.

સંતરામ ચાર રસ્તા પર મેનેજમેન્ટના અભાવે ટ્રાફિકજામ
સંતરામ રોડ પર ચાર રસ્તા પાસે ટ્રાફિક ચોકી હોવા છતાં ટ્રાફિક જામના દ્રશ્યો નવી વાત નથી. અહીંયા મેનેજમેન્ટના અભાવે આખો દિવસ ટ્રાફિક જામના દ્રશ્યો રહે છે. ટ્રાફિક પોલીસ અને જવાનો હાજર હોવા છતાં ચારેય રોડ પર પસાર થતા વાહનચાલકો આડેધડ કોઈ પણ રોડ પર ઘુસી જતા ટ્રાફિક જામ થાય છે. અહીંયા ચાર રસ્તા પરથી એક રસ્તો વેશાલી ગરનાળે, પીજ ભાગોળ, સંતરામથી બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડથી સંતરામ તરફ જતી ચોકડી છે. જ્યાં ચોક્કસ આયોજનથી વાહન વ્યવહાર પસાર થાય તે માટે પ્રયાસ કરાય તે જરૂરી બન્યુ છે.

રાહદારી માટે ફૂટપાથની જરૂર
નડિયાદ બસ સ્ટેન્ડથી સંતરામ રોડ પર બજાર વિસ્તાર હોવાથી રાહદારીની અવર-જવર રહે છે. તેમાંય નડિયાદ વડુ મથક હોય અને સંતરામ મુખ્ય બજાર હોવાથી આસપાસના ગ્રામજનો પણ અહીં ખરીદી માટે આવતા હોય છે. ત્યારે રાહદારીઓને આડેધર પાર્કિંગ અને દુકાનદારોના દબાણના કારણે રોડ પર ચાલવુ પડે છે. તેવા સંજોગોમાં પ્રશાસન દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ અને ફૂટપાથ બનાવાઈ સમસ્યાને હળવી કરવી જરૂરી બની છે.

નડિયાદમાં રખડતી ગાયોનો ત્રાસથી પ્રજા પરેશાન
નડિયાદ શહેરના તમામ મુખ્ય માર્ગો અને પ્રવેશદ્વારો પર ગાયોનો અડીંગો દેખાઈ રહ્યો છે. શહેરના બસ સ્ટેન્ડથી માંડી સંતરામથી મહા ગુજરાત અને વાણીયાવાડ સુધી રખડતા ઢોર દેખાઈ રહ્યા છે, શહેરના ચકલાસી ભાગોળથી મરીડા ભાગોળ થઈ કબ્રસ્તાન ચોકડી તરફ અને શાંતિ ફળિયાની સામે ભોજા તલાવડી, પરીવાર સોસાયટી તરફ જતા માર્ગે ગાયોના ટોળા રોડ વચ્ચે બેઠા હોય છે. તો આ તરફ આરટીઓ કચેરીથી કપડવંજ રોડ તરફ આખા રસ્તે અને મીલ રોડ સર્કલ પાસેના બસ સ્ટેન્ડની આસપાસ મોટા પ્રમાણમાં ગાયો દેખાઈ રહી છે. અહીં સર્કલ પાસે સ્ટેન્ડ હોવાથી મુસાફરો બસ પકડવા ઉભા રહે છે. તેવા સંજોગોમાં મુસાફરોને અડફેટે લે તેવો ભય ઉભો થયો છે.

Most Popular

To Top