Columns

કહું છું મજા પડશે

એક એકદમ બીઝી બિઝનેસમેન એક પળની પણ ફુરસદ નહિ.એક મીનીટના લાખો કમાય.સતત મીટીંગો માટે દુનિયાભરમાં પ્રવાસ કરે.મોડી રાત સુધી મીટીંગ અને ઘરે હોય ત્યારે પણ લેપટોપ અને મોબાઈલમાં જ ધ્યાન. પાછા મોબાઈલ પણ બે બે રાખે.પત્ની માટે ટાઇમ નહિ અને બાળકોને સમય ન આપીને મોટી મોટી ગીફ્ટ આપી બગાડે.આખો દિવસ બસ કામ, કામ ને કામ જ….ઘણું ભેગું કર્યું, પણ મોહ છૂટતો જ ન હતો.દર વખતે તે એમ વિચારે, હજી થોડાં વર્ષો કામ કરી લઉં. પછી બસ ફેમીલી સાથે મજા જ કરીશ.

આમ કામ અને પૈસા પાછળ દોડતાં દોડતાં એક દિવસ તેની તબિયત બગડી અને માઈનર હાર્ટએટેક આવી ગયો.બિઝનેસમેનને બેસ્ટ મેડીકલ ટ્રીટમેન્ટ મળી તે જલ્દી સાજો થઈ ગયો અને અઠવાડિયામાં ઓફિસે પણ જવા લાગ્યો.ફરી એ જ રફતાર શરૂ.એક દિવસ બીઝનેસમેન ઓફિસે પહોંચ્યો તો જોયું કે તેના રીટાયર પપ્પા તેની ખુરશીમાં બેઠા હતા.બિઝનેસમેને પૂછ્યું, ‘શું થયું પપ્પા, કેમ અહીં ઓફિસમાં? કંઈ કામ હતું તો મને કહેવું હતું ને ઘરે.’ તેના પપ્પા બોલ્યા, ‘દીકરા, તું તો મોટો બીઝનેસમેન છે. તું ઘરે મળે છે જ કયાં? એટલે તને મળવા તો ઓફીસમાં જ આવવું પડે ને.’બિઝનેસમેન બોલ્યો, ‘પપ્પા, કંઈ કામ હોય તો કહો, બાકી, આમ તમારી ખોટી ફરિયાદોમાં મારો સમય ન બગાડો. આમે હોસ્પીટલમાં મારા દિવસો બગડ્યા છે.’

પપ્પાએ કહ્યું, ‘દીકરા, દિવસો નહિ, તું જિંદગીની મજા બગાડી રહ્યો છે.’બિઝનેસમેને કહ્યું, ‘પપ્પા રાતદિન જોયા વિના કામ કરી હું આટલો સફળ બન્યો અને તમે કહો છો જિંદગીની મજા બગાડી રહ્યો છું.કઈ મજા કરવાની બાકી છે તે કહો.’ પપ્પા ઊભા થયા. તેની બેગ લઇ લીધી અને મોબાઈલ, લેપટોપ પણ લઇ લીધા અને બોલ્યા , ‘દીકરા,હું તારી જિંદગીની મજાની વાત કરી રહ્યો છું. આજે હું ઓફીસ સંભાળીશ,હોલી ડે ના દિવસે પણ તું કામ કરે છે જ. આજે વર્કિંગ ડે પર રજા લઈને જરા ફરવા જા તને મજા પડશે.આ રોજની મીટીંગોની માથાકૂટ એક દિવસ બાજુ પર મૂકી જુના મિત્રોની સાથે મીટીંગ ગોઠવ મજા પડશે.

આ તારી બેલેન્સશીટના આંકડા છોડીને ક્યારેક તારાં બાળકોની વર્કશીટ પરના માર્ક અને સ્ટાર જો. તને મજા પડશે.આ બધી દવાની ગોળીઓની સાથે નાનપણની પોપીન્સ કે જેમ્સ પણ ખાઈ જો. તને મજા પડશે.જા, આજે એ.સી.કેબીનની બહાર નીકળીને જરા ઠંડી હવામાં દોડ. તાજગીની મજા પડશે. તારા મોબાઈલ અને લેપટોપ અહીં મૂકીને પત્ની બાળકોને મળ; તને જિંદગી જીવવાની મજા પડશે.’ બિઝનેસમેન કંઈ ન બોલ્યો.આખો દિવસ તેણે રજા પાડીને કામ છોડીને જિંદગી જીવવાની મજા કરી.આમ ક્યારેક બધું છોડીને જિંદગીને મળી લેજો, કહું છું મજા પડશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top