Business

ગંગા અને હરિદ્વાર, અનુભવની બે વાત

ખળખળ વહેતી ગંગા નદી અને હરિદ્વારવાસીઓનો એક ખાસ નાતો છે. ગયા વર્ષે મિત્રો સાથે ‘વેલી ઓફ ફલાવર્સ’ના ટ્રેકીંગમાં જવાનું થયું ત્યારે 2 દિવસ હરિદ્વાર રોકાવાની તક મળી. હિમાલયના ચારધામો માટેનું પ્રવેશદ્વાર, નદી કિનારાના વિશાળ ઘાટ અને ઘણા બધા મંદિરો એવું હિન્દુઓની આસ્થાનું શહેર હરિદ્વારમાં અમારા રોકાણના 2 દિવસ દરમ્યાન ગંગા નદી સંદર્ભમાં હરિદ્રારના જનમાનસ પરિચય થયો. તેના 2 પ્રસંગો પ્રસ્તુત છે. એક વહેલી સવારે ગંગા સ્નાન માટે અમે મિત્રો હર કી પૌડી પહોંચ્યા. વિખ્યાત બ્રહ્મકુંડ અને તે ઉપરાંત જુદા જુદા ઘાટ અને મા ગંગાના મંદિરની મુલાકાત પણ લીધી. સ્નાન કર્યા બાદ હું નદી કિનારાની સવારની વ્યસ્તતા નિહાળી રહ્યો હતો.

અમુક મિત્રોમાં ગંગાને ઘરે લઇ જવા તેને લોટા, કેરબામાં ભરી રહ્યા હતા. એ સમયે અમે જે ઓટોમાં આવ્યા હતા તે ઓટોવાળાનો ફોન આવ્યો. કહે, ‘સાહબ કિતની દેર હૈ?’ મેં કહ્યું, ‘હમને સ્નાન તો કર લીયા હૈ, બસ પાની ભર રહે હૈ.’ મારો આ અવાજ સાંભળી નજીકમાં ઉભેલા એક સ્થાનિક પંડીતજીએ મને ટોકયો. કહે, ‘ઇસે પાની નહીં, જલ કહેતે હૈ!’ હું એમની સામું નિ:શબ્દ જોઇ રહ્યો. તેમના મુખ ઉપર હળવું સ્મિત હતું. દ્રશ્ય બીજું. અમે જ્યાં રોકાયા હતા ત્યાંથી હટ કી પૌડી ખાસ્સી દૂર હતી. એટલે સાંજે પાંચેક વાગ્યે અમોએ નક્કી કર્યું કે નજીકમાં નદી કિનારે કોઇ આશ્રમ હોય ત્યાં જઇએ.

બહાર નીકળી એક બેટરી સંચાલિત રીક્ષા લીધી અને તેને નજીકમાં આવેલ પરમાર્થ આશ્રમ પાસે લઇ જવા કહ્યું. 5 – 7 મિનિટના ડ્રાઇવીંગ પછી તેણે રીક્ષા રોડની સાઇડ ઉપર ઉભી રાખી. ભાડુ ચૂકવતી વખતે મેં ઇશારો કરી અમસ્તુ જ પૂછયું કે, ‘નદી ઇસ તરફ હૈ?’ ક્ષણેક એ મારી સામું જોઇ રહ્યો. એટલે મેં ફરી પૂછયું કે, ‘નદી કી તરફ જાને કા રાસ્તા ઉપર કી તરફ સે હી હૈ ના?’ નમ્ર ભાવે એ રીક્ષા ચાલક બોલ્યો, ‘હા જી, ગંગાજી ઇસી તરફ હૈ!’ પાણી અને નદી આપણે કહીએ, પરંતુ હરિદ્વારવાસીઓ માટે તો એ ખૂબ જ પવિત્ર એવી જીવનદાયિની મા ગંગા છે.
સુરત      – હિરેન દોલતરાય દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top